Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગામે ગામ તલાટી મંત્રીઓના દેખાવઃ હડતાલના લીધે પંચાયતોનો વહીવટ ઠપ્પ

રાજકોટ, તા., ૨: પોતાની પડતર માંગણીઓ સાથે તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર જતા હાલમાં પંચાયતનો વહીવટ ઠપ્પ થઇ ગયો છે. એ ઉપરાંત ગામે ગામ મંત્રીઓ દેખાવો કરી રહયા છે જે મળતા અહેવાલો અહી રજુ છે.

કોટડા સાંગાણી

કોટડા સાંગાણીઃ રાજય તલાટી કમ મંત્રી મહામંડળનાં આદેશ અન્વયે કોટડા સાંગાણી તાલુકાના તમામ તલાટી કમ મંત્રી માસ સી.એલ. પર જતા તાલુકાની ૪ર ગ્રામ પંચાયતોનો વહીવટ ઠપ્પ થઇ ગયો છે.

સરકાર સામે જુદી જુદી માંગણી વર્ષોથી પડતર હોય તલાટીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે.

વર્ષ ૨૦૧૮માં હડતાલનાં સમાધાનમાં પુર્વ નાયબ મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં થયેલ સમાધાનનું હજી સુધી નિરાકરણ ન કરાતા ગુજરાત રાજયના તલાટીની ધીરજ ખુટતા હડતાલનો માર્ગ અપનાવ્યો છે.

લોધીકાઃ તાલુકાના તમામ તલાટી મંત્રી માસ સીએલ ઉપર જતા તાલુકા પંચાયત કચેરી સામે દેખાવો કરી વિવિધ માંગણીઓના સંદર્ભમાં લોધીકા તાલુકાના તલાટી મંત્રીઓ માસ સીએલ ઉપર હોવાથી તાલુકાના ૩૮ ગામોના ગ્રામ પંચાયતને લગતા તમામ કામોને માઠી અસર પહોંચી છે.

જામજોધપુરઃ તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર માંગણીઓ માટે રાજય મંડળ દ્વારા અગાઉ આપેલ આવેદન પત્રના કાર્યક્રમ મુજબ જામજોધપુર તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ કામથી અળગા રહી માસ સી.એલ પર ગયેલ છે.

બગસરાઃ તાલુકાના તમામ તલાટી કમ મંત્રી ૧૧ પ્રકારની માંગણી લઇને માસ સીએલ પર ઉતર્યા હતા. તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વી.એ.કામળીયાનો સંપર્ક સાધતા તેમના દ્વારા જણાવેલ કે વિવિધ ૧૧ પ્રકારની માંગણી રાજય સરકાર પાસે પડતર છે. અનેકવાર રજુઆત કરતા અમારી માંગણી સંતોષાય ના હોવાથી આજ રોજ બગસરા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ માસ સીએલ મુકીને વિરોધ દર્શાવેલ છે તેમ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વી.એ.કામળીયાએ જણાવેલ છે. (તસ્વીરઃ સમીર વિરાણી)

(11:46 am IST)