Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ક્રાંતિકારી કદમઃ કાગળમાંથી બોલપેન-પેન્સીલનું નિર્માણ

એન્જીનિયરિંગના વિદ્યાર્થી હર્ષલે પિતાના માર્ગદર્શન હેઠળ કમાલ કરી : બજાર કરતા સસ્તી અને શ્રેષ્ઠ લાકડુ-પ્લાસ્ટિકનો બચાવ પેન્સીલ વપરાયા બાદ વધેલા ભાગને કૂંડામાં : રોપી દેવાથી છોડ ઉગશે... પેન્સીલમાં જ અલગ-અલગ બિયારણ છે 'લીટલ સ્ટાર' બ્રાન્ડથી બજારમાં મૂકી

રાજકોટ  તા. ૨૮ :. પેન્સીલના ઉત્પાદનમાં લાકડાનો ઉપયોગ ખૂબ થાય છે. બોલપેનના ઉત્પાદનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ થાય છે. પર્યાવરણ માટે બંને ખતરનાક છે. રાજકોટના એન્જીનિયરિંગના છાત્ર હર્ષલ ઝીંઝુવાડિયાએ આ પ્રશ્ને ક્રાંતિકારી કમાલ કરી છે. કાગળમાંથી બોલપેન અને પેન્સીલ નિર્માણ કર્યા છે.

ઇકોફ્રેન્ડલી પેન્સીલ અને બોલપેન રૂપકડી અને અન્ય કરતા ઘણી સસ્તી છે.

આત્મીય કોલેજમાં ઓટોમોબાઈલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી હર્ષલ ઝીંઝુવાડીયાને થયું કે આ બાબતે કંઈક કરવું જ છે. આ બાબતે રાજકોટ ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા તેના પિતાશ્રી બીપીનભાઈ ઝીંઝુવાડીયા સાથે વાત કરતા બન્ને પિતા-પુત્રએ ઈન્ટરનેટ ઉપર ઘણુ બધુ સર્ચ કરતા જુદી જુદી એજન્સીઓના સર્ચ રીપોર્ટ અનુસાર જાણવામાં આવ્યુ કે, ફકત એક નાની એવી બાળકોને લખવા માટેની પેન્સીલ બનાવવા માટે દર વર્ષે લાખો વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે અને બહારના દેશોમાં તો આ વિશેની ખૂબ જ જાગૃતતા પ્રવર્તતી રહેતી હોય ત્યાં બધે લાકડાની આ પરંપરાગત પેન્સીલની જગ્યાએ ન્યુઝ પેપરના કાગળને જ રીસાઈકલ કરી તેમાથી બનાવેલી ઈકો ૅફ્રેન્ડલી પેપર પેન્સીલ જ લોકો વાપરી રહ્યા છે. આ જોઈ હર્ષલ તથા તેના પિતાજીએ આવી જ રીસાઈકલ પેપર પેન્સીલ અહીં બનાવવાનું નક્કી કર્યુ અને ૨૦૧૬માં ઘરેથી જ નાના પાયે આ પેપર પેન્સીલ બનાવવાનું શરૂ થયું અને તેને 'લીટલ સ્ટાર' બ્રાન્ડ નેઈમ આવી માર્કેટમાં લઈ આવ્યા.

ફકત છાપાના કાગળની પેન્સીલ જોઈ બાળકોને તેમા જાજો આનંદ ના આવ્યો, તેથી તેને થોડી કલરફુલ બનાવવા તથા બાળકોને ગમે તે માટે તેના ઉપર વેલ્વેટ પાવડરના અલગ અલગ રંગોથી કોટીંગ કરવામાં આવ્યું અને આ વેલ્વેટ કોટીંગથી ઉપરની સરફેઈસ એકદમ નરમ બની જતા બાળકોને હાથમાં આરામ મળ્યો તથા લાકડાની પેન્સીલથી થતા આંગળાના દુઃખાવા તથા પરસેવામાંથી પણ મુકિત મળી અને બાળકોને લેશન સમયે હાથમાં ખૂબ જ આરામ લાગતા બાળકોમાં ખૂબ જ લોકપ્રિય થવા લાગી. આમ ઘરે ઘરે સંઘર્ષ તથા નવિનીકરણ કરતા કરતા આજે આ લીટલ સ્ટાર પેપર વેલ્વેટ પેન્સીલને બાળકો એ સહજતાથી અપનાવી લીધી અને આ કામમાં સહયોગ આપવા અમુક શાળા સંચાલકોએ પણ પોતાની શાળાના બાળકોને પણ આ વસ્તુની પુરી સમજ આપી. ઈકો ફ્રેન્ડલી પેન્સીલ વાપરવાનો આગ્રહ કરી, વૃક્ષો બચાવવાના હર્ષલભાઈના સંકલ્પને સહયોગ પુરો પાડી સમાજ પ્રત્યેના પર્યાવરણ બચાવવાના પ્રયાસમાં સહભાગી બની રહ્યા છે.

પછી આ દિશામાં વધુ અભ્યાસ કરતા હર્ષલભાઈને લાગ્યુ કે પર્યાવરણને વૃક્ષ છેદન તો નુકશાન કરે જ છે, પરંતુ સાથે સાથે પ્લાસ્ટિકના વધુ પડતો વપરાશ પણ તેના વેસ્ટને લીધે આપણી જમીનને ખૂબ જ નુકશાન કરે છે અને પ્લાસ્ટિકનો કચરો વધારવામાં આપણા રોજીંદા વપરાશની પ્લાસ્ટિકની પેન તથા બોલપેનનો ફાળો પણ ખૂબ જ છે. આ જોઈ તેમણે હવે પેપરની ઈકો ફ્રેન્ડલી બોલપેન બનાવવાનું નક્કી કર્યુ અને તેની પાછળ લાગી પોતાની મહેનત અને સુઝબુઝથી પેપરની ઈકો ફ્રેન્ડલી બોલપેન બનાવવામાં સફળ રહ્યો અને હાલમાં પોતાની લીટલ સ્ટાર બ્રાન્ડથી તેઓ શકય તેટલા મીનીમમ પ્લાસ્ટિક પાર્ટસના ઉપયોગથી ઈકો ફ્રેન્ડલી પેપર બોલપેન બનાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ રીતે રીસાઈકલ પેપરમાંથી જ તેમજ કોઈ પણ જાતના પ્લાસ્ટિક પાર્ટસ વગર ફકત કાગળની જ યુઝ એન્ડ થ્રો બોલપેન પણ માર્કેટમાં લાવી રહ્યા છે. આ માટે તેઓ સમાજના સર્વે લોકોને પ્લાસ્ટિક બોલપેનનો વપરાશ ઘટાડી ફકત ઈકો ફ્રેન્ડલી બોલપેનનો ઉપયોગ કરી આપણા પર્યાવરણને બચાવવાના કાર્યમાં સહભાગી થવા અપીલ કરે છે.

આટલેથી ના અટકતા હર્ષલભાઈ તથા બીપીનભાઈને લાગ્યુ કે હજુ પણ આ દિશામાં આગળ કંઈક કરી શકીએ તો સારૂ. તેમણે જોયુ કે આપણે પેપર પેન્સીલના ઉપયોગ થકી બાળકોને વૃક્ષો કાપતા બચાવવા માટે તો પ્રોત્સાહીત કર્યા. પરંતુ જો દરેક બાળકને પોતાના હાથે વૃક્ષ વાવતો કરીએ તો આવનારૂ ભવિષ્ય કેવું સુંદર હશે. આ અંગે ખૂબ જ વિચાર કર્યા બાદ તેઓએ એક ખૂબ જ સુંદર અને અનોખા આઈડીયાને ઉજાગર કર્યો અને જન્મ થયો એક 'લીટલ સ્ટાર પ્લાન્ટેબલ પેન્સીલ'નો. બાળકો માટેની પેપર પેન્સીલને છેડે જુદી જુદી જાતના બીજ ફીટ કરવામાં આવ્યા અને બાળક જ્યારે લેશન કરીને પેન્સીલ પુરી કરી નાંખે ત્યારે છેલ્લે વધેલુ બટકુ કચરામાં ફેંકી ન દેતા. તેને કોઈપણ કુંડામાં તથા જમીનમાં વાવવાથી તેમાંથી એક નવો છોડ ઉગશે. આમ હર્ષલભાઈએ રીસાઈકલ કરેલ વસ્તુને પણ ફરી રીસાઈકલ કરી નવો જ છોડ ઉગાડવાના તેમના વિચારનો આવિષ્કાર કર્યો.ઙ્ગઆ પેન્સીલ આઇડીયાથી બાળકોમાં નાનપણથી જ વૃક્ષ વાવવાની તથા તેને ઉછેર કરવાની સાહજિક જિજ્ઞાશા ઉત્પન્ન થશે. અને દરેક બાળકો તેના બાળપણ દરમ્યાન ભણતરથી સાથે સાથે આવા અસંખ્ય ઝાડને વાવીને ઉછેર કરશે. તો આવનારા ભવિષ્યમાં વૃક્ષો કપાતા બચાવવાની સાથે-સાથે નવા વૃક્ષોના ઉછેરને પણ પ્રોત્સાહન મળશે.

આમ હાલમાં ''લીટલ સ્ટાર'' નાં નામથી હર્ષલભાઇ ''લીટલ સ્ટાર'' ઇકો ફેન્ડલી પેપર પેન્સીલ, ''લીટર સ્ટાર ઇકો ફેન્ડલી પેપર બોલપેન'' તથા ''લીટર સ્ટાર પ્લાન્ટેબલ પેન્સીલ'' જેવી વસતુઓ બનાવી આપણાં આવનારા ભવિષ્યને વૃક્ષ છેદનથી બચાવી આપવા પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં રાજકોટના ફનવર્લ્ડ પાસે ક્રિસમસ મેળો ચાલી રહ્યો છે તેમાં લીટલ સ્ટારનો સ્ટોલ છે. સ્ટોલ નં.એ-૫ ખાતે પેન-પેન્સીલના ઉત્પાદનો જોવા મળશે. આ અંગે વધારે વિગતો માટે મો.૮૮૬૬૦ ૦૦૧૪૧ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:39 pm IST)