Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગૌપાલન, ગૌરક્ષણ અને ગૌસંવર્ધન માટે દરેક વ્યકિત જાગૃત થાય એ જરૂરી

ગૌ માતાથા સેવાર્થે પૂ. ગોવર્ધનેશજીના વ્યાસાસને શ્રીજી ગોૈશાળામાં આયોજીત ભાગવત કથાની પૂર્ણાહુતીઃ મુકિત બે પ્રકારની છે, જીવમુકિત અને બ્રહ્મ મુકિતઃ ભાગવતનો બારમો સ્કંધએ આશ્રયલીલા છે

રાજકોટ : ગૌમાતાના કલ્યાણે સાડા દસ એકરના વિરાટ ગૌસંકુલ - ગૌતીર્થ એવા શ્રીજી ગૌશાળા - રાજકોટના ઉપક્રમે આયોજીત એવી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પૂ. ગોસ્વામી દામોદરદાસજી મહારાજની આશીર્વાદક ઉપસ્થિતિ તેમજ હરિરાય મહોદયશ્રીની પાવન સન્નિધિમાં ગઈકાલે ભાવમય પૂર્ણાહૂતિ થઈ હતી.

સતત સાત દિવસથી ઉજવાઈ રહેલા ગૌમહાત્મયને કેન્દ્રસ્થ એવા આ દિવ્ય - મંગલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવના વિરામ દિવસે પ્રખર યુવા આચાર્ય એવા ગૌસ્વામી ગોવર્ધનેશજીએ શ્રીમદ્દ ભાગવતના બાકી રહેલા સ્કંધ - અધ્યાયોની સંક્ષિપ્ત સાર સમજ આપતા જણાવ્યુ હતું કે શ્રીમદ્દ ભાગવતમાં અગિયારમો સ્કંધ એ મુકિત લીલા છે, દરેક સ્કંધની કથાના સારરૂપ છે, મુકિત બે પ્રકારની છે, જીવમુકિત અને બ્રહ્મમુકિત શ્રીમદ્દ ભાગવતનો બારમો સ્કંધ અને આશ્રયલીલા છે. જેમાં કુલ અધ્યાયમાં આશ્રય લીલાનું વર્ણન છે. ક્રિષ્નલીલા ભાગવત લીલા, ભકતલીલા, નામલીલા અને કુરૂલીલા આ સ્કંધમાં કલીયુગનું પણ વર્ણન છે. કલીયુગમાં જયારે દોષ થશે ત્યારે ભગવાન કલ્કિ અવતાર લેશે એવું વર્ણન આ અધ્યાયમાં છે. અહીં પ્રલયની ચર્ચા પણ કરવામાં આવી છે. કેટલાય પ્રકારના પ્રલયની ચર્ચા અહીં થઈ છે. પ્રલય  ચાર પ્રકારના છે. નિત્ય પ્રલય, નૈનિતિક પ્રલય, પ્રકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય, ત્યારબાદ ભાગવતના અંતિમ સ્કંધ એટલે કે બારમા સ્કંધના અંતિમ શ્લોકના પઠન સાથે મહોદયશ્રીએ આ સાપ્તાહિક સત્સંગ - યાત્રાને વિરામ આપ્યો હતો. આગામી વર્ષ ૨૦૧૮માં યોજાનારી વ્રજયાત્રા (લીલી પરિક્રમા)ના સૌ વૈષ્ણવોને જોડાવવા માટે અપીલ કરતા ગોવર્ધનેશજીએ કહ્યુ હતું કે જો પ્રભુ પાસે કંઈ માગવાની ઈચ્છા થાય તો એવુ માગજો કે હે, પ્રભુ ! મને વ્રજમાં  વાસ કરાવજો, જયાં આજે પણ પ્રભુની નિત્ય લીલા થઈ રહી છે. એવા વ્રજમાં - વ્રજયાત્રામાં જવા માટેનો આ દિવ્ય અવસર છે. ત્યારે આપણે સૌ આ દિવ્ય મંગલ અદ્દભૂત વ્રજયાત્રામાં જોડાઈએ એવી મારી સૌ વૈષ્ણવોને નમ્ર આગ્રહભરી વિનંતી છે.(૩૦.૫)

 

(11:58 am IST)