Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મુકેશ જેવો જ કંઠ ધરાવનાર ગાયક ડો. કમલેશ અવસ્‍થીની વિદાય

‘વોઇસ ઓફ મુકેશ’ તરીકે ૫૩ વર્ષ સુધી સ્ટેજ પર ગીતો ગાયા : બ્રેઇન સ્‍ટોકને કારણે છેલ્લા ૬ મહિનાથી કોમામાં હતા : પાર્શ્વગાયક સ્‍વ. મુકેશને સંગીતાંજલી અર્પવા તેમનું પ્રથમ સંગીત આલ્‍બમ ‘‘ટ્રિબ્‍યુટ ટુ મુકેશ'' રિલીઝ કર્યું હતુ : ૮ જેટલી હિન્‍દી ફિલ્‍મોમાં અને અનેક ગુજરાતી ફિલ્‍મોમાં ગીતો ગાઈને લોકોમાં લોકપ્રિય બન્‍યા હતા : ગોપીચંદ જાસુસમાં પાર્શ્વ ગાયક તરીકે ગાયકી નિભાવી ત્‍યારે રાજકપૂરે તેમના સન્‍માનમાં કહ્યું હતું કે, દેશને મુકેશ પાછા મળી ગયા : મુકેશજીના અવસાન બાદ દર વર્ષે શ્રધ્‍ધાંજલિના કાર્યક્રમો કરવા બદલ કમલેશજીને બે વખત ‘લિમ્‍કા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ'થી સન્‍માનિત કરવામાં આવેલ

રાજકોટ, તા.૨૯ : માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં ગાયિકી ક્ષેત્રે મુકેશની ખોટ પૂરી કરનારા કોણ ? એટલે તરત જ એક જ જવાબ મળે કમલેશ આવસત્‍થિ. આ સપ્તકલાના સાચા સાધક હરહંમેશ ગાયિકી ક્ષેત્રે નવા આયામો સર કરવા પ્રતબિદ્ધ રહેતા. ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડો. કમલેશ અવસ્‍થીનું તા.૨૮ ના રોજ નિધન થયું છે. તેઓ છેલ્લા ૬ મહિનાથી કોમામાં હતા. તેઓ ગુજરાત સહિત દેશભરમાં ગાયક મુકેશના અવાજ તરીકે લોકપ્રિય હતા. જોકે ઘાણા સમયથી તેઓ બીમાર હતા.

કલાનગરી ભાવનગર અને નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્‍યા છે. આ બંનેના કલાના વારસાનો સુયોગ ડો. કમલેશ અવસ્‍થિમાં સુપેરે જોવા મળતો હતો. પાર્શ્વ ગાયક ડો. કમલેશ અવસ્‍થિનો ઈ.સ.૧૯૪૫ માં સાવરકુંડલામાં જન્‍મ થયો હતો. ભાવનગરમાં સપ્તકલાના સંગીતના સાધક બન્‍યા અને ગાયકી ક્ષેત્રે લોકપ્રિયતા મેળવવાનો આરંભ કર્યો. તેમણે તેમનો અભ્‍યાસ એમએસસી., પીએચડી ભાવનગર યુનિવર્સિટીમાંથી સંપૂર્ણ કર્યો હતો. તેમણે તેમની સંગીત ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત ભાવનગર સપ્તકલામાં કલા ગુરૂ ભાર્ગવભાઈ પંડ્‍યાના હાથ નીચે કરી હતી. કુદરતી વારસામાં મળેલ મુકેશ કંઠી અવાજને કેળવી-પાર્શ્વગાયક સ્‍વ. મુકેશને સંગીતાંજલી અર્પવા તેમણે સંગીત ક્ષેત્રે તેમનું પ્રથમ સંગીત આલ્‍બમ સંગીતકાર મહેશ-નરેશના સંગીત નિર્દેશન તળે ‘ટ્રિબ્‍યુટ ટુ મુકેશ' રિલીઝ કર્યું હતું. તેમણે ૮ જેટલી હિન્‍દી ફિલ્‍મોમાં અને અનેક ગુજરાતી ફિલ્લોમાં ગીતો ગાઈને લોકોમાં લોકપ્રિય બન્‍યા હતા. તેમણે રાજ કપૂરના જીવનની અંતિમ ફિલ્લ ગોપીચંદ જાસુસમાં પાશ્વ ગાયક તરીકે ગાયકી નિભાવી હતી. ત્‍યારે રાજ ક્‍પૂરે તેમના સન્‍માન કહ્યું હતું કે, દેશને મુકેશ પાછા મળી ગયા છે. ત્‍યારે કમલેશજીને વોઇસ ઓફ મુકેશ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

ગત નવેમ્‍બરમાં અમદાવાદમાં પુત્ર ભૂષણભાઈના ઘરે તેઓ હતા ત્‍યારે ૧૧મી નવેમ્‍બરે તેઓને બ્રેઈન હેમરેજ થયા પછી તેઓને ઘરે અમદાવાદમાં આઇસીયુમાં રખાયા હતા. અચેતન અવસ્‍થામાં રહ્યા બાદ આખરે  તેઓનું ૭૯ વર્ષની વયે નિધન થયું હતું. જીવનની અંતિમ હિન્‍દી ફિલ્‍મ ‘ગોપીચંદ જાસુસમા' કમલેશભાઈએ સ્‍વર આપ્‍યો ત્‍યારે રાજ કપૂરે મુકેશ પાછો મળી ગયાનું વિધાન કર્યું હતું. મૂકેશજીના અવસાન બાદ દર વર્ષે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરવા બદલ તેઓને બે વખત ‘લિમ્‍કા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ' થી સન્‍માનિત કરવામાં આવેલ છે. હિન્‍દી ફિલ્‍મોમાં નસીબ ફિલ્‍મમાં જિંદગી ઇમ્‍તિહાન લેતી હૈ, પ્‍યાસા સાવન ફિલ્‍મમાં તેરા સાથ હે તો મુઝે ક્‍યા કમી હે, જેવા પ્રખ્‍યાત ગીતો ઉપરાંત ફિલ્‍મ ગોપીચંદ જાસૂસના ગીતો પણ તેમણે ગાયા હતા. કમલેશ અવસ્‍થીએ ઘણા ગુજરાતી ગીતોને પોતાનો અવાજ આપ્‍યો હતો અને મ્‍યુઝિકલ સ્‍ટેજ શોમાં તેનું બહુ મોટું નામ હતું.

તેમને વિવિધ ક્ષેત્રે રાજય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્‍તરે સાતકે પુરસ્‍કાર મળ્‍યા હતા. તે ઉપરાંત તેમને ભારતીય વિદ્યાભવન યોજિત ઓલ ઈન્‍ડિયા સુગમ સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એકમાત્ર ગાયક તેઓ હતા. તેમને મીલેનિયમ મુકેશ મેમોરિયલ પુરસ્‍કારથી પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેમણે એકવાર કહ્યું હતું કે, સંગીત અને કોઈ પણ કલા ક્ષેત્રે જો આપણે કલાકાર તરીકેની પ્રશંસા અને નામનાને માત્ર હૈયામાં સ્‍થાન આપશું અને તેને મગજ પર સવાર નહીં થવા દઈએ તો સફળતાની સિડીઓ વધુ ચડી શકીશું.

કમલેશ અવસ્‍થીની મુકેશના ગીતો ગાવાની કારકિર્દી - ૧૯૪૧ થી ૧૯૭૬ સુધી - ‘વોઇસ ઓફ મુકેશ' તરીકે ૫૩ વર્ષ સુધી સ્‍ટેજ પર ગીતો ગાયા છે. તેમની સફર ૧૯૬૪માં યુનિવર્સિટીમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાથી શરૂ થઈ હતી. મુકેશના અવસાન પછી, તેમણે તેમની યાદમાં એક શો શરૂ કર્યો - શ્રદ્ધાંજલિ. આ શોને ચાર દાયકા સુધી લિમ્‍કા બુક ઓફ રેકોર્ડ્‍સમાં સ્‍થાન મળ્‍યું હતું.

કમલેશ અવસ્‍થી ભાવનગર યુનિ. કેમેસ્‍ટ્રી ભવનના પૂર્વ વ્‍યાખ્‍યાતા રહી ચૂક્‍યા છે. તેમના બે પુત્રોમાંના મોટો પુત્ર ભૂષણભાઇ આર્કિટેક તથા નાના પુત્ર તેજશભાઇ કેમીકલ એન્‍જિનીયર છે. કમલેશભાઇના પત્‍ની મીનાબેન પણ ખુબ સારા શ્રોતા અને કલાપ્રેમી છે. આજે અમદાવાદ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી ત્‍યારે અનેક સંગીત પ્રેમીઓએ ભારે હૈયે તેમને વિદાય આપી હતી.

વતન સાવરકુંડલામાં રોડને ડો.કમલેશ અવસ્‍થીનું નામ અપાયું છે

મહાન ગાયક મુકેશ જેવોજ કંઠ ધરાવતા ડો.કમલેશ અવસ્‍થી મૂળ સાવકુંડલાના વતની હતા. તેઓએ સંગીત થકી જીવનમાં ખુબ નામના મેળવી હતી. જયારે ભારતના મહાન આંતરરાષ્ટ્રીય અભિનેતા સ્‍વ. રાજ કપૂરે સ્‍વરના રૂપમાં તેમને ગળે વળગાડ્‍યા અને સાંઇબાબાના ભજનકર્તા, સાંઈબાબાની અનુભૂતિ થઇ તે જીવનનું મહત્‍વનું ટર્નિંગ પોઈન્‍ટ તેઓ ગણાવતા. એટલુંજ નહીં હિન્‍દી-ગુજરાતી ફિલ્‍મી દુનિયામાં પાર્શ્વ ગાયક તરીકેની ઉભી કરેલી પરખ તેમના વતન સાવરકુંડલાએ તેમની યાદ કાયમ કરવા ડો.કમલેશ અવસ્‍થી ના નામનો રોડ પણ બનાવ્‍યો છે. મુકેશની જેમ હવે આ ગાયકનો માત્ર અવાજ આપણી સાથે રહેશે.

‘મેરે સ્‍વર કો અપને ગલે સે લગાયા'  કમલેશ અવસ્‍થીના સંસ્‍મરણો..

ડો.કમલેશ અવસ્‍થીએ મુકેશજીની યાદમાં તેમના જ શબ્‍દોમાં લખેલ સંસ્‍મરણો અહિં પ્રસ્‍તુત છે

તે ૧૯૮૦નું વર્ષ હતું, જયારે મેં ગુજરાતી ફિલ્‍મ ‘તમે રે ચંપો અમે રે કેલ' માટે પ્‍લેબેક સિંગર તરીકે મારૂં પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. સંગીત દિગ્‍દર્શકો પ્રખ્‍યાત જોડી મહેશ-નરેશ હતા, અને તે બંને સાથે મારો પ્રથમ સંપર્ક હતો. આヘર્યજનક રીતે, તેઓએ મારા વિશે સાંભળ્‍યું હતું, પરંતુ મારો અવાજ ક્‍યારેય સાંભળ્‍યો ન હતો. તેમ છતાં તેમને વિશ્વાસ હતો અને મને પ્રથમ તક આપી. જેણે એક પ્‍લેબેક સિંગર તરીકે મારા ભાવિ રેકોર્ડિંગના દરવાજા આગળ ખોલ્‍યા.

રેકોર્ડિંગ પૂર્ણ થયા પછી, મહેશભાઈને મને જોઈને ભાવુક થઈ ગયા અને કહ્યું, ‘મેં ક્‍યારેય સ્‍વર્ગસ્‍થ મુકેશજીની આટલી નજીક હોઈ શકે તેવા સુંદર અવાજની કલ્‍પના કરી ન હતી. આજે ભારતીય ફિલ્‍મ ઉદ્યોગને આવા અવાજની જરૂર છે અને તમારો અવાજ સમગ્ર ભારતમાં પહોંચે તે માટે તે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે કે અમે હિન્‍દી ગીતો માટે તમારો અવાજ રેકોર્ડ કરીએ. મને કંઈક કામ કરવા દો. અમે મુકેશજીની સ્‍મૃતિમાં ‘ટ્રિબ્‍યુટ આલ્‍બમ'લાવવા માટે ચર્ચા કરી અને મ્‍યુઝિક કંપની ‘પોલિડોર'નો સંપર્ક કર્યો. જેમાં સુપ્રસિદ્ધ હસરત જયપુરીજી દ્વારા લખાયેલા ૩ ગીતો પણ મળ્‍યા.'

હસરતજીએ મારો અવાજ સાંભળ્‍યો અને એક અનોખો ખ્‍યાલ આવ્‍યો. ‘મુકેશજી થોડા વર્ષો પહેલા આપણને છોડીને ચાલ્‍યા ગયા અને તેમના ચાહકો ખરેખર તેમને યાદ કરી રહ્યા છે પરંતુ શું કોઈએ ક્‍યારેય વિચાર્યું છે કે તેમના ચાહકોથી આટલા દૂર રહીને મુકેશજીની આત્‍મા શું અનુભવતી હશે? આ રેખાઓ પર તેમણે આ અદ્વુત શ્રદ્ધાંજલિ ગીત લખ્‍યું અને અમે ૧૯૮૦ના વર્ષમાં મુકેશજીની પુણ્‍યતિથિ પર આ શ્રદ્ધાંજલિ આલ્‍બમ બહાર પાડ્‍યું. ‘મેં બહુત દૂર ચલા આયા હૂં, અપની આવાઝ તો દુનિયા મેં હી છોડ આયા હૂં'. અનિલ મોહિલે દ્વારા ગોઠવાયેલ મહેશ કુમાર અને નરેશ કુમાર દ્વારા રચિત આ આલ્‍બમ વેસ્‍ટર્ન આઉટડોર સ્‍ટુડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્‍યું છે અને મારી સંગીત સફરમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ આલ્‍બમ સાંભળ્‍યા પછી રાજ કપૂરજી ખૂબ પ્રભાવિત થયા. તેમણે તરત જ તેમના પ્‍લેબેક માટે સંમતિ આપી. ટૂંકમાં શબ્‍દો સાથે આશીર્વાદ ‘મેરે સ્‍વર કો અપને ગલે સે લગાયા'. તેણે પ્રતિક્રિયા આપી ‘મુકેશનો પુનર્જન્‍મ થયો'. બધો શ્રેય હસરત જયપુરીજીને જાય છે.

(2:41 pm IST)