Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કેશોદમાં ૪૫ ઇંચ વરસાદના પગલે અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગ બોજારૂપ બન્યા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨: અગાઉના વરસોના ૪૦ ઇંચ વરસાદની સરખામણીમાં આ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં ૪૫ ઇંચ વરસાદ વરસી જતા શહેરના વ્યાપારી અને રહેણાંક સંકુલોના અન્ડર ગ્રાઉન્ડનું પાર્કીંગમાં પાણી ભરાઇ જતા આ પાર્કીંગો અત્યારે સબંધકર્તાઓ માટે બોજારૂપ બની ગયા છે. સગવડતાના બદલે અગવડતા રૂપ અત્યારે પુરવાર થઇ રહ્યા છે.

સ્થાનિક કેશોદમાં આશરે ૧૫૦ જેટલા વ્યાપારી અને રહેણાંક ધરાવતા બહુમાળી બિલ્ડીંગો અસ્તિત્વ ધરાવે છે અને આ બહુમાળી બિલ્ડીગોમાંથી મોટા ભાગના બહુમાળી બિલ્ડીંગો પાર્કીંગ અન્ડર ગ્રાઉન્ડ છે.

સામાન્ય રીતે દર વરસે ૪૦ ઇંચ આસપાસ જેવો વરસાદ કેશોદમાં થાય છે. જેથી અગાઉના એકાદ બે ચોમાસા બાદ કરતા કયારેય ૪૦ ઇંચ તો આંકડો મેઘરાજાએ વટાવ્યો નથી. પરંતુ આ વરસે અત્યાર સુધીમાં ૪૫ ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે અને હજુ વરસવાની શકયતા છે. અત્યારે ૪૫ ઇંચ જેવો વરસાદ વરસી જતા ભૂતળમાં પાણીના લેવલ ઉચા આવ્યા છે. આ ઉંચા આવેલા પાણીના લેવલ ઘણી જગ્યાએ તો ૮-૧૦ ફુટ સુધી આવી ગયેલા છે. તેના સીધા પરિણામે આવા અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગમાં પાણી આવી ગયેલા છે. આથી આવા અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગ અત્યારે તદ્દન બિન ઉપયોગી બની ગયા છે. આવી જગ્યાએથી ઇલે.મોટર દ્વારા પાણી બહાર ફેંકી દેવાય તો ખાલી પડેલી જગ્યામાં ફરી નવુ પાણી આવી જાય છે.

ઉપરોકત સ્થિતીના કારણે આવા પાર્કીંગમાં કોઇ વાહન કે અન્ય માલ સામાન રાખી શકાતો નથી. આ ભરાયેલા પાણીમાં કચરો ભળે છે અને આ પાણી બંધિયાર સ્થિતીમાં જ રહેતા તેમાં મચ્છરો ઉત્પન્ન થાય છે. કહો કે આ જગ્યા મચ્છરો માટે મેટરનીટી હોમ પુરવાર થાય છે.

આ સ્થિતી જ્યા સુધી ભુગર્ભ પાણીના લેવલ નીચા ન ઉતરે ત્યાં સુધી ચાલુ રહેવાની કહો કે અોછામાં અોછા બે માસતો ચાલુ જ રહેવાની બે માસ સુધી અન્ડર ગ્રાઉન્ડમાં કોઇ વાહન કે બીજુ કોઇ રાખી શકાશે નહિ અને ઍથી પણ વધારે તો જરૂરી સફાઇ અને દવાના છંટકાવના અભાવે મચ્છોનો ત્રાસ અોછામાં અોછા બે માસ માટેનો આવા અન્ડરગ્રાઉન્ડ બોજારૂપ જ બની રહેવાના જ છે. 

(10:41 am IST)