Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પૈગમ્બર સાહેબના જન્મ દિવસ 'સોમવાર'થી જ તેઓના મહિનાનો થયેલ પ્રારંભ અને મુસ્લિમોની સાપ્તાહિક ઇદ 'શુક્રવાર'ના જ 'ઇદે મીલાદ'ના ત્રિવેણી સંયોગથી બેવડો આધ્યાત્મિક ઉત્સાહ પણ જુલૂસ મોકૂફ

કાલે પૈગમ્બ જયંતિ પરોઢિયે પ.૩પ વાગ્યે સલામીઃ પૈગમ્બર સાહેબની પ્રસંશામાં મસ્જીદોને શણગારઃ રાત્રિના રંગબેરંગી રોશનીથી ઝળહળતા મુસ્લિમ વિસ્તારો

રાજકોટ તા. ર૯ :.. ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની જન્મ જયંતિ 'ઇદે મીલાદ' ના સ્વરૂપે કાલે શુક્રવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વે આજે ગુરૂવારે રાત્રે ઇદે મીલાદની રાત્રિ મનાવવામાં આવશે.

ગત ૧૮મી ઓકટોબરના રાજકોટ સહિત સમગ્ર દેશમાં એક સાથે થયેલા ચંદ્રદર્શન થકી ઇસ્લામી પંચાગના ત્રીજા મહીના રબીઉલ અવ્વલનો તા. ૧૯ મી ઓકટોબરને સોમવાારથી પ્રારંભ થયો હતો.

જે દિવસો ગણતા એ મહીનાના ૧ર મા દિવસે બરાબર ઇદે મીલાદ ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે ખૂબી તો એ છે કે, પૈગમ્બર સાહેબનો જન્મ થયો એ દિવસે સોમવાર હતો અને આ વખતે બરાબર સોમવારથી જ તેઓના મહીના રબીઉલ અવ્વલનો મહીનો શરૂ થયો છે.

બીજી બાજુ ઇદે મીલાદ આ વખતે બરાબર ફરી એકવાર શુક્રવારના દીવસે આવી છે અને ઇસ્લામ ધર્મની ત્રણ ઇદ પૈકી આ સૌથી મોટી ઇદ 'ઇદે અકબર' ગણવામાં આવે છે. અને શુક્રવાર મુસ્લિમ સમાજમાં હમેંશા 'સાપ્તાહિક ઇદ' તરીકે મનાવવામાં આવે છે.

આમ રબીઉલ અવ્વલ મહીનો સોમવારથી શરૂ થવો અને સૌથી મોટી ઇદ ત્થા સાપ્તાહીક ઇદ એક સાથે થઇ જવાના ત્રિવેણી સંયોગથી મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ બેવડાઇ ગયો છે. પરંતુ આ વખતે જુલૂસનું જ આયોજન ના હોઇ આ ઉત્સાહ જે તે મહોલ્લા સુધી જ સિમીત બની રહેશે.

પૈગમ્બર સાહેબની ૧૪૪૯ મી જન્મ જયંતિ ઇદે મીલાદના  સ્વરૂપે શુક્રવારે ઉજવાશે. ખાસ કરીને આ સૌથી મોટી ઇદમાં પૈગમ્બર સાહેબના ગુણગાન જ ગાવાના હોઇ દેશ-વિદેશમાં આ ઇદના દિવસે 'જુલુસ' કાઢવામાં આવે છે અને મોટી માત્રામાં મુસ્લિમ સમાજ તેમાં જોડાય છે.

આ જુલુસો મહદ અંશે સવારના સમયે યોજાય છે અને બપોર સુધી ચાલતા રહે છે તો અમૂક જુજ વિસ્તારોમાં બપોરે જુલુસો નિકળે છે જે રાત્રિના પુર્ણાહૂતિપામે છે અને જો શુક્રવારે ઇદ થતી હોય તો મોટા શહેરોમાંઆ જુલુસો બપોરના સમયે યોજાતા હોય છે. દરમિયાન આ વખતે વૈશ્વિક મહામારીના લીધે ધાર્મિક મેળાવડા, સભાઓ ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ સમગ્ર ગુજરાતમાં અમલી હોય સર્વત્ર ઇદેમીલાદ ગાઇડ લાઇન્સ મુજબ સાદાઇથી ઉજવાઇ જશે.

આ ઉપરાંત ઇદના દિવસે પૂર્વે એટલે કે આજે રાત્રીના ઇદે મીલાદની રાત્રી મનાવવામાં આવે છે તેમાં પણ દરેક મસ્જીદોમાં મીલાદ -વાઅઝ, કુઆર્ન પઠન અને પૈગમ્બર સાહેબના બાલ-મુબારકના પવિત્ર દર્શન કરાવવામાં આવે છે અને પૈગમ્બર સાહેબના જન્મોત્સવ સમયે પરોઢિયે દરેક મસ્જીદોમાં મીલાદ શરીફ પઢી પ.૩પ વાગ્યે સલામી અર્પિત કરવામાં આવે છે. અને તે પછી  ફજરની નમાઝ થયા બાદ સર્વત્ર પૈગમ્બર જયંતિની ખુશીમાં ઠેરઠેર ખાદ્ય સામગ્રી - મીઠાઇનું વિતરણ કરી એકમેકને ઇદે મીલાદની મુબારક બાદ-શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

આ ઉપરાંત દર વર્ષે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં દરરોજ રાત્રીના૧ર  દિવસ સુધીના વાઅઝના કાર્યક્રમો પણ લતે લતે  યોજાય છે અને દરરોજ રાત્રીના મસ્જીદોમાં દરૂદ શરીફ પઠનના કાર્યક્રમો યોજાય છે.

ઇદે મીલાદના અવસરે મુસ્લિમ સમાજમાં અનેરો હર્ષ જોવા મળતો હોય છે તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ પરિવારો પોતાના મકાનોને ઝળહળતા કરતા હોય છે તેમ આજેપણ રંગબેરંગી રોશની કરવામાં આવી હોય મુસ્લિમ વિસ્તારો દરરોજ રાત્રીના ઝળહળી રહયા છે. મસ્જીદ-મદ્રેસા અને દરગાહોમાં પણ શણગાર કરવામાં આવ્યો છે.

છેલ્લા ૧૦ દિ'થી મુસ્લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે.ત્યારે આવતીકાલે ઇદે મીલાદનું પર્વ હોઇ મુસ્લિમ સમાજમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

આ પ્રસંગે નોંધનીય છે કે, છેલ્લા આઠ મહીનામાં વૈશ્વીક મહામારીના કપરા કાળમાં ઇસ્લામ ધર્મમાં પવિત્ર મનાતી મહત્વની રાત્રીઓ શબે મેઅરાજ, શબે બરાત તે પછી પવિત્ર રમઝાન માસ, રમઝાનની ઇદુલ ફિત્ર, તે પછી ઇદુલ અદહા અને હજજનો મહીનો ઉપરાંત તાજીયાનું પર્વ આશૂરાહ અર્થાત મહોર્રમ માસ અને છેલ્લે ઉર્ષે રઝા સહિત ઉર્ષનો મહત્વનો સફર માસના તમામ પ્રસંગો ઘરેબેઠા અને સાદાઇથી જ  મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યા છે ત્યારે આ સૌથી મોટો તહેવાર ઇદે -મીલાદ પણ આ વખતે સાદાઇથી ઉજવાઇ જશે.

જો કે છેલ્લા આઠ માસમાં ૭ જેટલા મહત્વના પર્વોના કયાંય આયોજનો નહીં કરીને સાદાઇથી ઉજવવામાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા આપોઆપ સોશ્યલ ડીસ્ટેન્સનું પાલન થઇ જતા ગાઇડ લાઇન્સના અમલની સાથે સાથે ખૂદ પૈગમ્બર સાહેબના સાદગી, ભાઇચારાના પવિત્ર સંદેશનો પણ આપોઆપ અમલ થઇ જશે.

ખાસ કરીને આ ઇદમાં જુલૂસનું મહત્વ અને આકર્ષણ હોય છે. પરંતુ તે આયોજન મોકૂફ રખાયું હોય ઇતિહાસમાં પ્રથમ જ વાર ઇદે મીલાદનું જુલૂસ આવતીકાલે નહીં. યોજાય તે એક નોંધનીય ઘટના બની રહેશે. 

(11:03 am IST)
  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • દિલ્હીમાં એર પોલ્યુશન સર્જનાર માટે જેલ અને જંગી દંડની જોગવાઇ: દિલ્હીનું હવામાન નિરંતર બદતર બનતું જાય છે ત્યારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યુશન માટે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેમાં હવાનું પ્રદૂષણ સર્જનાર માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. access_time 11:38 am IST

  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST