Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભાવનગરનાં શામપરા ખાતે આવેલ કન્ટેઇનર નિર્માણ માટેની ફેકટરીની મુલાકાત લેતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

  (મેઘના વિપુલ હિરાણી-વિનોદ ગાલા દ્વારા) ભાવનગર,ભુજ,તા.૨ : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા આજે બપોર બાદ સિહોર પાસે આવેલ એ.પી.પી.એલ. કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ૨૦ જી.પી. અને ૪૦ જી.પી. કાર્ગો કન્ટેઇનર્સનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રીએ કન્ટેઇનર્સ નિર્માણની તલસ્પર્શી વિગતો જાણી કન્ટેઇનર્સ નિર્માણ ફેકટરીની પણ મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે કન્ટેઇનર્સની ઉણપ છે. વિશ્વમાં વાર્ષિક ૩ લાખ કન્ટેઇનર્સની જરૂરત પડે છે. ભારતમાં પણ તેની મોટી માંગ છે.

 મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છ મહિના પહેલા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં તે અંગેની વાત કરી હતી અને માત્ર છ મહિનામાં ભાવનગરની કંપની દ્વારા કન્ટેઇનર્સ નિર્માણનું કામ વિધિવત રીતે શરૂ થઈ ગયું છે તે આનંદની વાત છે.

 તેમણે ઉમેર્યું કે, આ કંપનીની શરૂઆત બાદ અન્ય છ કંપનીઓ સાથે ૧૦ ઉત્પાદકો ભાવનગરમાં કન્ટેઇનર્સ  નિર્માણ કરવાની શરૂઆત કરવાનાં છે. આ રીતે કન્ટેઇનર્સ બનાવવાં ભારતનાં અભિયાનમાં ભાવનગર લીડ લેશે.

ભાવનનગરમાં કન્ટેઇનર્સ નિર્માણની શરૂઆત થતાં એક ઇકો સિસ્ટરમ બનશે તેનાં આધારે કલસ્ટર બનાવાશે અને ભારતમાં જ નિર્મિત કન્ટેઇનર્સ દ્વારા આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ભારત સરકાર આવાં કન્ટેઇનર્સ નિર્માતાઓને મદદરૂપ બનવા અંગેની નીતિ પણ ઘડશે.

મંત્રીશ્રીએ એ.પી.પી.એલ. કંપનીનાં ડાયરેકટરશ્રી વલ્લભભાઈ વિરડીયા, હસુમુખભાઈ વિરડીયાને પોતાનાં ઇજનને પ્રતિભાવ આપી તુરંત જ કન્ટેઇનર્સ નિર્માણ કરવાં માટે સહયોગ આપવા માટે અભિનંદન આપ્યાં હતાં.

મંત્રીશ્રીએ કંપનીનાં ઉત્પાદન એકમની મુલાકાત લઇ તેની ઉત્પાદન પ્રક્રિયાને  પ્રત્યક્ષ નિહાળી હતી. (૨૫.૩)

(11:49 am IST)