Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વોર્ડ નં. ૧૨ના ભવાનીનગરમાં ૩ દિવસથી પાણી બંધઃ દેકારો

વાલ્વ રીપેરીંગનો ખાડો ખોદી કોન્ટ્રાકટ ગાયબઃ કોલ સેન્ટરની ફરિયાદનો પણ ઉલાળિયો

રાજકોટ તા. ૩૦ : શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં ધાંધિયાની ફરિયાદો રોજીંદી બની છે ત્યારે વોર્ડ નં. ૧૨ના ભવાનીનગરમાં ત્રણ-ત્રણ દિવસથી પાણી નહી મળતા લતાવાસીઓમાં જબરો દેકારો બોલી ગયો છે અને તંત્રની બેદરકારી સામે જબરો રોષ ફેલાયો છે.

આ અંગે લતાવાસીઓમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ વોર્ડ નં. ૧૨માં આવેલ મવડી ૨૫ મીટર રોડના ભવાનીનગર શેરી નં. ૬ તથા મેઇન રોડ પરના મકાનોમાં સવારે ૫.૪૦નો પાણી વિતરણનો સમય છે પરંતુ બે દિવસ અગાઉ પાણી વિતરણનો વાલ્વ ખરાબ થઇ જતાં તેના રીપેરીંગ માટે ખાડો ખોદીને રીપેરીંગનો સ્ટાફ જતો રહ્યા બાદ આજ સુધી કોઇ આવ્યું નહી. આમ, આજે સતત ત્રીજા દિવસે પાણી નહી મળતા રહેવાસીઓમાં પાણી માટે જબરો દેકારો બોલી ગયો છે. બીજી તરફ રસ્તામાં ખોદેલા ખાડો - વાહન ચાલકો અને રાહદારી માટે જોખમી બન્યો છે.  લતાવાસીઓએ જણાવ્યું હતું કે, પાણીનો આ વાલ્વ તાકીદે રીપેર કરી પાણી વિતરણ શરૂ કરાવવા કોલ સેન્ટરમાં પણ ફરિયાદ કરાઇ છે છતાં હજુ સુધી કોઇ પગલા નથી લેવાયા. આમ તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકરોષ ફેલાયો છે.(૨૧.૧૯)

(4:13 pm IST)