Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભાજપ-કોંગી એક-એક બેઠક જીતે તો સંખ્યાબળ યથાવત : 'આપ' જીતે તો પંચાયતમાં નવો ઇતિહાસ

રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક માટે કાલે મતદાન

રાજકોટ,તા. ૨ :  જિલ્લા પંચાયતની જસદણ તાલુકાની શિવરાજપુર અને સાણથલી બેઠક માટે આવતીકાલે રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થનાર છે. બન્ને બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેત્રિપાંખીયો જંગ છે. જો ભાજપ-કોંગી બન્ને એક-એક બેઠકો જીતે તો જિલ્લા પંચાયતમાં સંખ્યાબળ યથાવત રહેશે. બેમાંથી એકેય બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તો પંચાયતના રાજકારણમાં 'આપ'ની એન્ટ્રી સાથે નવો ઇતિહાસ સર્જાશે. 'આપ'ની ભૂમિકા અન્ય પક્ષોને અસરકર્તા બનશે તા. ૫મીએ મત ગણતરી થશે.

સાણથલીમાં ભાજપ અને શિવરાજપુરમાં કોંગ્રેસના સભ્યનું અવસાન થતા પેટાચૂંટણી આવી છે. સાણથલી બેઠક સામાન્ય મહિલા અનામત છે. ત્યાં ત્રણેય પક્ષના ત્રણ ઉમેદવારો વચ્ચે જ જંગ છે. શિવરાજપુરની સામાન્ય બેઠકમાં આ ત્રણ પક્ષ ઉપરાંત આપ મેદાનમાં છે. હાલ જિલ્લા પંચાયતમાં ભાજપના ૨૪ અને કોંગીના ૧૦ સભ્યો છે. બેય પક્ષ એક-એક બેઠકો જીતે તો સંખ્યાબળ યથાવત રહેશે. કોઇ પક્ષ બન્ને બેઠકો જીતી જાય તો તેમા બળમાં એક સભ્યનો વધારો થશે. 'આપ' જીતે તો નવા જ સમીકરણો થશે.

ભાજપે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી છે. આપ,કોંગી વગેરેએ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, કોરોના વખતની મુશ્કેલી વગેરે મુદ્દા ઉઠાવ્યા છે. મતદારો કોની વાત સ્વીકારે છે ?  તે તો મંગળવારે જ ખ્યાલ આવશે. 

(10:38 am IST)