Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ડોકટરે ચાર વાગ્યા સુધી બધું નોર્મલ હોવાનું ને થોડી વાર પછી સિઝેરીયનનું કહ્યું: જન્મ સાથે જ બાળકનું મોત

વાળંદ યુવાન મયુર બગથરીયાનો આક્ષેપઃ ડો. રૈયાણીએ ભયંકર બેદરકારી દાખવી, નવજાત દિકરો મૃત હોવા છતાં અમને બીજી હોસ્પિટલમાં લઇ જવા કહેવાયું: ફોરેન્સિક પોર્સ્ટ મોર્ટમઃ રિપોર્ટ પેન્ડીંગ

રાજકોટ તા. ૩૦: સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે અરવિંદભાઇ મણીયાર કવાર્ટર બી-૨૯માં રહેતાં અને મોટી ટાંકી ચોક પાસે વાળંદ કામ કરતાં મયુર ચંદુભાઇ બગથરીયા નામના વાળંદ યુવાનના પત્નિ ધારા બગથરીયાએ ગઇકાલે ગુરૂપ્રસાદ ચોકની શિવમ્ હોસ્પિટલમાં સિઝેરીયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો. પણ જન્મ સાથે જ તેનું મોત નિપજ્યું હતું. ડોકટરે ભયંકર બેદરકારી દાખવ્યાનો આ વાળંદ યુવાને કરી નવજાત બાળકનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. મયુરે શિવમ્ હોસ્પિટલના ડો. ધર્મેશ રૈયાણીની ભયંકર બેદરકારી હોવાના આક્ષેપો પણ કર્યા હતાં.

મયુરે જણાવ્યું હતું કે મારા લગ્ન બે વર્ષ પહેલા ધારા સાથે થયા છે. હાલમાં તેણીને સારા દિવસો જતાં હોઇ ડો. રૈયાણીની હોસ્પિટલમાં જ પહેલેથી તપાસ કરાવતાં હતાં. ગુરૂવારે રાત્રે દુઃખાવો ઉપડ્યો હતો અને શુક્રવારે સવારે સાડા નવે અમે ધારાને શિવમ્ હોસ્પિટલમાં દાખલ કરી હતી. અગિયારેક વાગ્યે ડોકટરે આવી તપાસ કરી બધુ બરાબર હોવાનું કહ્યું હતું. બાદમાં સાંજે સાડા ચારે મને એકલાને ઓફિસમાં બોલાવી ડોકટરે કહેલ કે છાતીના ભાગે નાળ છે પણ વાંધો નહિ આવે નોર્મલ થઇ જશે. ત્યાર પછી પાંચ વાગ્યે મને પાછો બોલાવી કહેલ કે તાત્કાલીક સિઝેરીયન કરવું પડશે કારણ કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

ડોકટરે કહ્યું હોય એ સાચુ જ હોય એમ સમજી અમે સિઝેરીયનની મંજુરી આપી દીધી હતી. પરંતુ દસ-પંદર મિનીટના આ કામને બદલે એક-દોઢ કલાક બાદ ડોકટર બહાર આવ્યા હતાં અને મને અંદર બોલાવ્યો હતો. હું અંદર જતાં બાળકને પમ્મીંગ કરતાં ડોકટર જોવા મળ્યા હતાં. એ પછી મને કહેલ કે બાળકને બીજી હોસ્પિટલમાં લઇ જાવ. અમે એ માટે પણ તૈયાર થયા હતાં. જો કે બાળક મને સોંપાયુ ત્યારે જ તેમાં જીવ ન હોય તેવું સ્પષ્ટ લાગતું હતું.  આમ છતાં અમે બીજી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ત્યાંથી ફરીથી અમે ડો. ધર્મેશ રૈયાણીની હોસ્પિટમલાં લાવ્યા હતાં. એ પછી તેણે બાળકને મૃત જાહેર કર્યો હતો.  છેક સુધી અમને ગુમરાહ કરવામાં આવ્યા હતાં. તેમ વધુમાં મયુર બગથરીયાએ જણાવ્યું હતું.

માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. જે. એચ. ખાચરે એ.ડી. નોંધી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ પેન્ડીંગ રખાયો છે તે આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.

(12:40 pm IST)