Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જામનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદની એન્ટ્રીથી પાકને જીવતદાન

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨:  જામનગર જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી કરતા ઉભા પાકને જીવતદાન મળ્યું છે જેથી જગતના તાંતની મૂંઝવણ ઘટી છે. જામનગર જિલ્લામાં વરસાદે કયાંક મહેર તો, કયાંક કહેર પણ વરસાવી છે.

જામનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદની અછત હતી અને જગતના તાત ની મુશ્કેલીઓ વધી હતી તેવા સમયે જન્માષ્ટમીના તહેવારો બાદ વરસાદી માહોલ સમાચાર જામનગર જિલ્લામાં પણ દશમના દિવસે દશે દિશામાંથી વર્ષાએ જાણે મહેર કરી હોય તેમ જિલ્લાના તમામ તાલુકામાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદની વિગતો મુજબ જોડિયા પંથકમાં ૧૦૨ મિમી એટલે કે, ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકામાં પણ ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો ધ્રોલ પંથકમાં પણ બે ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ૫૩ મિમી એટલે કે, ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર પંથકમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે.

જામનગર જિલ્લામાં વરસાદની તમામ ૬ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો અને રાત્રીના સમયે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:17 am IST)