Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

તમારી દોરથી કોઈ પક્ષીના 'જીવન'ની દોર ના કપાય જાય તે જો જો...

વહેલી સવારે, મોડી સાંજે પંખીઓના ઉડવાના સમયે પતંગ ના ચગાવવા જામનગરના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનો અનુરોધ

જામનગર, તા. ૧ :.  ઉતરાયણ એ વરસોથી ચાલી આવતી પરંપરા મુજબનો તહેવાર છે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉતરાયણની મજા અગાશી પર જઈ કાપ્યો છે... ના નારાઓ જ છે, આ મજાની સાથે ચગાવવામાં આવેલી પતંગની દોરથી નિર્દોષ પક્ષીઓની જીવનની દોર ના  કપાય જાય  તે કાળજી  રાખવી  પણ  ખૂબ જરૂરી છે.

આ અંગે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય-ગાર્ડન સમિતિના ચેરમેન ડીમ્પલબેન રાવલે જણાવેલ કે, શિયાળાની ઋતુમાં દેશ વિદેશના રંગબેરંગી પક્ષીઓ નગરના મહેમાન બનવા અહીં આવે છે. ઘણા યાયાવર પક્ષીઓ અહીં માળાઓ બનાવે છે અને તેમના બચ્ચાઓને મોટા કરી માદરે વતન પરત ફરે છે. આ સમયે જામનગરના પતંગ રસિયાઓની વિશેષ જવાબદારી બને છે કે આ પ્રકારના કોઈ પક્ષી તેમની પતંગની દોરમાં મોતને ના ભેટે કે ઘાયલ ના થાય, એક વખત પતંગની દોરમાં પક્ષીની પાંખ ફસાયા બાદ ઘણા વર્ષોની સારવાર બાદ તે ફરી ઉડવા માટે સક્ષમ બને છે અથવા તો તે કયારેય ફરી તેના ગમતા આકાશમાં ઉડી શકતુ નથી અને કપાયેલી પાંખ સાથે શિકારી પક્ષી કે કૂતરાનો ખોરાક બની જાય છે.

જામનગર નજીક પ્રસિદ્ધ ખીજડિયા પક્ષી અભ્યારણ અને શહેર મધ્યમાં રણમલ તળાવ આવેલું છે અહીં અનેક પક્ષીઓ વસવાટ કરે છે. આ વા સમયે પતંગ રસિયાઓએ એક જીવદયાના ભાગરૂપે સવારના ૭ થી ૯ વાગ્યા સુધી અને સાંજે ૬ વાગ્યા બાદ પતંગ ચગાવવા ના જોઈએ અને પક્ષી પતંગની દોરમાં ફસાયેલુ જોવા મળે તો દોરને ખેંચવાના બદલે તરત જ હાથ પાસેની દોરને તોડી નાખી છૂટી મુકી દેવી જોઈએ જેના કારણે પક્ષીની પાંખમાં ઈજાઓ ઓછી થઈ શકે છે અને આ પક્ષી તેના માળામાં રાહ જોઈ રહેલા તેના માસૂમ બચ્ચાનું જતન કરી શકશે.

અત્રે નોંધનીય છે કે, ઘાયલ પક્ષી હેલ્પલાઈન નંબર છે... જેમાં વન વિભાગ (૯૯૭૪૫ ૪૨૨૨૨), લખોટા નેચર કલબ (૯૩૭૭૫ ૭૭૯૧૧ - ૮૦૦૦૮ ૨૬૯૯૧), કુદરત ગ્રુપ (૯૨૨૮૮ ૭૭૯૧૧) અથવા બર્ડ હોસ્પીટલ (૭૫૭૪૦ ૦૦૧૦૮ - ૯૯૭૯૮ ૫૩૭૦૨) નો સંપર્ક સાધી શકાય છે. (ફાઈલ તસ્વીરઃ મુકુન્દ બદિયાણી-જામનગર) (૨-૪)

(10:11 am IST)