Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગિરનાર ઠરી ગયોઃ ૩.૫ ડિગ્રીઃ નલીયા ૪.૦, જામનગર ૭.૫, જૂનાગઢ ૮.૫, અમરેલી ૯.૦, રાજકોટ ૧૦.૭

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠંડીમાં સપડાયુઃ રાત્રીના રસ્તાઓ સુમસામઃ એકાએક પારો નીચે ઉતરી ગયો

રાજકોટ તા.ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કડકડતી ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે. લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરવા લાગતા ઠંડીની વધુ અસર અનુભવાઇ રહી છે.

છેલ્લા થોડા દિવસોમાં ઠંડીમાં વધઘટ થયા બાદ રવિવારથી કાતીલ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે અને ઠંડીથી બચવા સાંજથી લોકોની અવર-જવર ઘટી જાય છે અને મોડીરાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે. જયારે સવારે પણ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લે છે.

ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલી હિમવર્ષાને પગલે સુકા અને ઠંડા પવનો ફુંકાતા તેની અસરરૂપે ગુજરાતમાં પણ હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજયમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થતા આજે નલિયામાં સૌથી નીચુ ૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયાવાસીઓ રીતસરના ધ્રુજી ઉઠયા હતા. જયારે અન્ય શહેરોમાં પણ ૯ થી ૧૩ ડીગ્રી જેટલુ નીચુ તાપમાન નોંધાયુ હતુ.

નવા વર્ષની શરૂઆત થતા જ ઠંડીએ તેનો પરચો બતાવતા નવા વર્ષની ઉજવણી કરતા લોકો વગર સંગીતે પણ કાંપતા નજરે પડતા હતા. નવા વર્ષનું સ્વાગત ઠંડીએ ધમાકેદાર કર્યુ હતુ.

આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૩.પ ડીગ્રી, નલીયા ૪-૦, જામનગર ૭.પ, જુનાગઢ ૮.પ, અમરેલી ૯, રાજકોટ ૧૦.૭ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

જુનાગઢ : આજે ગિરનાર ખાતે ૩.પ ડીગ્રી હાડ થિજાવતી ઠંડી અનુભવાઇ છે જેના પરિણામે પર્વત ઠીંગરાય ગયો હોવાની અનુભુતી થઇ છે. સોરઠ વિસ્તારમાં ૮.પ ડીગ્રી ઠંડીથી જનજીવનને વ્યાપક અસર થઇ છે.

ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે ગિરનારનું તાપમાન ૬.૬ ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો વધુ નીચુ ઉતરીને ૩.પ ડીગ્રીએ સ્થિર થતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં બર્ફીલુ વાતાવરણ છવાઇ ગયુ છે.

આજની ઠંડીને લઇ ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો પણ મુશ્કેલીમાં મુકાય ગયા હતા તેમજ આગામી તા.૭મીએ યોજાનાર ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે પ્રેકટીસ કરતા સ્પર્ધકો પણ ઠંડીથી ઠુઠવાય ગયા હતા.

ગિરનાર પર્વત ખાતેની ૩.પ ડીગ્રી ઠંડીથી જંગલ વિસ્તારમાં પક્ષીઓનો કલરવ પણ શમી ગયો હતો. જુનાગઢ સહિતના સોરઠભરમાં અચાનક ઠંડી વધીને ૮.પ ડીગ્રીએ પહોંચી જતા લોકોના રોજીંદા વ્યવહારો, કામકાજ અસ્તવ્યસ્ત થઇ ગયા હતા.

અચાનક ૩ ડીગ્રી ઠંડી વધતા લોકોને ગરમ વસ્ત્રોનો આશરો લેવાની ફરજ પડી છે. આજની કડકડતી ઠંડીમાં ૬૩ ટકા ભેજ ભળતા વહેલી સવારથી વાતાવરણમાં શરૂ થયેલુ. ધુમ્મસનું આક્રમણ મોડે સુધી યથાવત રહ્યુ હતુ.

 સવારે ૪.પ કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા લોકો વધુ મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન રપ.૮ મહત્તમ, ૭.પ લઘુતમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૩ કી. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર

૩.પ ડીગ્રી

નલીયા

૪.૦ ડીગ્રી

જામનગર

૭.પ ડીગ્રી

જુનાગઢ

૮.પ ડીગ્રી

વલસાડ

૮.પ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૯.૦ ડીગ્રી

અમરેલી

૯.૦ ડીગ્રી

ભુજ

૯.પ ડીગ્રી

મહુવા(સુરત)

૯.૬ ડીગ્રી

ડીસા

૯.૭ ડીગ્રી

પોરબંદર

૧૦.પ ડીગ્રી

રાજકોટ

૧૦.૭ ડીગ્રી

ન્યુકંડલા

૧૧.૦ ડીગ્રી

ગાંધીનગર

૧૧.પ ડીગ્રી

અમદાવાદ

૧ર.ર ડીગ્રી

સુરેન્દ્રનગર

૧ર.૬ ડીગ્રી

ભાવનગર

૧૩.૦ ડીગ્રી

દિવ

૧૩.૦ ડીગ્રી

દ્વારકા

૧૩.૮ ડીગ્રી

વેરાવળ

૧૪.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૪.૧ ડીગ્રી

સુરત

૧૪.ર ડીગ્રી

વડોદરા

૧૪.ર ડીગ્રી

ઓખા

ર૦.૩ ડીગ્રી

(11:25 am IST)