Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કોંગ્રેસની સરકાર ન બનવા માટે ભરતસિંહ જ જવાબદારઃ ધીરૂભાઈનો ધડાકો

રાહુલ ગાંધી અને ગેહલોતે તનતોડ મહેનત કરી પણ પ્રદેશ પ્રમુખ નિષ્ફળઃ તેઓ અમદાવાદ-બોરસદ વચ્ચે જ આટા મારતા રહ્યા : પહેલા ટીકીટ આપવી પછી કાપવી અને પ્રચારમાં સહયોગ ન આપવો એવી રીત રસમોના કારણે કોંગ્રેસે પંદરેક બેઠકો ગુમાવી

ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સુરતના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઈ ગજેરાએ આજે અકિલાની મુલાકાત લઈ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર. તેમણે આજે સુરતથી અમરેલી જતા પૂર્વે રાજકોટમાં ખોડલધામના મોભી નરેશ પટેલ, પરેશ ગજેરા તથા અકિલા પરિવારના કિરીટભાઈ ગણાત્રાને મળવા માટે ટૂંકુ રોકાણ કર્યુ હતું.

રાજકોટ, તા. ૨૮ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ સુરતના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઈ ગજેરાએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાથી થોડી દૂર રહી ગઈ તે માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને જવાબદારી ગણાવી હિંમતભેર અવાજ ઉઠાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રમુખ માત્ર બોરસદથી અમદાવાદ વચ્ચે જ મુસાફરી કરતા હોવાનો આક્ષેપ કરી લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામની નેતૃત્વ પરિવર્તનની જરૂરીયાત ગણાવી છે.

લડાયક લોકસેવક શ્રી ધીરૂભાઈ ગજેરાએ આજે અકિલાની મુલાકાત પ્રસંગે જણાવેલ કે, જે પરિણામ આવ્યુ તેના માટે કોંગ્રેસની વ્યવસ્થા પણ ઘણા અંશે જવાબદાર છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવારો બદલવા, પહેલા એકને ટીકીટ આપવી અને પછી તેની ટીકીટ કાપી બીજાને આપવી તેમજ પ્રચારમાં પ્રદેશ કક્ષાએથી સહયોગ ન આપવો અને સ્થાનિક કક્ષાએ યોગ્ય ગોઠવણ ન કરાવવી જેવા કારણોસર કોંગ્રેસે ૧૫ જેટલી બેઠકો ગુમાવી છે. લોકો કોંગ્રેસની સરકાર ઈચ્છતા જ હતા પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં ભરતસિંહ સોલંકીની નિષ્ફળતાના કારણે કોંગ્રેસે સત્તાથી વંચીત રહેવુ પડયુ છે. પ્રદેશ પ્રમુખ આખા ગુજરાતમાં ફરી વળવા જોઈએ તેના બદલે મોટા ભાગે અમદાવાદ - બોરસદ વચ્ચે જ આંટા ફેરા કરતા રહેતા હતા. તત્કાલીન વિપક્ષી નેતા પણ વાસણીયા મહાદેવથી ગાંધીનગર પૂરતા સીમીત રહી ગયા હતા. મેં બે વર્ષથી કામરેજમાં તૈયારી કરેલ પરંતુ પાર્ટીએ મને ટીકીટ વરાછામાં આપી. શહેર સંગઠન કે પ્રદેશ સંગઠન તરફથી અપેક્ષા મુજબ સહકાર ન મળ્યો. બાકી હતુ તે ઈવીએમે પુરૂ કર્યુ.

શ્રી ગજેરાએ જણાવેલ કે, ચૂંટણી પહેલાના થોડા મહિને કામરેજમાં હું સમગ્ર મત વિસ્તારમાં ફરી વળેલ. મેં મારા કાર્યાલયના ઉદઘાટન માટે ભરતસિંહ સોલંકીનો ૩ વખત સમય માંગ્યો પરંતુ તેમણે સમય આપ્યો ન હતો. માત્ર પોતાના માનીતા લોકોને જ સાંભળવા તે તેમની પ્રકૃતિ લાગે છે. રાહુલ ગાંધી અને અશોક ગેહલોતે તનતોડ મહેનત કરેલ તેના કારણે કોંગ્રેસ મજબૂત બની છે. લોકો આજેય કોંગ્રેસની સાથે છે.

તેમણે ઈવીએમના કથીત ગોટાળા બાબતે જણાવેલ કે, લોકો મારા પરાજય અંગે આજેય આશ્ચર્ય અનુભવે છે. જ્યાં ભાજપ મીટીંગ પણ ન કરી શકે તેવી સ્થિતિ હોય ત્યાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતી કઈ રીતે મળે ? ભાજપને ભારે પડી શકે તેવા નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, બાબુભાઈ માંગુકીયા, ધીરૂભાઈ ગજેરા વગેરે ઉમેદવાર તરીકે મજબુત હોવા છતા કઈ રીતે હારી શકે ? ચૂંટણી પંચે જાણે મોદી પંચ હોય તે રીતે ભૂમિકા ભજવી હતી. આવનારા દિવસોમાં પ્રજા ભાજપને એનુ સ્થાન બતાવી દેશે.

મશીનથી મતદાન થશે ત્યાં સુધી શંકા વિનાનો જનાદેશ નહિ મળે

સુરતમાં મતદારો ભાજપને પગ મૂકવા દેવા રાજી નહોતા છતા તોતીંગ બહુમતી કઇ રીતે? ધીરૂભાઇ ગજેરાનો સવાલ

રાજકોટ તા.૨૮: સુરતના પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઇ ગજેરાએ અકિલાના આંગણે જણાવેલ કે મત મશીન દ્વારા થતુ મતદાન અને મળતુ પરિણામ અનેક બેઠકોમાં શંકાસ્પદ છે ઇવીએમનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી સાચો જનાદેશ મળી શકશે નહિ તેવું મને લાગે છે તેમણે ચૂંટણી પંચ મોદી પંચ બની ગયાનો આક્ષેપ કર્યો હતો.

શ્રી ધીરૂભાઇએ જણાવેલ કે આચાર સહિતાના અમલની બાબતમાં ચૂંટણી પંચની નીતિ ભાજપ-કોંગ્રેસ માટે ભેદભાવપૂર્ણ હતી જાહેર પ્રચાર બંધ થયા પછી વડાપ્રધાન મોદી રોડ શો કરે છતા પગલા કેમ નહિ? સુરતમાં પાટીદાર આંદોલન પ્રભાવક હતુ નોટબંધી, જીએસટી, મોંઘવારી વગેરે મુદ્દે જનાક્રોશ ભભૂકતો હતો. સુરતમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે મીટીંગ-સંમેલન પણ કરી શકતા નહોતા. છતા શહેરની તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવારોને તોતીંગ બહુમતી કઇ રીતે મળે? નથી દેખાતુ એવુ કંઇક ઇવીએમમાં હોવાની શંકા દ્રઢ બની છે.(૧.૧૮)

(3:30 pm IST)