Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ઢાંકના મનસુખભાઇનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોતઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

તબિબ અને સ્‍ટાફ દ્વારા ગેરવર્તનના આક્ષેપઃ હોસ્‍પિટલ દ્વારા છેતરપીંડી થયાની મૃતકના દિકરીની માલવીયાનગર પોલીસમાં લેખિત ફરિયાદ અરજી

રાજકોટ તા. ૨૯: ઉપલેટામાં ઢાંક માર્ગ પર સ્‍વામીનારાયણ મં:દિર પાસે સત દેવીદાસ પરામાં રહેતાં મનસુખભાઇ સોમાભાઇ જારેરા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધને બ્‍લડપ્રેસર અને શ્વાસની તકલીફ થઇ જતાં  સારવાર માટે રાજકોટ નાના મવા રોડ પરની હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તબિબ સહિતના સ્‍ટાફ દ્વારા ગેરવર્તન અને છેતરપીંડી કરવામાં આવ્‍યાનો આક્ષેપ કરવામાં આવતાં માલવીયાનગર પોલીસે મૃતકના દિકરીની અરજી નોંધી હતી.

મનસુખભાઇ જારેરા ત્રણ બહેનમાં વચેટ હતાં અને ડ્રાઇવીંગ કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. પરિવારજનોએ જણાવ્‍યું હતું કે અમારા વડીલ મનસુખભાઇને સારવાર માટે દાખલ કરાયા ત્‍યારે બી.પી., શ્વાસની તકલીફ હતી. અહિ તેમનું મોત થયું હતું. પરિવારજનોએ ડોક્‍ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. પીએસઆઇ એસ. કે. સિંધીએ એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

બીજી તરફ પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે મૃતકના દિકરી સુમિતાબેન મનસુખભાઇ જારેરાએ તબિબી બેદરકારીના આક્ષેપ કર્યા હતાં. તેણે આ મામલે માલવીયાનગર પોલીસમાં અરજી કરી જણાવ્‍યુ છે કે મારા પિતાને ૨૮મીએ સાંજે અમે હોસ્‍પિટલમાં દાખલ કર્યા હતાં. તેમને ઇર્મ્‍જન્‍સીમાં રાખ્‍યા હતાં, ડોક્‍ટરે કહેલુ કે તમારા પિતાજીની તબીયત સારી છે, બી.પી. લેવલ ૮૦થી ૯૦ વચ્‍ચે રહે છે તે માટે આઇસીયુમાં રાખવા પડશે. ત્‍યારબાદ બીજા ડોક્‍ટરો આવ્‍યા હતાં. મારા પિતાજીના શ્વાસ બંધ થઇ જતાં અમને બોલાવેલ અને ટ્રીટમેન્‍ટના નામે ખોટી છેતરીપીંડી કરી પૈસા પડાવવાને બહાને કહેવાયેલુ કે હાઇ ડોઝના ઇન્‍જેક્‍શન અને ટ્રીટમેન્‍ટ ચાલુ છે. આમ કહી અમને બહાર મોકલી દીધા હતાં.

સુમિતાબેને લેખીત ફરિયાદ અરજીમાં આગળ જણાવ્‍યું હતું કે અમે ડોક્‍ટર અને સ્‍ટાફ સાથે માથાકુટ કરીએ છીએ તેવો ખોટો આરોપ મુકી પોલીસ બોલાવાઇ હતી. ડોક્‍ટર અને બીજા સ્‍ટાફે અમારી સાથે ગેરવર્તુણક કરી ગાળાગાળી કરી હતી. એક પોલીસ કર્મચારીએ પણ તોછડાઇભર્યુ વર્તન કરી કાયદાની જાણકારી જોઇએ તો મારી સાથે આવવું પડે તેવા શબ્‍દો કહ્યા હતાં. હોસ્‍પિટલ સ્‍ટાફ દ્વારા પરાણે પોસ્‍ટમોર્ટમ કરાવવા પણ ટોર્ચર કરાયેલ. તેમ વધુમાં સુમિતાબેને લેખિત અરજી ફરીયાદમાં જણાવ્‍યું છે.

(3:43 pm IST)