Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મારા શોને કારણે યુવતિઓ ફૌજીને જીવનસાથી બનાવતી થઇઃ શ્વેતા શિંદે

જાણીતા ગાયનેકોલજીસ્ટ નીતાબેન ઠક્કર સાથે પારિવારીક નાતો ધરાવતાં મરાઠી ટીવી શો, નાટકો, ફિલ્મોના ખુબ જાણીતા અભિનેત્રી બન્યા 'અકિલા'ના અતિથીઃ લાગીર જાલમ જી...ટીવી શોમાં છત્રપતિ શિવાજીના ભકત એવા ફૌજીની કહાનીઃ આ સિરીયલ પછી માતા-પિતા દિકરીઓને આર્મીમેન સાથે પરણાવતા થઇ ગયા તે મારા માટે અત્યંત ખુશીની બાબતઃ આગામી બીગ બોસમાં ભાગ લેવાની ઇચ્છાઃ કોમેડી રોલ વધુ ગમેઃ ફિલ્મો અમારા માટે નવલકથા અને ટીવી શો અખબારઃ નાટકોમાં પણ કામ કરવું પસંદ : મર્યા પહેલા મહારાણી લક્ષ્મીબાઇનો રોલ ભજવવાની ઇચ્છા :અભિનય કરતાં બિઝનેસમાં વધુ પૈસા મળે, પણ અભિનય કરીને શાંતિ મળે છે : રાષ્ટ્રપતિ ભવનમાં કરેલો નાટ્ય શો અદ્દભુત અનુભવ : આગામી બિગ બોસમાં કામ કરવાની ઇચ્છા

 

આજના અતિથી.. શ્વેતા શિંદેઃ મરાઠી ટીવી સિરીયલો, ફિલ્મો અને નાટકોના ખુબ જાણીતા અભિનેત્રી શ્વેતા શિંદે આજે 'અકિલા'ના અતિથી બન્યા હતાં. સૌરાષ્ટ્રના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. નિતાબેન ઠક્કર સાથે શ્વેતા શિંદેને પારિવારીક નાતો છે. અત્યંત બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી તે ખાસ ડો. નિતાબેનને મળવા રાજકોટ આવતાં નિતાબેન સાથે અકિલાનું આતિથ્ય માણ્યું હતું. તસ્વીરોમાં શ્વેતાજીની લાક્ષણિક અદાઓ તથા 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર ભાવેશ કુકડીયા સાથે અકિલા લાઇવ ન્યુઝમાં ખુલ્લા મને ચર્ચા કરતાં જોઇ શકાય છે. યુવા જર્નાલિસ્ટ અંકિતા ગોંડલીયાએ અકિલાની પરંપરા મુજબ શ્વેતા શિંદેનું હાર પહેરાવી સન્માન કર્યુ હતું (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: 'હું ચુસ્ત મરાઠા પરિવારની દિકરી છું, અમારે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તો ખુબ તકલીફ પડે છે. પરંતુ માતા અને ખાસ કરીને પિતાને હું દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ફિલ્મની કાજોલની જેમ મનાવી શકી અને અભિનયમાં કારકિર્દી બનાવવામાં સફળ થઇ. હું જ્યાં જન્મી છું એ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિમાંથી મોટી સંખ્યામાં યુવાનો ભારતીય ફોૈજમાં ફરજ બજાવે છે. આજે ડોકટર્સ, એન્જિનીયર્સ અને બિઝનેસમેનને તો લગ્ન માટે સરળતાથી છોકરીઓ મળી જાય છે. પણ ફૌજીનું નામ પડતાં જ માતા-પિતા પોતાની દિકરીનું સગપણ ત્યાં કરવા ઇચ્છતા હોતા નથી. પણ મેં જે ટીવી શો શરૂ કર્યો એના નવ મહિના પછી એવું પરિવર્તન આવ્યું કે યુવતિઓ સામેથી ફૌજીને જીવનસાથી બનાવતી થઇ ગઇ. મારા માટે સમાજ સેવા કર્યાની આ સોૈથી મોટી ખુશીની બાબત છે...' આ વાતો જણાવી હતી મરાઠી ટીવી શો, ફિલ્મો અને નાટકોની ખુબ જાણીતી અભિનેત્રી શ્વેતા શિંદેએ. સોરાષ્ટ્ર-રાજકોટના જાણીતા ગાયનેકોલજીસ્ટ ડો. નીતાબેન ઠક્કર સાથે પારિવારીક નાતો ધરાવતાં આ અભિનેત્રી આજે 'અકિલા'ના અતિથી બન્યા હતાં અને મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગોષ્ઠી કરી હતી.

શ્વેતાએ જણાવ્યું હતું કે સતારાથી મુંબઇ સુધી પહોંચવાની મારી સફર ખુબ આકરી હતી. મારે માત્ર અભિનય કરીને નામના નહોતી મેળવવી, મારા ગામ અને સમાજ માટે પણ કંઇક કરવું હતું. મારી ટીવી સિરીયલ લાગીરં જાલમ જી...જેને મેં પ્રોડ્યુસ કરી છે અને ઝી મરાઠીએ તેને પ્લેટફોર્મ આપ્યું છે તેના કારણે આજે સતારાના માતા-પિતા પોતાની દિકરીઓને ફૌજીઓ સાથે પરણાવતા થઇ ગયા છે. આ શોમાં શિવાજી મહારાજના ભકત એવા ફૌજી યુવાનની કહાની છે. આ શો નવ મહિનાથી ચાલી રહ્યો છે અને હવે તેના કારણે યુવતિઓ ફૌજીઓને પસંદ કરતી થઇ છે. મારા માટે આ ખુબ જ ખુશીની વાત છે.

શ્વેતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું જો અભિનય ન કરતી હોય તો પતિ સાથે બિઝનેસમાં જોડાઇ ચુકી હોત. ૨૦૦૭માં ટીવી શોમાં સાથે કામ કરતાં સંદિપ સાથે મુલાકાત થઇ હતી અને બાદમાં અમે લગ્ન કરી લીધા હતાં. હાલમાં તે બિઝનેસમેન છે. તે કહે છે હું લગ્ન કરવા માટે જ અભિનયના મેદાનમાં આવ્યો હતો.

શ્વેતાએ કહ્યું હતું કે મને અભિનય ક્ષેત્રે જવા માટે ખુબ ઇચ્છા હતી. એક સમયે તો મેં ઘરેથી ભાગી જવાનું નક્કી કરી લીધુ હતું. પરંતુ જો ભાગી હોત તો એવી વાતો વહેતી થાત કે હું કોઇ છોકરા સાથે ભાગી છું. પણ બાદમાં પિતાને મનાવીને હું અભિનય ક્ષેત્રે પહોંચી હતી. અહિ એવા યુવક-યુવતિઓએ જ કારકિર્દી બનાવવા આવવું જોઇએ જેને આ ફિલ્ડ પ્રત્યે ખાસ લાગણી હોય. અભિનયને કામ સમજતા હોય તેવા નહિ પણ લાગણી ધરાવતાં હોય, ખાસ શોખ ધરાવતાં હોય તેણે જ આવવું જોઇએ. માત્ર અભિનય નહિ, કોઇપણ કામમાં લાગણી હોવી જરૂરી છે.

રાષ્ટ્રપતિ ભવનમાં પણ શ્વેતા શિંદે અને તેની સાથેના કલાકારો એક વખત શો કરી ચુકયા છે. તેણે કહ્યું હતું કે એ અનુભવ અદ્દભુત હતો. ત્યાંની મહેમાનગતિ, ત્યાંના દર્શકો અને સિકયુરીટી મેં કદી કયાંય જોયા નથી. પ્રતિભાતાઇ સાથે બેસીને ચા પીવાની તક મળી તે સોૈથી યાદગાર ક્ષણ છે. શ્વેતાએ જણાવ્યું હતું કે ફિલ્મો, ટીવી શો અને નાટકો એમ બધામાં કામ કરવું ગમે છે. ફિલ્મો અમારા માટે નવલકથા છે અને ટીવી શો અખબાર છે. નાટકોએ પણ મને નામના અપાવી છે. મને કોમેડી જોનરમાં કામ કરવું ખુબ ગમે છે. ત્રણ કલાકના કોમેડી નાટકને જોઇને લોકો ગમે તેવા ટેન્શનમાં હોય તો પણ હળવાફુલ થઇ જાય છે અને હસતાં-હસતાં ઘરે જાય છે...એ જોઇને ખુબ ખુશી થાય છે. મનુ મિલન નામનું નાટક મારુ પસંદગીનું છે. મરાઠી ફિલ્મ શૈરાટ વિશે શ્વેતાએ કહ્યું હતું કે મેં તેમાંથી પણ મારા શો માટે થોડી પ્રેરણા લીધી છે. આ ફિલ્મ જોરદાર છે.

શ્વેતાએ મરાઠી ટીવી સિરીયલો, ફિલ્મો અને નાટકો ઉપરાંત હિન્દી ટીવી શોમાં પણ કામ કર્યુ છે. તે કહે છે મારી ઇચ્છા મહારાણી લક્ષ્મીબાઇનું પાત્ર ભજવવાની છે. મર્યા પહેલા આ પાત્ર ભજવવાનું મારું સપનુ છે.

ઇન્ટરનેટના યુગમાં ટીવી શો ઉપરાંત વેબ સિરીઝનું ચલણ પણ વધ્યું છે. ત્યારે પોતે પણ વેબ સિરીઝનું નિર્માણ કરવાની અને તેમાં અભિનય કરવાની ઇચ્છા ધરાવતી હોવાનું પરંતુ હાલમાં સમય ન હોઇ એ વિશે વિચારતી નહિ હોવાનું શ્વેતાએ કહ્યું હતું. પોતે કોઇપણ રોલ પસંદ કરતાં પહેલા સ્ક્રિપ્ટ વાંચવાનું પસંદ કરે છે. શ્વેતા અભિનય ઉપરાંત પેઇન્ટીંગનો શોખ પણ ધરાવે છે. જો કે હાલમાં તેને આ શોખ પુરો કરવા સમય મળતો નથી. શ્વેતાએ પોતે તક મળતાં ગુજરાતી શો કે ફિલ્મમાં પણ કામ કરશે તેવી લાગણી દર્શાવી હતી.

અભિનેત્રી શ્વેતા શિંદે સાથે 'અકિલા લાઇવ ન્યુઝ'માં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પત્રકાર ભાવેશ કુકડીયા પણ જોડાયા હતાં. 'અકિલા'ની પરંપરા મુજબ શ્વેતા શિંદેનું  યુવા જર્નાલિસ્ટ અંકિતા ગોંડલિયાએ સ્વાગત કર્યુ હતું.

અભિનય ક્ષેત્રે આવતાં પહેલા પિતાજીને દિલવાલે દુલ્હનીયા  લે જાયેંગે...ની કાજોલની જેમ મનાવવા પડ્યા'તાઃ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી બધા જ મારી કારકિર્દીમાં ખુબ સહયોગ આપે છે

. શ્વેતા શિંદે કહે છે હું એક ચુસ્ત મરાઠા પરિવારની દિકરી છું. અમારા ઘરમાં સ્લીવલેસ ડ્રેસ પહેરવો હોય તો પણ વિચાર કરવો પડતો હતો. પરંતુ મારે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવી હતી. પિતા તેના સખ્ત વિરોધી હતાં. એ વખતે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ આવતાં મેં એ જોઇ અને ઘરે જઇ કાજોલની જેમ જ મારા પિતા સામે એક ઇમોશનલ ડ્રામા ઉભો કર્યો અને કહ્યું કે એક વખત મને મારી જિંદગી જીવી લેવા દો, પછી આપ કહેશો તેની સાથે હું લગ્ન કરી લઇશ. અનેક શરતો બાદ પિતા-માતા રાજી થયા હતાં અને મુંબઇ આવ્યા બાદ મેં અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. જો કે મુંબઇ કોલેજના અભ્યાસ વખતથી જ કામની ઓફર આવવા માંડી હતી. જો કે મેં અભિનય કારકિર્દી થકી અમારા સતારા ગામને કંઇક આપ્યાનો ખુબ સંતોષ છે. મારા કામમાં મને પતિ સંદિપ ભનશાલી, સાસુ, સસરા, જેઠ, જેઠાણી બધા ખુબ જ સહકાર આપે છે.

રાજકોટમાં મારું બીજુ માવતરઃ ડો. નિતાબેન ઠક્કર સાથે વર્ષો જુનો નાતોઃ

અહિ આવીએ તો મા પાસે હોય એવું જ લાગેઃ શ્વેતા

. અભિનેત્રી શ્વેતાએ રાજકોટ સાથેના પોતાના નાતા અંગે લાગણીશીલ બનીને કહ્યું હતું કે ડો. નિતાબેન ઠક્કરને કારણે હું રાજકોટ સાથે એક ખાસ રીતે જોડાઇ ચુકી છે. મારા માવતર આમ તો સતારા (મહારાષ્ટ્ર)માં છે. પણ રાજકોટ મારું બીજુ માવતર છે. ડો. નિતાબેનની સાથે હું હોઉ તો મને એમ થાય કે મા મારી સાથે છે. નિતાબેનના નાના બહેનની દિકરીઓ અને હું સાથે અભ્યાસ કરતાં હતાં. આ કારણે વર્ષોથી નિતાબેન સાથે પારિવારીક સંબંધ છે. હું લગ્ન બાદ પહેલીવાર પ્રેગનન્ટ થઇ ત્યારે પણ મેં સોૈથી પહેલા નિતાબેનને ફોન કર્યો હતો. શ્વેતાએ કહ્યું હતું કે મને રાજકોટમાં દાળઢોકળી, ફુલકા રોટી, ઉંધીયુ અને તમામ પ્રકારની મિઠાઇ ખુબ ભાવે છે. અહિ એટલુ વધુ ખાઇ લેવાય છે કે વજન વધી જાય છે. પેંડા, ગોળકેરીનું અથાણું ખાવામાં હું બધાને પાછળ રાખી દઉ છું. અહિના લોકો ખુબ પ્રેમાળ છે. હું ચોક્કસ ગુજરાતી ફિલ્મો, ટીવીશોમાં કામ કરીશ. મારો મરાઠી ટીવી શો જે મરાઠી ઉપરાંત બાંગલામાં ચાલી રહ્યો છે તે ગુજરાતીમાં પણ પ્રસારિત થાય તેવા પ્રયાસ કરીશ.

(4:35 pm IST)