Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

નંદીતાદાસ અભિનીત ''ધાડ'' ગુજરાતી ફિલ્મ રીલીઝ

ભૂજ, તા. ર :   ગુજરાતી ફિલ્મોમાં ચાલી રહેલા ક્રેઝ વચ્ચે પ મી ડિસેમ્બરથી રીલીઝ થઇ રહેલી ''ધાડ'' ફિલ્મએ અનેક રીતે થોડી હટકે છે. પરેશ નાયક દિગ્દર્શિત ''ધાડ'' ફિલ્મ સાથે સંકળાયેલા કચ્છમાં મુખ્ય દૈનિક ''કચ્છ મિત્ર''નાં પુર્વ તંત્રી કિર્તી ખત્રીએ ''ધાડ'' ફિલ્મ સંબંધે વાત કરી હતી.

અનેક ચડાવ ઉતાર બાદ રીલીઝ થઇ રહેલી ''ધાડ''એ ગુજરાતી સાહિત્યનાં લબ્ધ પ્રતિનિષ્ઠિત લેખક સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બની છે. ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થનારા સેવા સ્પષ્ટ વકતા સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી પણ સ્વ. જયંત ખત્રીને નવલિકાઓનાં લેખન ક્ષેત્રે પ્રેરણા રૂપ ગણી તેમની પ્રશંસા કરી ચુકયા છે.

એ જ રીતે વર્તમાન સાહિત્યકારો રઘુવીર ચૌરી અને કિરીટ દુધાત પણ માને છે કે સ્વ.જયંત ખત્રીની લેખન શૈલી ગુજરાતી સાહિત્યમાં નોખી ભાત પાડે છે. આ વાતો સાથે તંતુ માધતાં કિર્તી ખત્રી કહે છે કે તેમના પિતા સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બનેલી ''ધાડ'' ફિલ્મએ નંદીતાદાસ કે. કે. મેનન અને રઘુવીર યાદવનાં જાનદાર અભિનય તેમજ કચ્છના પરીપ્રેક્ષ્ય કચ્છનાં માનવીઓનાં સંઘર્ષ, સમસ્યા અને સંજોગો સામે ઝઝુમવાની ખુમારીનાં કારણે માનવીની ભવાઇ અને કાશીનો દીકરો જેવી ગુજરાતી ફિલ્મ છે.

''ધાડ'' ફિલ્મમાં નંદીતાદાસ નો અભિનય લાજવાબ છે ગુજરાતીની સાથે સાથે કચ્છી ભાષામાં બનેલી ફિલ્મ ''ધાડ'' એ કચ્છ ગુજરાતના પરીપ્રેક્ષ્ય ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. આ ફિલ્મની પટકથા જાણીતા સાહિત્યકાર વિનેશ અંતાણીએ લખી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિની ઝલક આજે પ્રવાસન ક્ષેત્રે પણ લોકપ્રિય છે. ત્યારે કચ્છના પરિવેશ, કચ્છની ધરતી અને ગ્રામીણ સંસ્કૃતિ અને કચ્છી માનવીઓના ખમીરને ઉજાગર કરતી ''ધાડ'' ફિલ્મને ગુજરાતી પ્રેક્ષકો વધાવી લેશે એવી આશા વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ વ્યકત કરી છે.

(11:41 am IST)