Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કોવિડ હેલ્‍થ પોલીસી ધારકને વળતર ચુકવવા વિમા કંપનીને ગ્રાહક તકરાર ફોરમનો આદેશ

રાજકોટ, તા.૨૯ : કોવિડ હેલ્‍થ પોલિસી લીધા પછી વિમા ધારકને વળતર ન ચુવનાર રીલાયન્‍સ જનરલ ઈન્‍સ્‍યુરન્‍સ કંપની લી.ને સારવાર ખર્ચના રૂા.૧,૨૩,૫૫૨ ફરીયાદીને ૩૦ દિવસમાં ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટના રહીશ હસમખભાઈ અમરશીભાઈ કોટેચા, રાજકોટની બેંક ઓફ ઈન્‍ડીયા પરાબજાર બ્રાન્‍ચ, રાજકોટમાં પોતાન બેંક એકાઉન્‍ટ સને ૨૦૧૬ થી ધરાવે છે. દરમ્‍યાન બેંક તરફથી ખાતેદારને તથા તેમના કુટુંબ માટે એટલે કે બેંકના ગ્રાહકો માટે હેલ્‍થ ઈન્‍સ્‍યુરન્‍સ પોલીસીની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ અને આ રીતે ફરીયાદી સને ૨૦૧૬ થી હેલ્‍થ ઈન્‍સ્‍યુરન્‍સ પોલીસી ધરાવે છે . બેંક તરફથી શરૂઆતમાં ત્રણ વર્ષ માટે નેશનલ ઈન્‍સ્‍યુરન્‍સ કં. લી. પાસેથી અને અને છેલ્લી બે પોલીસીઓ રીલાયન્‍સ જનરલ ઈન્‍સ્‍યુરન્‍સ કંપની લી. પાસેથી લેવામાં આવેલ. દરમ્‍યાન સમગ્ર દુનિયા તેમજ ભારત દેશમાં કોવીડ -૧૯ મહામારી ફેલાયેલ અને મનુષ્‍ય જાતી તેની ઝપેટમાં આવી ગયેલ. હાલના ફરીયાદીને પણ કોરોના પોઝીટીવ આવતા રાજકોટની પરમ હોસ્‍પીટલમાં તા. ૨૬/૧૧/૨૦૨૦ થી તા. ૦૧/૧૨/૨૦૨૦ સુધી ઈન્‍ડોર પેશન્‍ટ તરીકે દાખલ કરવામાં આવેલ અને હોસ્‍પિટલ તથા દવા - સારવાર પાછળ રૂ.૧,૨૩,૫૫૨ જેટલો ખર્ચ થયો. વીમા કંપનીને વળતર માટે દરખાસ્‍ત કરતા કલેઈમ નોંધાવેલ. પરંતુ વિમા કંપનીએ ફરીયાદીનો કલેઈમ પોલીસી લેતા સમયે ડાયાબીટીશ તથા હાઈપર ટેન્‍શનની બિમારી છુપાવેલ હોય આમ મહત્‍વની હકીકત છુપાવેલ હોય અને તેથી પોલીસીની ટર્મ્‍સ અને કંડીશનનો ભંગ કરેલ હોય તેથી પોલીસી રદબાતલ હોવાનું જણાવી ફરીયાદીનો કલેઈમ રદ કરેલ. જેથી ફરીયાદીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ વિમા કંપની દ્વારા પોતાના ગ્રાહકોને આપવાની થતી સેવામાં ખામી દાખવેલ હોય તેમજ કલેઈમની રકમ મેળવવા ફરીયાદ દાખલ કરેલ. ફરીયાદી તરફે તેમના એડવોકેટ સરફરાઝ પઠાણ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્‍યાને લઈ ગ્રાહક કોર્ટે સારવાર ખર્ચના રૂા.૧,૨૩,૫૫૨  ફરીયાદીને ૩૦ દિવસમાં ચૂકવવા અને અરજી ખર્ચ પેટે રૂ. ૫૦૦૦ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટે હુકમ કર્યો હતો.

 આ કામમાં રાજકોટ ગ્રાહક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદી હસમુખભાઈ અમરશીભાઈ કોટેચા તરફે રાજકોટના એડવોકેટ સરફરાઝ પઠાણ રોકાયેલા હતા.

(3:54 pm IST)