Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

બેંક ઓફ પતીયાલા-સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે પોણા છ કરોડનો દાવો

ખાતાધારકનો માલ ઓછા ભાવે વેંચી નુકસાન પહોંચાડતા

રાજકોટ તા.ર૮ : રાજકોટના રહીશ રવિ હસમુખભાઇ લક્કડ તે શ્રી નાથજી સ્પીનટેક્ષ પ્રા.લી.ના ડાયરેકટરએ બેન્ક ઓફ પતીયાલા કે જે હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણ થઇ ગયેલ છે તેની સામે રૂ.પોણા છ કરોડના નુકસાન વળતર બદલ કોમર્શીયલ કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.

દાવાની વિગતો મુજબ વાદીએ બેન્ક પાસે કેસ ક્રેડીટ (પ્લેઝ) ફેસેલીટી સને-ર૦૧૩માં સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, ટાગોર માર્ગ પાસે લીધેલ અને ત્યારબાદ સને ર૦૧પમાં વાદીનો વ્યવહાર સંતોષજનક લાગતા તે ફરીથી રીન્યુ કરવામાં આવેલ. આ લોન ફેસીલીટીમાં બેન્ક સુચન કરે તે ગોડાઉનમાં માલ રાખવાનો હોય છે, જેની કસ્ટડી બેન્કએ નિયુકત કરેલ અધિકૃત કસ્ટોડીયન અને ગુડઝ પ્રોટેકટર કંપની રાખે છે અને ગોડાઉનનું ભાડુ તથા ગુડઝ કસ્ટોડીયન કંપનીની ફી વાદીના ખાતામાં ડેબીટ કરવામાં આવે છે. જયારે પણ માલનું વેચાણ થાય ત્યારે લોન એકાઉન્ટમાં એડવાન્સ પેમેન્ટ જમા કરાવી, વાદી બેન્કને વિનંતી કરે એટલે બેન્ક કસ્ટોડીયન એજન્સીને આદેશ કરી માલ રીલીઝ કરે છે.

ગત તા.ર-૯-૧પની વિગતે વાદી પાસે બેન્કના રૂ.૧૩,૮પ,ર૧,ર૪પ બાકી લેણા લેજરની વિગતે દર્શાવેલ છે જેની સામે કુલ ૧૮,૯૭,પ૦૦ કિ.ગ્રા.નું વજન ધરાવતી કુલ ૧૧,પ૦૦ રૂ.ની ગાંસડી પ્રતિવાદી બેન્કએ સુચવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ અને તેઓએ નિયુકત કરેલ સ્ટાર એગ્રીવેર હાઉસ એન્ડ કોલેટરલ મેનેજમેન્ટ નામની કસ્ટોડીયન એન્ડ મેનેજમેન્ટ કંપનીને માલ સોંપેલ, જેઓએ તે માલ સ્વીકારી તેની પહોંચ કરી આપી તેટલા માલનો વિમો લીધેલ છે.

રૂની ગાંસડીની સંખ્યા બાબતે પક્ષકારો વચ્ચે હાઇકોર્ટ સુધી થયેલ કાનૂની કાર્યવાહીમાં બેન્કએ કબુલ રાખેલ છે કે તેના કસ્ટોડીયન કબજામાં ૧૧,પ૦૦ રૂની ગાંસડી છે અને તેે સંખ્યાનો ઉલ્લેખ કરી વારંવાર બેન્કએ ઓકશન બાબતેની જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરાવેલ. ત્યારબાદ બંને પક્ષકારોએ ગુજરાત હાઇકોર્ટમાં બજાર ભાવે માલનું ઓકશન કરી વેચાણ કરવા સંમત થયેલ પરંતુ તા.ર૮-૧ર-૧પના રોજ બેન્ક દ્વારા જયારે રૂનો બજાર ભાવ આશરે ૧૦૦ હતો ત્યારે વેચાણની અપસેટ વેલ્યુ રૂ.૮૦ દર્શાવેલ અને ઓકશનના દિવસે રૂ.૯૮.ર૪ ભાવ હતો ત્યારે રૂ.૮ર પ્રતિ કિલોના ભાવે રૂનું અલગ-અલગ વ્યકિતઓને વેચાણ કરી દીધેલ. તેની વિગત કોર્ટના દાવાઓમાં પણ જાહેર કરેલ છે. વાદી કંપનીએ વેટની રકમ રૂ.૯૩,ર૦,પર૦ અને ઓકશન થયા બાદ વધતી રકમ રૂ.૧,પ૮,ર૦,૬૪૭ની ડિમાન્ડ કરતા બે માસ સુધી બેન્કએ બહાનાઓ હેઠળ સમય વ્યતિત કરેલ અને ત્યારબાદ વેરહાઉસ અને ગોડાઉનમાં માલ ઓછો હતો તેના માટે તા.૮-ર-૧૬ના રોજ ગોંડલ સીટી પોલીસમાં બોગસ ફરિયાદ નોંધાવેલ. જે બાબતે ગુજરાત હાઇકોર્ટે વાદીને જામીનમુકત કરેલ છે.

ઉપર્યુકત વિગતે બેન્કએ હાઇકોર્ટ રૂબરૂ કબુલાત વિરૂધ્ધ બજાર ભાવથી ઓછી કિંમતે માલ વેચી અને વેટની રકમ-સરકારી ટેક્ષની રકમ પણ હજમ કરી વાદીને નુકસાન પહોંચાડતા રાજકોટ કોમ. કોર્ટમાં રૂ.પ,૭૪,૬૩,પ૭૪ વસુલાત મેળવવા દાવો દાખલ કરવામાં આવેલ છે.

આ કામમાં વાદી રવિ હસમુખભાઇ લક્કડ વતી વિકાસ કે. શેઠ, અલ્પા વી. શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર. સોંદરવા, અક્ષય જી. ઠેસીયા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(3:57 pm IST)