Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન મુકત કરતી કોર્ટ

રાજકોટ,તા.૨૯: શહેરના થોરાળા વિસ્‍તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકી વિરુદ્ધ નોંધાયેલા  ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન મુકત ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ સને-૨૦૨૦ ના સમયગાળામાં થોરાળા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર જી.એમ. હડીયાએ થોરાળા વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી સંગઠીત ગુન્‍હાઓ આચરતી ટોળકીના  ઈમ્‍તીયાઝ ઉર્ફે લાલો ભીખુભા રાઉમા તથા તેના સાગ્રીતો વિરૂધ્‍ધ થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ગુજસીટોકના કાયદા હેઠળ ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપી શબીર ઉર્ફે શબો ઈકબાલભાઈ અબ્‍બાસીની તપાસનીશ અધિકારી ધ્‍વારા ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપીઓ વિરૂધ્‍ધ પુરતો પુરાવો મળી આવતા ઈમ્‍તીયાઝ ઉર્ફે ભીખુભા રાઉમા સહિતની ગેંગ  વિરૂધ્‍ધ અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્‍યું હતું. જેલ હવાલે રહેલા આરોપી શબીર ઉર્ફે શબો ઈકબાલભાઈ અબ્‍બાસીએ જામીન ઉપર મુકત થવા ગુજરાત હાઈકોર્ટેમાં જામીન અરજી કરી હતી.  જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે આરોપી ઘણા લાંબા સમયથી જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં છે.

હાલના ગુનાની તપાસ પુર્ણ થઈ ગઈ છે અને તપાસના કાગળોમાં તપાસનીશ અધિકારીએ આરોપી વિરૂધ્‍ધ કુલ-૪ ગુન્‍હાઓ દર્શાવેલ છે. જેમાંથી ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્‍યો ત્‍યારબાદના બે ગુના છે. સાથોસાથ અન્‍ય સહતોહમતદારોને અદાલત દ્વારા જામીન મુકત કરવામાં આવ્‍યા છે. જેથી સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટેના ચુકાદાઓને લક્ષમાં લઈ આરોપીને જામીન મુકત કરવા દલીલ કરી હતી. જે દલીલ માન્‍ય રાખી ગુજરાત હાઈકોર્ટના ન્‍યાયમુર્તિ ડી.એ.જોષીએ આરોપી શબીર ઉર્ફે શબો ઈકબાલભાઈ અબ્‍બાસીને જામીન મુકત કરવા હુકમ ફરમાવ્‍યો છે.

આ કેસમાં આરોપી વતી હાઈકોર્ટેના એડવોકેટ  કૃણાલ શાહી તેમજ રાજકોટના એડવોકેટ દરજજે  લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરૂંગ અને નિશાંત જોષી રોકાયા હતા.

(4:49 pm IST)