Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રાષ્ટ્રની એકતા અખંડીતતા જયારે જયારે જોખમાઇ ત્યારે કોંગ્રેસે રક્ષણ કર્યુ છે

સ્થાપના દિવસે ગાથા આલેખતા મનસુખભાઇ કાલરીયા

રાજકોટ તા.૨૮: કોંગ્રેસ એક રાષ્ટ્રીય ચળવળના રૂપમાં અસ્તિત્વમાં આવેલ અને સમય જતા તે દરેક ભારતીયનો અવાજ બનીને ઉભરી આવેલ પક્ષ છે. તેનો ઇતિહાસ અનેક બલીદાનો, શહાદત,ત્યાગ,સંઘર્ષ, આંદોલનો અને દેશભકિતથી ભરપુર છે.

આ એ પક્ષ છે જેના નેતૃત્વમાં ૧૫૦ વર્ષની ગુલામીની જંજીરો તૂટી અને દેરા આઝાદ થયો. તેમ આજે કોંગ્રેસના સ્થાપનાદિને પ્રદેશ પ્રવકતા મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યુ છે.

આ પક્ષે દેશના અનેક મહા સપૂતોએ નેતૃત્વ પુરૂ પાડ્યુ છે અને તેમના મહાન વિચારોનો ભવ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે. પૂ.મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, લાલબહાદુર શાસ્ત્રી, ડો.આંબેડકર, શ્રીમતિ ઇન્દિરા ગાંધી અને રાજીવગાંધી જેવા ત્યાગ અને બલીદાનના પ્રતિક સમા અનેક મહાપુરૂષોએ આ પક્ષનું નેતૃત્વ કર્યુ છે. કોંગ્રેસ પક્ષ છેલ્લા ૧૩૨ કરતા વધુ વરસોથી દેશને નેતૃત્વ પુરૂ પાડી રહ્યો છે. આઝાદી બાદ પણ જયારે જયારે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પર જોખમ ઉભુ થયુ છે ત્યારે ત્યારે દરેક કોંગ્રેસી માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેવા પણ તત્પર રહ્યો છે.

કોંગ્રેસનો રાષ્ટ્રવાદ માત્ર દેશની સીમાઓના રક્ષણ પુરતો સીમિત નથી. કોંગ્રેસજન માટે રાષ્ટ્રનું ઘડતર જે મુલ્યોના આધારે થયુ છે તે મુલ્યોની રક્ષા કરવી તે પણ એટલુ જ અગત્યનું છે.કોંગ્રેસ માને છે કે ભારતની અખંડિતતા બાબતે કોઇ સમાધાન થઇ શકે નહીં.

કોંગ્રેસના શાસનકાળમાં પીવાના પાણીની યોજનાઓ, સિંચાઇ યોજનાઓ, વિદ્યૃતિકરણ, દવાખાનાઓ, શાળા-કોલેજો, રોડ-રસ્તાઓ, ડેમો, વિમાન મથકો, બસડેપો, રેલ્વેસ્ટેશનો, આવાસ યોજનાઓ, ટેકનીકલ અને મેનેજમેન્ટની શૈક્ષણીક સંસ્થાઓ, મધ્યાહન ભોજન યોજના, પેન્શન યોજના શિષ્યવૃતિ યોજનાઓ, જાહેર વિતરણ પ્રણાલી, પાક વિમા યોજના, મનરેગા, માહિતી અધિકાર, મફત શિક્ષણ જેવી અનેક લોકલક્ષી યોજનાઓ લાવ્યા. ડો.મનમોહનસિંહની આગેવાનીમાં અનેક આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા જેને વિકાસને વેગ આપ્યો.

કોગ્રેસની વિચારધારાના કેન્દ્રમાં માનવીય મુલ્યોનું રક્ષણ અને લોકશાહીની રક્ષા રહેલા છે અને એટલેજ કોંગ્રેસનુ ટકવુ દેશ હિતમાં ખૂબ જરૂરી છે. કોંગ્રેસ મુકત ભારતની વાતો માત્ર બકવાસ છે. લોકશાહીના પર્વ સમી ચુંટણીઓમાં હાર-જીત ગૌણ છે. રાષ્ટ્રહિતમાં લડતા રહેવુએ દરેક કોંગ્રેસજનની ફરજ છે તેમ મનસુખ કાલરીયાએ જણાવ્યુ છે.

(12:31 pm IST)