Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા તંત્ર એકશનમાં

વધુ કેસ ધરાવતા વિસ્તારોને વધુ પ્રાધાન્ય આપવુ : ફરીયાદનો ર૪ કલાકમાં નિકાલ, વરસાદી ખાડા-ખાબોચીયામાં દવા છંટકાવ સહિતના તાત્કાલીક પગલા લેવા સુચના : મેયરના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની મીટીંગ યોજાઇ

રાજકોટ, તા. ર૯ : ચોમાસાની ઋતુ દરમ્યાન અને ચોમાસા બાદ મચ્છરજન્ય મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગનો વધારો થતો હોય છે. જેના નિયંત્રણ માટે આજ તા.૨૯ ના રોજ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને આરોગ્ય અને મેલેરિયા વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સાથે મિટીંગ યોજી વિવિધ પગલાઓ લેવા સુચના આપવામાં આવી છે.

આ મીટીંગ સૌ પ્રથમ નાયબ આરોગ્ય અધિકારી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેનએ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલ કામગીરીની માહિતી આપેલ અને તહેવારોને અનુલક્ષીને એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ અને રોગના નિયંત્રણ માટે સઘન કાર્યવાહી હાથ ધરાશે. તેમ જણાવ્યું હતું.

આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવ્યું કે, મચ્છરોની ઉત્પતિ રોકવા ઝુંબેશ શરૃ કરવા, લોકોમાં જાગૃતતા આવે તે માટે ડોર ટુ ડોર મુલાકાત લઈ પાણી ભરેલ વાસણો, ખુલ્લા ટાંકા વગેરેમાં મચ્છરના પોરા ન થાય તે માટે પાણી ભરેલ પાત્રોમાં દવાનો છંટકાવ કરવો, બિન જરૃરી ભંગાર, પક્ષીકુંડ ખાલી કરી પાણી ન ભરાય તે રીતે રાખવા તથા લોકોને આરોગ્ય શિક્ષણ આપી રોગ અટકાયતી કામગીરી કરવી,  રસ્તા ઉપર પાણી ભરેલ ખાડાઓમાં પ્ન્બ્ તથા બળેલું ઓઇલનો છંટકાવ કરવો, ખાસ કરીને તહેવારો આવી રહ્યા હોય તહેવારો પહેલા મચ્છર ઉત્પતિ ન થાય અને રોગચાળાને નિયત્રણ કરવા કર્મચારીઓને તાકીદ કરેલ અને રોજે રોજ મેલેરિયા સુપરવાઇઝરોને દરેક વોર્ડની મુલાકાત લઈ કામગીરી કરવી, દરરોજનો વોર્ડ વાઈઝ રીપોર્ટ આપવા જણાવવામાં આવેલ. જે વિસ્તારોમાં ચિકનગુનિયા કે ડેન્ગ્યુનો કેસ આવે એ વિસ્તારની આજુબાજુના તમામ વિસ્તારોમાં દવા છંટકાવ તથા ફોગીંગ કામગીરી કરાવવી તેમજ હોસ્પિટલોમાંથી વિગત મેળવી જે વિસ્તારમાં કેસ આવેલ હોય તે વિસ્તારમાં ખાસ તમામ ટીમ સાથે મળી પગલા લેવા જણાવવામાં આવેલ.

એકશન પ્લાન

એક જ વિસ્તારમાંથી એક સાથે વધુ કેસ રીપોર્ટ થાય તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપવું. દરેક હાઇરીસ્ક વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરાવવી. વરસાદી ખાડા, ખાબોચીયા ભરાતા પાણીમાં નિયમિત દવા છંટકાવ કરવો અથવા પ્ન્બ્ નાખવું. ફરિયાદનો ૨૪ કલાકની અંદર નિકાલ કરવો. દરેક દવા, એન્ટી મેલેરીયલ ડ્રગનો જથ્થો ઉપલબ્ધ રાખવો. સાધસામગ્રી ચકાસી લેવા અને ફિલ્ડમાં ચાલુ હાલતમાં ઉપલબ્ધ રાખવા. મચ્છર ઉત્પતિ માલુમ પડે ત્યાં નોટીસ આપવાની વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી સઘન બનાવવી. દરેક બાંધકામ સાઈટ પર ભરાયેલ વરસાદી પાણીમાં બળેલ ઓઈલ નાખવામાં તેવી સુચનાઓ આપવી.

આ મિટીંગમાં ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.પી.પી.રાઠોડ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેડીકલ ઓફિસર, મેલેરિયા ઇન્સ્પેકટર, સુપીરિયર ફાઈલ વર્કર વગેરે સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(4:39 pm IST)