Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અગાઉ હત્યા કરી ચુકેલા મહાત્મા ગાંધી પ્લોટના અમુભાઇ રાઠોડની લાશ મળી

૧૪ વર્ષની સજા પડ્યા બાદ સારી વર્તુણકને લીધે ત્રણ વર્ષ પહેલા મુકિત મળી'તીઃ ભગવતીપરા પુલ નીચેથી બેભાન મળતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ મૃતદેહ જ પહોંચ્યોઃ લત્તાવાસીઓએ કરી અંતિમવિધી

રાજકોટ તા. ૩૦: લાતી પ્લોટ વિસ્તાર, ભગવતીપરા, મહાત્મા ગાંધી પ્લોટ સહિતના વિસ્તારમાં ગમે ત્યાં ખાઇ-પી લેતાં અને રિક્ષામાં સુઇ જતાં અમુભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.૫૦) નામના વણકર પ્રોૈઢની ભગવતીપરા પુલ નીચેથી લાશ મળતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. અમુભાઇએ ચોૈદ વર્ષ પહેલા દારૂની કોથળી બાબતે કોળી શખ્સની હત્યા કરતાં ૧૪ વર્ષની સજા પડી હતી. જેલમાં તે વાળંદ કામ કરતાં હતાં. સારી વર્તુણકને લીધે તેને ત્રણ વર્ષ પહેલા ગાંધી જયંતિના દિવસે જેલમાંથી મુકિત આપવામાં આવી હતી.  તેને આગળ-પાછળ કોઇ ન હોઇ લત્તાવાસીઓએ સાથે મળી અંતિમવિધી કરી હતી.

રાત્રીના અમુભાઇ ભગવતીપરા પુલ નીચે બેભાન પડ્યા હોવાની જાણ થતાં પંકજભાઇ વશરામભાઇ સોલંકી નામના રિક્ષાચાલકે તેમને સિવિલમાં ખસેડ્યા હતાં. પણ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.  પંકજભાઇના કહેવા મુજબ અમુભાઇને આગળ-પાછળ કોઇ નથી, તેના એક બહેન મુંબઇ રહે છે. અમુભાઇએ ચોૈદ વર્ષ પહેલા ખૂન કરતાં સજા પડી હતી. પણ સારી વર્તુણકને કારણે ત્રણ વર્ષ પહેલા છુટી ગયેલ અને હાલ મહાત્મા ગાંધી પ્લોટમાં ગમે ત્યાં લત્તાવાસીના ઘરે જમી લઇ ગમે ત્યાં સુઇ જતાં હતાં. હાર્ટએટેક કે બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ છે.

(12:43 pm IST)