Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

શ્રી રણછોડદાસજીબાપુ હોસ્‍પિટલ માટે જાણકારી અર્થે આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલની મુલાકાત લેતા આગેવાનો

રાજકોટમાં ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: અકિલા'ના મોભી અને લોહાણા શ્રેષ્ઠી શ્રી કિરીટભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ આશરે ૧૦૦ કરોડના ખર્ચે રાજકોટમા પુજય ગુરુદેવ પુજય શ્રીરણછોડદાસબાપુ આઇ હોસ્‍પિટલના ચાલી રહેલ નિર્માણકાર્ય માટે વિશેષ જાણકારી મેળવવા અને નિર્માણકાર્ય ઈન્‍ટરનેશનલ હોસ્‍પીટલ સ્‍ટાન્‍ડર્ડ પ્રમાણે થાય તેની ખેવના માટે શ્રી રણછોડદાસબાપુ આઈ હોસ્‍પિટલની મેનેજમેન્‍ટ અને ડોક્‍ટરોની ટીમ દેશભરના નામાંકિત હોસ્‍પિટલોની પ્રોફેશનલ ટીમ સાથે સમયાંતરે મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે રાજકોટ જીલ્લાના આટકોટ મુકામે આવેલ માનવતાની જયોત સમી નામાંકિત કે.ડી.પરવાડીયા મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલ ની મુલાકાત લઇ તલસ્‍પર્શી અભ્‍યાસ કરી હોસ્‍પિટલના સંચાલકો સાથે પોલીસી, સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર, કોર્પોરેટ ગવર્નન્‍સ સંદર્ભિત વિચારોનું આદાન-પ્રદાન કરવામા આવ્‍યુ હતુ.

પુજય ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુ આઈ હોસ્‍પિટલ નિર્માણ કાર્ય માટેના કો-ઓડીનેટર ડો. પુરુષોત્તમ પીપરીયા, કોન્‍ટ્રાક્‍ટર એકયુરેટ બીલ્‍ડકોનના શ્રી આશિષભાઈ ટાંક, પ્રોજેકટ મેનેજર કીશોરભાઈ બોખાણી, ટેકનીકલ એક્‍ઝીક્‍યુટીવ મનસુખભાઈ બગડા , સ્‍ટ્રક્‍ચરલ ડીઝાઈનર બીપીનભાઈ અઢીયા, ઈન્‍ટીરીયલ ડીઝાઈનર અને આર્કિટેક્‍ટ/ઈન્‍ટીરીયલ વોલ્‍વમ ક્રીએટાના શ્રી દિપેશભાઈ છત્રાલીયા, હોસ્‍પીટલ સેટઅપ નિષ્‍ણાત ડો.શ્રી ભરતભાઈ માંડલીક, પીએમસી આલ્‍કોન કન્‍સલ્‍ટન્‍ટસીના પાર્થ ગોંડલીયા સહીત ટીમ આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલની વ્‍યવસ્‍થા સહીત જુદી-જુદી બાબતોનો તલ સ્‍પર્શી અભ્‍યાસ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે પુજય શ્રી રણછોડદાસબાપુ આઈ હોસ્‍પિટલની આ ટીમ દેશભરની નામાંકિત હોસ્‍પિટલોની મૂલાકાત લઈ રહી છે જેમા અગાઉ અનંતપુર ગુરુભાઈશ્રી વિષણુભાઈ જોબનપુત્રા સંચાલિત રાષ્ટ્રીય કક્ષાએ અગ્નીમ હરોળની ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુ આઈ હોસ્‍પીટલની અને ચિત્રકૂટ ખાતે ગુરુભાઈ શ્રી જૈનસાહેબ સંચાલિત આંતરરાષ્ટ્રીય હરોળની ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુ આઇ હોસ્‍પિટલ સહીત ઘણી હોસ્‍પિટલોની મુલાકાત લીધી હતી.

રાજકીય અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર નેતૃત્‍વ ધરાવતા ભરતભાઈ બોઘરાની જાત દેખરેખ હેઠળ હાલ આટકોટની કે. ડી. પરવાડીયા મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલનું સંચાલન થઈ રહ્યું છે.

કે. ડી પરવાડીયા હોસ્‍પિટલનું હાઉસકીપિંગ, હોસ્‍પિટલની નિભાવણી અને જાળવણી જોઈ ડો.પુરુષોત્તમ પીપરીયા સહીતની ટીમ ખુબજ પ્રભાવિત થઈ હતી.

કે.ડી.પરવાડીયા સાર્વજનિક હોસ્‍પિટલ હોવા છતાં પ્રાઇવેટ સ્‍ટાર હોસ્‍પિટલો થી ચડિયાતું કોર્પોરેટ કક્ષાનું મેનેજમેન્‍ટ જોઈ ટીમે ખુબજ સારી નોંધ લીધી હતી.

આ ટીમ દ્વારા લાભાર્થી દર્દીઓની જાત પૂછપરછ દરમિયાન તેઓના મુખેથી હોસ્‍પિટલની સેવાની સરાહના કરવાનો ધોધ વહેતો જોઈને ટીમના સભ્‍યો ભાવવિભોર થયા હતા.

આ અંગે પુજય શ્રી રણછોડદાસબાપુ આઈ હોસ્‍પિટલના કો-ઓરડીનેટર પુરુષોત્તમ પીપરીયાએ જણાવ્‍યુ હતુ કે હોસ્‍પિટલના રસોડે હાઇજેનીક અને સાત્‍વિક રસોઈ ની સુગંધ ચૌતરફ પ્રસરી રહી હતી દર્દીઓ અને તેના સગા-વ્‍હાલાઓ રસોઈ મન મૂકીને આરોગી રહ્યા હતા ત્‍યારે તેમના સંતોષના ઓડકારો સાંભળી મનને ટાઢક વળી હતી.

રાજકોટથી આવેલ ટીમ સાથે આટકોટ હોસ્‍પિટલના ડો.નવનીતભાઈ બોદર, ભરતભાઈ માંડલીક સહીતની ટીમે જરૂરી તમામ માહીતી આપી હતી અને જરૂર પડયે આઈ હોસ્‍પિટલના નિર્માણકાર્યમા ડો.ભરતભાઈ બોધરાએ પણ સહયોગ આપવાનુ કહ્યુ હતુ.

(4:30 pm IST)