Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

લ્યો બોલો... ન્યુ યર પાર્ટીમાં ડાન્સ કરવા 'પાર્ટનર' પણ ભાડે મળે છેઃ નવો (ગોરખ) ધંધો શરૂ થયો

દિલ્હી - મુંબઇ - કોલકત્તા - નોર્થ ઇસ્ટથી લલનાઓ અમદાવાદ ઉતરી પડીઃ વોટ્સએપ પર ગ્રુપ બનાવી સોદા : સોશ્યલ મિડીયાનો બિન્ધાસ દુરૂપયોગઃ મુંબઇ - દિલ્હીની બાર ડાન્સર્સ પણ ઉમટી : ફાર્મ હાઉસો - હોટલોમાં બુકિંગ

અમદાવાદ તા. ૨૮ : ૩૧ ડિસેમ્બરને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વર્ષનો અંતિમ દિવસ યાદગાર બનાવવા અને 'ન્યૂ યર'ને વેલકમ કરવા યંગસ્ટર્સ થનગની રહ્યાં છે. ધમાકેદાર ડાન્સ પાર્ટીમાં 'પાર્ટનર'વગર કોઈ મજા નથી. અનેક બેચલર યંગસ્ટર્સની સમસ્યા એવી હોય છે કે લાઈફ પાર્ટનર કે કે ગર્લફ્રેન્ડ નથી. તો, આ તકનો લાભ લેવા માટે એજન્ટ સક્રીય બન્યાં છે. પાર્ટી કલ્ચરના રંગે રંગાયેલા યુવક, યુવતીઓને પાર્ટનર તરીકે 'ભાડે'આપતાં કેટલાક ગ્રૃપ એકિટવ થયા છે.

આવા ગ્રૂપમાં યુવતીઓને પાર્ટીમાં 'પાર્ટનર'તરીકે લઈ જવા 'સોદો'કરાવીને 'કમિશન'ની કમાણી કરાય છે. એક તરફ 'બેચલર'ગર્લ્સ-બોયઝ તેમના ગ્રૂપમાં ફ્રેન્ડસ સાથે પાર્ટીમાં જવાનું સેટિંગ પાડી દે છે. તો, જે લોકોને 'વન-નાઈટ ડાન્સ પાર્ટનર'ની આદત પડી ગઈ છે તેમને પ્રોફેશનલ ડાન્સ પાર્ટનર પણ પૂરી પાડવામાં આવે છે. ૩૧ ડિસે.ની ઉજવણી માટે દિલ્હી, મુંબઇ, કોલકાતા, નોર્થ ઇસ્ટ વિસ્તારમાંથી સંખ્યાબંધ રૂપલલનાઓ આવી છે. દલાલોએ અત્યારથી જ પાર્ટીની જગ્યાઓ નક્કી કરી ત્યાં જવા માટે પ્લાનિંગ કરી દીધું છે.

નવા વર્ષની ઉજવણી માટે શરાબ અને શબાબ મહેફીલના શોખીન માલેતુજારોએ મહિના પહેલાં જ પાર્ટીનું આયોજન ગોઠવી દીધું છે. શહેરમાં સંખ્યાબંધ જગ્યાએ 'કપલ પાર્ટી'યોજાનાર છે. જેમની પાસે ગર્લફ્રેન્ડ નથી અથવા પાર્ટનર નથી તેવા લોકોને ભાડેથી 'ડાન્સ પાર્ટનર'મળી રહે છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી એવા વોટ્સ-એપ ગ્રૃપ એકિટવ થયા છે કે જેઓ પૈસા લઇ પાર્ટી માટે છોકરીઓની વ્યવસ્થા ગોઠવી આપે છે. શહેરમાં કેટલાક લલનાના દલાલોએ હવે નવો ધંધો શરૂ કર્યો છે. લલનાઓ સપ્લાય કરવાની સાથે સાથે યુવતીઓ એક દિવસની પાર્ટી માટે 'ભાડે'આપી રહ્યાં છે.

આ અંગે એક આયોજકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોને ૩૧ના રોજ પાર્ટીમાં જવા યુવતીઓની ગોઠવણ કરી આપીએ છીએ અને ગ્રાહકને વોટ્સ એપ પર વિવિધ યુવતીના ફોટા મોકલી આપવામાં આવે છે. યુવતીની પસંદગી અનુસાર પૈસા 'એડવાન્સ' લઇ લેવામાં આવે છે. ત્યારબાદ ૩૧ ડિસે.ના રોજ યુવતીને ગ્રાહક પાસે મોકલી આપવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે યુવતીને યોગ્ય જગ્યાએ પરત મોકલી આપવાની જવાબદારી ગ્રાહકની હોય છે. આ માટે ગ્રાહકો પાસેથી એક દિવસના ૩દ્મક૫ હજાર સુધી વસુલવામાં આવે છે. કેટલીક જરૂરીયાતમંદ યુવતીઓને પૈસા ચુકવ્યા બાદ અમે કમિશન પેટે પૈસા રાખી લઇએ છીએ. ઉપરાંત શહેરમાં દિલ્હી, મુંબઇ, રશિયા, કોલકાતાથી અંદાજે ૧ હજાર જેટલી રૂપલલનાઓ અમદાવાદ આવી પહોંચી છે. લલનાઓનો પ્રોગ્રામ દલાલોએ પહેલાંથી જ ફિકસ કરી દીધો છે અને તેઓ ૩૧ ડિસે.ના રોજ સવારથી જ જે તે જગ્યાએ પહોંચાડી દેવામાં આવશે. આ માટે દલાલો એક દિવસના ૨૫થી લઇ ૪૦ હજાર સુધી ગ્રાહકો પાસે વસુલી રહ્યાં છે. 

દલાલો અને લલનાઓ પોલીસથી બચવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ગ્રાહકોને વોટ્સ એપ પર ફોટા નાખ્યા બાદ તેઓ વોટ્સ એપ કોલિંગથી જ વાતો કરે છે, તેથી પોલીસથી બચી શકાય. આ ઉપરાંત ફેસબુક પર પણ કેટલાક પેઈજ બનાવ્યાં છે. આ પેઈજમાં તેઓ સિલેકટેડ ગ્રાહકોનો સંપર્ક કરે છે. સામેથી કોઈ તેમનો સંપર્ક કરે તો તેમને ઈનકાર કરી દે છે. આમ પોલીસથી બચી શકાય અને ગ્રાહકો પણ સેઈફ રહે. 

ગુજરાતમાં કડક દારૂબંધી અમલી છે અને ૩૧ ડિસે.ના રોજ પોલીસ દારૂની પાર્ટીઓ પર ધોંસ બોલાવે છે. અમદાવાદથી ૧૫૦ કિ.મીના અંતરે આવેલા રાજસ્થાનની વિવિધ જગ્યાના નાના-મોટા ફાર્મ હાઉસો પાર્ટી માટે પહેલાંથી જ બુક કરી દેવાયા છે. ૩૧ ડિસે.ની ઉજવણી કરવા માટે ૧૫ દિવસ પહેલાંથી જ તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત ગુજરાત બોર્ડરની આસપાસ આવેલી હોટલ્સમાં પણ ગુજરાતીઓનું ખાસ્સુ બુકિંગ હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં છેલ્લા બે વર્ષમાં પુનાની પુજા અને નિકી નામની 'લલના'ના આતંકની ચર્ચા 'પાર્ટી એનિમલ્સ'માં છે. આ લલનાઓ ચીક્કાર દારૂ પિવડાવ્યા બાદ પોલીસની ધમકી આપી ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની માંગણી કરે છે અને છેલ્લા બે વર્ષમાં આ પ્રમાણે લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો દલાલોએ જણાવી છે. લલનાએ એક દલાલને પણ ખોટી રીતે કેસ કરી ફસાવી દીધો છે. આવી લલનાઓથી ખાસ સાવધાન રહેવાની જરૂર છે.

૩૧ ડિસે. માટે મુંબઇ અને દિલ્હીના બારની ડાન્સરો પણ અમદાવાદમાં આવી પહોંચી છે. આ ડાન્સરો ૩૧ની નાઇટે ફાર્મ હાઉસમાં ડાન્સની સાથે તમામ પ્રકારની મજા લોકોને આપશે. આ માટે તેઓ દ્વારા તગડા પૈસા વસુલવામાં આવી રહ્યાં છે. મુંબઈ અને દિલ્હી કરતાં ગુજરાતમાં વધુ પૈસા મળતાં હોવાથી અનેક બાર ડાન્સર્સ એજન્ટો સાથે કોન્ટ્રાકટ કરીને અમદાવાદમાં આવી છે. પાર્ટી એનિમલ્સ તો ત્યાં સુધી કહે છે કે, મુંબઈ કરતાં વધુ સારી પાર્ટી અમદાવાદ થતી હોય તો મોહમયા નગરી સુધી શા માટે દોડવું?(૨૧.૨૬)

(3:53 pm IST)