Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

નકલી જંતુનાશક દવા બનાવવાનું કારસ્‍તાનઃ કુવાડવા પોલીસે પર્દાફાશ કરી ૧૫.૨૭ લાખની દવા કબ્‍જે કરી

નવાગામમાં બે માસથી શિવનગરનો મહેશ ઉર્ફ રાહુલ ટારીયા ઉત્‍પાદન કરી અલગ અલગ જીલ્લામાં વેંચાણ કરતો હતો : સ્‍વસ્‍તિક એગ્રી સાયન્‍સ નામે કારખાનુ ધમધમતુ હતું: એગ્રી કલ્‍ચર ઓફિસરને સાથે રાખી કાર્યવાહીઃ નકલી દવાઓની ૪૫૪૯ બોટલો કબ્‍જે : ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમની કાર્યવાહીઃ પીએસઆઇ એન. આર. વાણીયા અને હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણાની બાતમી : દવાની બોટલો પર ચોંટાડવાના અલગ અલગ કંપનીના સ્‍ટીકર્સનો જથ્‍થો, દવા મિક્‍સ કરવા માટેનું વલોણું અને વજનકાંટો પણ કબ્‍જે કરાયા

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પરના નવાગામમાં દિવેલીયા બાલાજી પાર્કમાં આવેલા એક કારખાનામાં નકલી જંતુનાશક દવાઓનું ઉત્‍પાદન કરવામાં આવતું હોવાની બાતમીને આધારે કુવાડવા રોડ પોલીસે એગ્રીકલ્‍ચર ઓફિસરને સાથે રાખી દરોડો પાડતાં લાખોની કિંમતની રજીસ્‍ટ્રેશન વગરની અલગ અલગ કંપનીની જંતુનાશક દવાનો જથ્‍થો મળી આવતાં કારખાનાના મેનેજરને સકંજામાંલઇ પુછતાછ આદરી હતી. છેલ્લા દોઢ બે મહિનાથી તે આ રીતે જંતુનાશક દવાઓનું ઉત્‍પાદન કરી અલગ અલગ જીલ્લાઓમાં વેંચતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ પોલીસ મથકની ટીમ ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે ચેકીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ એન. વાર. વાણીયા અને હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણાને બાતમી મળી હતી કે નવગામ દિવેલીયા બાલાજી પાર્કમાં આવેલા સ્‍વસ્‍તિક એગ્રી સાયન્‍સ નામના કારખાનામાં રજીસ્‍ટ્રેન વગર ખેતરના પાકો માટે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ બનાવવામાં આવે છે. આને આધારે એગ્રીકલ્‍ચર ઓફિસરને સાથે રાખી દરોડો પાડવામાં આવતાં કારખાનામાંથી ખેતી કામમાં ઉપયોગમાં લેવાતી અલગ અલગ બ્રાન્‍ડની રૂા. ૧૫,૨૭,૦૫૦ની કિંમતની ૪૫૪૯ બોટલોનો જથ્‍થો મળી આવતાં સીઆરપીસી ૧૦૨ મુજબ શંકાસ્‍પદ મત્તા ગણી કબ્‍જે કરી હતી.

કારખાનાના મેનેજર મહેશ ઉર્ફ રાહુલ થોભણભાઇ ટારીયા (ભરવાડ) (ઉ.વ.૩૧-રહે. ગ્રીનલેન્‍ડ ચોકડી શિવનગર, શિવ ડેરીવાળી શેરી નં. ૫, મોમાઇ કૃપા)ને અટકાયતાં લઇ પુછતાછ કરતાં તેણે પોતે દોઢ બે મહિનાથી આ દવાઓનું રજીસ્‍ટ્રેશન વગર ઉત્‍પાદન કરી અલગ અલગ જીલ્લામાં જે તે કંપનીની દવાના પ્રાઇઝના માર્કા મુજબના ભાવે જ વેચતો હોવાનું કબુલ્‍યું હતું. ખેતીવાડી ખાતાના અધિકારીઅ દ્વારા દવાઓના નમુના લઇ પૃથ્‍થકરણમાં મોકલાયા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

પોલીસે કારખાનામાંથી રેડલાઇન કંપનીની દવાઓ જેના પર ઇયળનો સિમ્‍બોલ છે તેની ૯૫૦ બોટલો રૂા. ૧૪૨૫૦૦ની, રેડલાઇનની ૫૦૦ એમએલની ૧૮૫૦ બોટલો રૂા. ૬૮૪૫૦ની, રેડલાઇનની ૧૦૦ એમએલની ૪૦૦ બોટલો રૂા. ૧,૪૦,૦૦૦ની, ૨૦ એમએલની ૯૦ બોટલો રૂા. ૧,૭૫,૦૦૦ની, ત્રિરંગા સુપર કંપનીની ૨૫૦ મીલીની ૧૬૦ બોટલો રૂા. ૭૫૨૦૦ની, ૫૦૦ મીલીની ૬૦ બોટલો રૂા. ૫૫૨૦૦ની, આ કંપનીની પીળા કલરની ૪૦ બોટલો રૂા. ૭૧૨૦૦ની, ઓલઆઉટની લીલા રંગની ૫૦૦ મીલીની ૧૮૫૦ બોટલો રૂા. ૧૮૫૦૦૦ની, ૨૫૦ એમએલની ૩૬૦ બોટલો રૂા. ૪૨૦૦૦ની, ૧૦૦ મીલીની ૪૪૦ બોટલો રૂા. ૧,૭૬,૦૦૦ની, ૨૦ એમએલની ૯૦૦ બોટલો રૂા. ૮૧૦૦૦ની મળી આવતાં કબ્‍જે કરી હતી.

આ ઉપરાંત અલગ અલગ કંપનીની દવાઓના રેપર (સ્‍ટીકર)નો જથ્‍થો એક બોક્‍સમાં હોઇ તે તથા વજનકાંટો, વલોણું મળી કુલ રૂા. ૧૫,૨૭,૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

આ કામગીરી પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ એન.આર. વાણીયા, હેડકોન્‍સ. અનિલભાઇ ડી. મકવાણા, એ. બી. લોખીલ, કિશોરભાઇ પરમાર, કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, નિલેષભાઇ સરવૈયા, રઘુવીરભાઇ ગઢવી સહિતની ટીમે કરી હતી.

(3:40 pm IST)