Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોના 'કાંટા'ની પીડા ટાળવા તંત્રએ ''તૈયાર'' જવાબના 'પુષ્પો' પાથર્યા

ડી.ડી.ઓ. અને પ્રશ્નો પૂછનારા સભ્યો વચ્ચે ચર્ચાઃ બુધવારની સામાન્ય સભા 'શાંતિપૂર્ણ' રહેશે? : ભાવનાબેન ભૂતે પડકારીને કહ્યું મોટાભાગના તલાટીઓ ફરજના ગામમાં હાજર રહેતા નથીઃ પરસોતમ લુણાગરિયાએ કહ્યું સ્વભંડોળમાંથી ગ્રામ પંચાયત કચેરીમાં સીસી રોડ કેમ ન બની શકે? ખાટરિયાએ કર્મચારીની પ્રતિનિયુકિતનો મુદે ઉઠાવ્યો

રાજકોટ તા. ર૮: જિલ્લા પંચાયતની સામાન્ય સભા બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યે મળનાર છે જેમાં કુલ ૩પ પૈકી ૩૬ સભ્યોએ ૧૮ પ્રશ્નો પૂછયા છે. તે સભ્યો સાથે આજે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા સહિતના અધિકારીઓએ સંવાદ બેઠક કરી લેખિત જવાબ આપી દીધેલ અને તેને અનુરૂપ દલીલ કરી હતી. સામાન્ય સભામાં સભ્યોના હોબાળાનું પુનરાવર્તન રોકવા માટે વહીવટી તંત્રએ ચર્ચાના નામે વિવાદ ટાળવાનું આગોતરૃં આયોજન કર્યું છે. જો બધા સભ્યોને વહીવટી તંત્રની વાત ગળે ઉતરી જશે તો વર્તમાન ચૂંટાયેલી પાંખના કાર્યકાળની સામાન્ય સભા વિદાય સમારંભ જેવી બની રહેશે.

અર્જુન ખાટરિયા, પરસોતમ લુણાગરિયા, ભાવનાબેન ભૂત, હેતલબેન ગોહેલ, વજીબેન સાકરિયા, ધ્રુપદબા જાડેજા વગેરેએ પ્રશ્નો પૂછયા છે. સામાન્ય સભાના મંચ પરથી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે પ્રશ્નકર્તાઓ અને ઉતરદાતાઓએ બંધ બારણે ઉકેલ શોધી લેવાનું વલણ અપનાવ્યું છે. ગામડાઓમાં તલાટીઓની હાજરી મહિલા બાળ કલ્યાણના કર્મચારીને પ્રતિનિયુકિત પરથી પરત બોલાવવા ગામડાઓમાં સીસી રોડ માટે ગ્રાન્ટનો ઉપયોગ વગેરે બાબતના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તંત્રએ તેના 'સત્તાવાર' જવાબ આપી દીધા છે.

(4:00 pm IST)