Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

હોમ ટાઉન ગાંધીધામમાં વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યનું ૧૩૦ થી વધુ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન

કર્મભૂમિ ગાંધીધામના સાથે સંકળાયેલા બાવન વર્ષના સંસ્મરણો વાગોળ્યાઃ મહિલાઓ માટે કામ કરતા મારી રાજકીય કારકિર્દી અહીથી પ્રારંભ થઇ છેઃ ભૂકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નિરાશામાં આશાનો દીપક જલાવી સમગ્ર વિશ્વમાં કચ્છનો પ્રકાશ પાથર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: ગાંધીધામ ખાતે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યનું ૧૩૦ ઉપરાંત વિવિધ સંગઠનો-સંસ્થાઓ મંડળો અને ચેમ્બર્સો દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જેને લઘુભારત તરીકે સંબોધ્યુ છે એવા કચ્છના ગાંધીધામ સાથે મારી કારકિર્દીના બાવન વર્ષ જોડાયેલા છે અને ઘરઆંગણે થતું આ સન્માન દરેક વ્યકિતનું સન્માન છે એમ પ્રાસંગિક પ્રવચનમાં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, મહિલાઓ માટે કામ કરતા મારી રાજકીય કારકિર્દી અહીથી પ્રારંભ થઇ છે. ભૂકંપ બાદ તત્કાલિન મુખ્યમંત્રીશ્રીએ નિરાશામાં આશાનો દીપક જલાવી સમગ્ર વિશ્વમાં કચ્છનો પ્રકાશ પાથર્યો છે તેને વધુ ઝળહળ કરીએ.

ઔધોગિક હબ એવું ગાંધીધામ આર્થિક સ્તરે વિશેષ રોજગારી આપનાર છે. કચ્છમાં ૩ હજાર જેટલી ઇન્ડ્રસ્ટ્રીઝનો રોજગારી આપવામાં વિશેષ ફાળો છે.

સરકારે મહિલા સશકિતકરણની માત્ર વાતોજ નથી કરી પણ પાર્લામેન્ટમાં શ્રી સુમિત્રા મહાજનને સ્પીકર બનાવી, કોરોના કાળમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમનને વિશેષ જવાબદારી સોંપી તેમને મહિલાની અમાપ શકિત અને સેવાને અવસર આપ્યા છે.

રાજયનાં પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષાનો પદભાર કચ્છને સોંપી સવાયા કચ્છી વડાપ્રધાને દરેક કચ્છીને ગૌરવ અપાવ્યું છે. નવજાત શિશુની જેમ કચ્છનું જતન અને આંખે ઉડીને વળગે એવો વિકાસ કરી કચ્છને વિશ્વનોંધનીય બનાવ્યું છે તે ગૌરવને આપણે સૌ વધુ દીપાવશું.

નર્મદાના ૧ મીલીયન એકર-ફીટ વધારાના પાણી કચ્છને મળે તે માટે પ્રયત્નો ચાલુ છે. વિવિધ ક્ષેત્રોમાં અગ્રસર કચ્છને તાજેતરમાં શ્રેષ્ઠ પ્રવાસન માટે પણ ટુરિઝમ એવોર્ડ મળ્યો છે. મારી સુદીર્ઘ કારકિર્દીની મુસાફરીમાં જોડાયેલા તમામને આ પદ મળ્યું છે.

ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ આ તકે ડો. નીમાબેન આચાર્યની કારકિર્દી સંદર્ભે પોતાના બાળપણના સંસ્મરણો તાજા કરી કચ્છનું ગૌરવ આ પદથી વધ્યું છે તેમ જણાવ્યું હતું. આ તકે તેમણે ગાંધીધામના પૂર્વવિધાનસભા અધ્યક્ષશ્રી ધીરૂભાઇ શાહને યાદ કરી ડો. નીમાબેનના આદર્શથી રાજકરણમાં કચ્છની ઘણી મહિલાઓ પ્રવેશી છે એમ પણ ઉમેર્યુ હતું.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રી અનિલ જૈને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે,  રાજયના પ્રથમ મહિલા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય ઉત્સાહ, મહેનત, ધીરજ, ખંત, અનુશાસન અને નારી શકિતનું પ્રતિક છે.

અધ્યક્ષાશ્રીના આ ભવ્ય અભિવાદન સમારોહમાં સર્વશ્રી ગાંધીધામ નગરપતિશ્રી ઇશિતાબેન ટીલવાણી, ડાઙ્ખ. ભાવેશ આચાર્ય, ઉપપ્રમુખશ્રી તેજા કાનગઢ, શ્રી મહેશ તીર્થાણી, જતીન અગ્રવાલ, હરેશભાઇ મહેશ્વરી તેમજ ગાંધીધામ તાલુકાના અને સંગઠનના અગ્રણી સર્વશ્રીઓ, વિવિધ સમાજો, સંસ્થાઓ, અગ્રણીઓ, વિસ્તારના નગરજનો સાથે ઉત્સાહ ભેર હાજર રહ્યા હતા.(તસ્વીરઃ રાજેશ લાલવાણીઃ ગાંધીધામ)

(11:15 am IST)