Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સોનામાં ફરી તેજી : ૭૦,પ૦૦ રૂા.ની નવી ટોચે

ગઇકાલે બપોર પછી ૩૦૦ રૂા. વધ્‍યા બાદ આજે ૧૦ ગ્રામે વધુ ૧૦૦૦ રૂા.નો ઉછાળોઃ ચાંદીના ભાવ સ્‍થિર

રાજકોટ, તા., ૨૯: સોનામાં આજે ફરી તેજી જોવા મળી હતી. ૧૦ ગ્રામે વધુ ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના ભાવે ૭૦,પ૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.

બુલીયન માર્કેટમાં સોનામાં તેજીનો તરખાટ યથાવત રહયો હોય તેમ આજે વધુ ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ) ના ભાવ ૬૯,પ૦૦ રૂા.  હતો તે વધીને  ૭૦,પ૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્‍યા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)એ એક જ ઝાટકે ૧૦,૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) નો ભાવ ૬,૯૦,૫૦૦ રૂા. હતા તે વધીને ૭,૦૦,પ૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. ગઇકાલે બપોરે સોનાના ભાવ ૬૯,ર૦૦ રૂા. હતા તે વધીને રાત્રે ૬૯,પ૦૦ રૂા. થયા હતા. ગઇકાલ બપોરથી આજ બપોર સુધીમાં સોનામાં ૧૩૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે.

અમેરીકામાં આજે આર્થિક ડેટા જાહેર થવાના છે. તે પુર્વે ફુગાવો વધવાની સંભાવનાએ  ગઇકાલ બપોર પછીથી સોનામાં ફરી તેજીની શરૂઆત થઇ હતી અને સોનાના ભાવોએ નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.

આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજુ નવી ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

બીજી બાજુ  ચાંદીના ભાવમાં કોઇ વધ-ઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૭પ,૦૦૦ રૂા.ની સપાટીએ યથાવત રહયા હતા.

(2:58 pm IST)