Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મકાઇના ભુસા નીચે છુપાવ્યો'તો રૂ.૧૧.૮૪ લાખનો દારૃઃ એરપોર્ટ પોલીસે હરિયાણાના બે શખ્સને દબોચ્યા

પીઆઇ જી. એમ. હડીયાની બાતમી પરથી બેટીના પુલ પાસેથી ટ્રક ઝડપી લઇ હરિયાણા મંડીના ગુરમીતસિંગ અને દિલબાગની ધરપકડઃ ૨૬૮૮ બોટલ દારૂ, ટ્રક, ૫.૭૭ લાખનું ભુસુ મળી કુલ રૂ. ૨૭,૬૯,૩૪૦નો મુદ્દામાલ કબ્જે : ટ્રકમાં ભરેલા ભુસાનું બીલ મોરબીનું: દારૂ કોને આપવાનો હતો તેની તપાસ

પકડાયેલા બંને શખ્સ સાથે પીઆઇ જી. એમ. હડીયા અને ટીમ તથા ભુસા નીચે છુપાવેલી દારૂની પેટીઓ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૩૦: બૂટલેગરો પર પોલીસ ધોંસ બોલાવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટી નદીના પુલ પરથી એરપોર્ટ પોલીસે રૂ. ૧૧,૮૪,૬૪૦નો  ૨૬૮૮ બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ હરિયાણાના મંડીના બે શખ્સને પકડી લીધા છે. આ બંને ટ્રકમાં મકાઇના ભુસા નીચે દારૂની પેટીઓ છુપાવીને લાવ્યા હતાં. રાજકોટમાં આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો? તે અંગે તપાસ થઇ રહી છે.

ડીજીપીશ્રીએ દારૂની ડ્રાઇવ અંતર્ગત રાત્રીના એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીઆઇ હડીયાને બાતમી મળી હતી કે દારૂ ભરેલો હરિયાણા પાસીંગનો ટ્રક વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવી રહ્યો છે. માહિતીને આધારે વોચ રાખી એચઆર૬૬એ-૨૯૫૧ નંબરનો ટ્રક આંતરી લઇ તલાશી લેવામાં આવતાં પાછળ મકાઇનું ભુસુ જોવા મળ્યું હતું. રૂ. ૫,૭૭,૫૦૦નું ભુસુ  દૂર હટાવ્યા બાદ પોલીસને નીચે છુપાવેલો દારૂનો જથ્થો મળ્યો હતો. રોયલ ચેલેન્જ બ્રાન્ડની રૂ. ૪,૭૪,૨૪૦ની ૯૧૨ બોટલો તથા નાઇટ બ્લુ વ્હીસ્કીની રૂ. ૭,૧૦,૪૦૦ની ૧૭૭૬ બોટલો મળી આવતાં દારૂનો જથ્થો, ૧૦ લાખનો ટ્રક, બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૭,૬૯,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસે ટ્રકમાંથી બે શખ્સો ગુરમીતસિંઘ ભિમસિંઘ ચમાર (ઉ.વ.૨૨-રહે. ગામ બીઠ્ઠમાર (લાલણપત્તી) થાના ઉકલાના મંડી જી. હીસ્સાર, હરિયાણા) તથા દિલબાગ મનીરામ ચમાર (ઉ.વ.૨૦-રહે. ગામ બિઠ્ઠમાર (લાલણપત્તી) મંડી જી. હિસ્સાર હરિયાણા)ની ધરપકડ કરી હતી.

ટ્રકમાં પાંચ લાખથી વધુની કિંમતનું મકાઇનું ભુસુ ભર્યુ હોઇ તેનું બીલ મોરબીની પેઢીના નામનું છે. ભુસા નીચેથી મળેલો દારૂનો જથ્થો કોને આપવાનો હતો? તે અંગે પકડાયેલા બંનેની વિશેષ પુછતાછ કોવિડ રિપોર્ટ બાદ કરવામાં આવશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ  જી. એમ. હડીયા, પીએસઆઇ આર. એન. સાંકળીયા, એએસઆઇ જીતેન્દ્રભાઇ બાળા, હેડકોન્સ. યોગેન્દ્રભાઇ ચોૈહાણ, અશોકભાઇ કલાલ, કોન્સ. દિવ્યરાજસિંહ ચુડાસમા, મહાવીરસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા અને કનુભાઇ ભમ્મરે આ કામગીરી કરી હતી. આરોપીના રિમાન્ડ મળ્યે આગળની તપાસ કરવામાં આવશે.

(1:08 pm IST)