Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મીઠુ-પાણી-કેરીનો રસ-શિખંડ-દૂધના નમુના સબસ્‍ટાન્‍ડર્ડ જાહેરઃ ૩૯ વેપારીને ૧૮ લાખનો દંડ

એડી. કલેકટર ચેતન ગાંધી દ્વારા કાર્યવાહીઃ પાંચ ઉત્‍પાદકો પણ ઝપટે

રાજકોટ તા. ર૮: રાજકોટ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગે લીધેલા આયોડાઇઝ મીઠું, પાણી, કેરીનો રસ, શિખંડ, દૂધના નમૂના વડોદરાની ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ લેબોરેટરીમાં તપાસણી દરમિયાન ‘સબ સ્‍ટાન્‍ડર્ડ' જાહેર કરવામાં આવતા અધિક જિલ્લા કલેકટર સમક્ષ ફૂડ એન્‍ડ સેફટીના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્‍યા હતા જેમાં મીઠું, પાણીના પ ઉત્‍પાદકો સહિત ૩૯ વેપારીને રૂ. ૧૭.૮૦ લાખનો તગડો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

રાજકોટ અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધી દ્વારા ફૂડના અલગ-અલગ નવ કેસનું હિયરિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગે જયાંથી નમૂના લીધા હોય તે વેપારીઓથી લઇને જે-તે વસ્‍તુના ઉત્‍પાદકોને હાજર રાખવામાં આવ્‍યા હતા. જેમાં ૯ કેસમાં ૩૯ વેપારી અને ઉત્‍પાદકો પર આકરા દંડની તવાઇ ઉતારવામાં આવી હતી. જેમાં આયોડાઇઝ મીઠાના ઉત્‍પાદક, ગાંધીધામની દિવ્‍યા સોલ્‍ટ પ્રા. લિ.ના તમામ ડિરેકટરો, વિશાલ કેમફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ભચાઉના ચોપડવા ગામે આવેલી શ્રીરામ કેમફૂડ પ્રા.લિ.ના ભાગીદારો તથા પાણીની બોટલનું ઉત્‍પાદન કરતા રાજકોટના ગોંડલ રોડ પર આવેલી બ્રિસવેલ બેવરેજીસ અને મોરબીના અમરેલી ખાતે આવેલી આકાશ બવરેજીસનો સમાવેશ થાય છે. દંડ કરાયો તેમાં મિકસ દૂધનો નમુનો સબસ્‍ટાન્‍ડર્ડ થતાં રમેશ વેલજીભાઇ સાટડિયા રૂ. ૧,૦૦,૦૦૦, આયોડાઇઝ સોલ્‍ટનો સબસ્‍ટાન્‍ડર્ડ થતાં મંગીલાલ કુમાવત (શ્રીરામ કેમફૂડ પ્રા.લિ.) ને રૂ. રપ,૦૦૦ શ્રીરામ કેમફૂડ પ્રા.લિ. રૂ. પ૦,૦૦૦ તેમજ દિવ્‍ય સોલ્‍ટ પ્રા. લિ., ગાંધીધામ તેમજ કંપનીના તમામ ડિરેકટરોને રૂ. પ૦ હજારનો દંડ કરાયો છે જેમાં રામલાલ ચૌધરી, મુકેશ ચૌધરી, અનિતા ચૌધરી, લીલી ચૌધરી, કમલા ચૌધરી, મંજૂ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશાલ કેમફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝ તેમજ કંપનીના ડિરેકટર ભંવર ચૌધરી વિશાલ એમ. ચૌધરી, પંકજ પી. ચૌધરી, મુકેશ આર. ચૌધરીને પ૦-પ૦ હજારના દંડ ફટકારાયો છે. લુઝ દૂધ વેચતા પરષોત્તમ ખોડાભાઇ ચોવટિયા (મેટોડા) ને રૂ. ૧,૦૦,૦૦૦ પાણીનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ થતાં બ્રિસવેલછ બેવરેજીસ કંપનીને રૂ. બે લાખ અને તેના સંચાલક વ્રજલાલ હરિભાઇ મારડિયાને રૂ. ૧,૦૦,૦૦૦ પાણી વેચતા અલ્‍પેશ પ્રતાપભાઇ જોશીને રૂ. પ૦,૦૦૦ ઉધરેજા અનિલકુમાર બાબુલાલને રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ આકાશ બ્રેવરેજીસ અમરેલી તા. મોરબીને રૂ. ર,૦૦,૦૦૦ તથા રાજભોગ શિખંડનો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડ થતા મહેશ શિવલાલ મોલિયાને રૂ. પ૦,૦૦૦ અને કેરીનો રસ પણ ગુણવતા યુકત ન હોવાથી સંજય વસંતલાલ ગાવાને રૂ. પ૦,૦૦૦ તેમજ સુરેશ પોપટભાઇ રૈયાણીને રૂ. ૭પ,૦૦૦નો દંડ ફટકારાયો છે.

(4:41 pm IST)