Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

માલિયાસણ પાસે હોટલ બનાવી રહેલા ધના ધ્રાંગીયાને બુકાનીધારીઓએ ધોકાવી નાંખ્યો

ભરવાડ યુવાને માલિયાસણના સિકંદરભાઇ હસ્તકની જગ્યામાં હોટેલ બનાવવાનું કામ શરૂ કર્યુ છેઃ અડધી હોટેલ ચણાઇ ગઇ છેઃ રાત્રે ત્યાં સુતો'તો ત્યારે ચારેક શખ્સોએ આવી ગળાચીપ દઇ પાઇપના ઘા ફટકાર્યાઃ જગ્યા ખાલી કરી ભાગી જવા ધમકી દીધી

રાજકોટ તા. ૨૮: જુની માર્કેટ યાર્ડ પાછળ માલધારી સોસાયટી-૧માં રહેતાં ધના મછાભાઇ ધ્રાંગીયા (ઉ.૩૫) નામના ભરવાડ યુવાનને રાત્રે તે માલીયાસણ નજીક સોખડા ચોકડીએ પોતાની હોટલનું કામ ચાલી રહ્યું હોઇ તેના પટમાં સુતો હતો ત્યારે બુકાની બાંધીને આવેલા ચારેક શખ્સોએ ગળાચીપ દઇ પાઇપના ઘા ફટકારી માર મારી જગ્યા ખાલી કરી ભાગી જવા ધમકી આપતાં સારવાર માટે દાખલ થયો છે.

હુમલામાં ઘાયલ ધના ભરવાડને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. હેડકોન્સ. રાજેશભાઇ આર. સોલંકીએ તેની ફરિયાદ પરથી ચારેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ધનાભાઇના કહેવા મુજબ હું છૂટક મજૂરી કરુ છું. માલિયાસણ પાસે ખરાબામાં મેં હોટેલ બનાવવાનું કામ ૧૧/૧૨થી શરૂ કર્યુ છે. અડધુ કામ પતી ગયુ છે અને ઉપર છાપરા નાંખવાના બાકી છે. આ જગ્યા આશરે પ૦૦ વાર જેટલી છે અને તે માલિયાસણના સિકંદરભાઇ હસ્તક છે. તેઓ સાતેક વર્ષથી અહિ રેંકડી રાખતા હતાં. મેં તેની પાસેથી મહિને ત્રણ હજારના ભાડેથી આ જગ્યા રાખી છે.

હોટેલ ચણાવાનું કામ ચાલતું હોઇ હું રાત્રે ત્યાં જ પટમાં સુઇ જાવ છું. બુધવારે રાત્રે સવા અગિયારેક વાગ્યે હું ખાટલો ઢાળીને સુતો હતો ત્યારે ચાર-પાંચ બુકાનીધારી આવ્યા હતાં અને સીધુ મારુ ગળુ દાબી દઇ બાદમાં પગમાં અને પગ વચ્ચેના ભાગે પાઇપના ઘા મારી ઢીકા-પાટુનો માર માર્યો હતો. જેના કારણે જમણા પગ, ડાબા હાથના અંગુઠામાં અને ગુપ્ત ભાગ પાસે ઇજા થઇ હતી. જતાં-જતાં આ શખ્સો મને હોટેલની જગ્યા ખાલી કરીને ભાગી જવાની ધમકી આપતાં ગયા હતાં. તે અલ્ટો જેવી કારમાં ભાગ્યા હતાં. આ માણસો કોણ હતાં તેને હું કે સિકંદરભાઇ ઓળખતા નથી. બનાવ બાદ મેં સિકંદરભાઇને ફોન કરતાં તેમના પુત્ર સમીરભાઇ આવ્યા હતાં અને મને દવાખાને લઇ ગયા હતાં. (૧૪.૫)

(11:55 am IST)