Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગુજરાત સત્તાપરિવર્તન તરફ આગળ વધી રહી છે : ભાજપ વિધાનસભાની ચૂંટણી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી જીત્યુ

કોંગ્રેસના સંમેલનમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સટાસટીઃ મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્વરાજયની ચૂંટણીઓમાં પણ જનતા કોંગ્રેસને સાથ આપશે : નર્મદા ડેમમાં પૂરતું હોવા છતાં લોકો - ખેડૂતોને પાણી કેમ અપાતુ નથી

સતા પરિવર્તન થશે જઃ  રાજકોટમાં આજે યોજાયેલ કોંગ્રેસના સંમેલનમાં રાજયના કોંગી દિગ્ગજોએ ઉપસ્થિત રહી અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું તથા શાસક પક્ષ ભાજપ સામે આક્ષેપોની ઝડી વરસાવી અને ગુજરાતમાં સતા પરિવર્તનની આશા વ્યકત કરી હતી. તસ્વીરમાં સંમેલનના મંચ પર ગુજરાત વિધાનસભાના નવનિયુકત વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા પ્રદેશ પ્રમુખ ભરતસિંંહ સોલંકીનું સન્માન થયું હતું તે નજરે પડે છે તથા મંચ ઉપર ઉપસ્થિત  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, બ્રિજેશ મેરજા, કુંવરજીભાઇ બાવળીયા, પ્રદીપભાઇ ત્રિવેદી, શહેર કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂ અને કાર્યકારી પ્રમુખ  મહેશ રાજપુત, કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા સહિતના આગેવાનો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં સંમેલનમાં ઉપસ્થિત કોંગી કાર્યકર ભાઇ-બહેનો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩૦ : આજે યોજાયેલ કોંગ્રેસના સંમેલનમાં વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજયની જનતા સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી જ હતું. આ ચૂંટણી ભાજપ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર ફેલાવી જીત મેળવી હતી. વિધાસનભાની ચૂંટણીમાં જેવી રીતે કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો તેવી જ રીતે આગામી સ્વરાજયની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સારો દેખાવ કરશે અને જીત મેળવશે.

હાલમાં સૌરાષ્ટ્રમાં ૭૫ પૈકી માત્ર ૧૧માં જ કોંગ્રેસનંુ શાસન છે. પરંતુ મને આ વખતે સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં આ વખતે સત્તાપરિવર્તન જરૂર અને જરૂર થશે અને લોકો કોંગ્રેસ તરફી મતદાન કરશે.

ભાજપ સરકારે ભ્રમ ફેલાવી જાયફાઓ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. પરેશભાઈએ નર્મદાના પ્રશ્નો અંગે જણાવ્યુ હતું કે, નર્મદા ડેમમાં ૧૩૦ મીટરની ઉંચાઈ સુધી પાણી ભરેલુ હોવા છતાં નર્મદા ડેમ પાણીથી ભરેલો હોવા છતાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થવા જઈ રહી છે ત્યારે જ ગામડાઓમાં ખેડૂતોને પોતાના પાકમાં પાણી પીવડાવવા માટે પણ પૂરતુ પાણી મળતુ નથી. ખેડૂતોનો ઉભો પાક પણ સૂકાઈ રહ્યો છે. ખેડૂતોને ખેતરમાં પાણી કેમ મળતુ નથી? ભાજપ સરકારે પાણી અને જનતાના નારા કયાં વેડફી નાખ્યા તેવો વેધક સવાલ પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સમક્ષ કર્યો હતો. (૩૭.૧૬)

(4:54 pm IST)