Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રૂ.સાડા ત્રણ લાખના ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ કાયમ રાખતી અપીલ કોર્ટ

આરોપીને કસ્ટડીમાં લઇને સેસન્સ કોર્ટે જેલહવાલે કર્યો

રાજકોટ, તા., ૩૦: રૂ. સાડા ત્રણ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને થયેલ સજાનો હુકમ રાખીને સેસન્સ કોર્ટે અપીલ નામંજુર કરી આરોપીને કસ્ટડીમાં લઇને જેલહવાલે કરાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટમાં આર્યનગર સોસાયટી, સંત કબીર રોડ ઉપર રહેતા ફરીયાદી અરવિંદભાઇ મેરામભાઇ મકવાણાએ સંબંધની રૂએ મિત્ર દરજ્જે વગર વ્યાજે અલીહુસેન ઇસ્માઇલભાઇ ભારમલ, રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, રાજકોટવાળાને રૂ. સાડા ત્રણ લાખ આપેલા. સદરહું રકમની ઉઘરાણી કરતા આરોપી અલીહુસેન ભારમલે ચેક લખી આપેલ. સદરહું ચેક રીટર્ન થતા ફરીયાદી અરવિંદભાઇ મકવાણાએ તેમના એડવોકેટ શ્રી મયુરભાઇ પંડયા દ્વારા ડીમાન્ડ નોટીસ આપેલ છતાં પણ નોટીસનું પાલન ન કરતા છેવટે ચેક રીટર્ન સબબની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

સદરહું ફરીયાદ સંપુર્ણ પણે પુરાવો લીધા બાદ તેમજ રજુ કરેલ વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટને ધ્યાનમાં લઇ ફરીયાદી કેસ સાબીત કરી શકેલ હોય, જયુડી. મેજી. શ્રી ઇ.એમ.શેખે આરોપી અલી હુસેન ભારમલને બે વર્ષની સાદી કેદની સજા તથા ડબલ રકમ એટલે કે સાત લાખ રૂપીયાનો દંડ ફટકારેલ. આ હુકમથી નારાજ થઇ આરોપીએ સેસન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ.

સેસન્સ જજએ નીચેની કોર્ટના જજમેન્ટમાં કોઇ મટીરીયલ ઇરેગ્યુરાલીટી હોય તેવી કોઇ હકીકત ધ્યાન ઉપર આવતી નથી અને નામ. નીચેની કોર્ટનું તારણ યોગ્ય અને ન્યાયીક હોય જેથી નીચેની કોર્ટના તે હુકમમાં કોઇ હસ્તક્ષેપ કરવો જરૂરી જણાતો નથી તેમ માની સેસન્સ અદાલતે નીચેની અદાલતનું જજમેન્ટ કાયમ રાખેલ. સદરહું અપીલની સંપુર્ણપણે દલીલો સાંભળીને એડી. સેસન્સ જજ શ્રી બી.પી.પુજારાએ અપીલ નામંજુર કરેલ છે અને નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલ છે તેમજ આરોપી અલીહુસેન ભારમલને તુરત જયુડીશીયલ કસ્ટડીમાં લઇ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી અરવિંદ મેરામભાઇ મકવાણા, રહે. રાજકોટવાળા વતી મયુર એચ.પંડયા રોકાયેલ હતા.(૪.૧૧)

(4:03 pm IST)