Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રૂપાલાના મામલે ક્ષત્રીય આગેવાનો સાથે વાત કરી છે, એકાદ દિ'માં નિવેડો : પાટીલ

ભાજપના ઉમેદવારે ભૂલ સ્‍વીકારી માફી માંગી લીધી છે : ઘીના ઠામમાં ઘી પડવાનો સંકેત આપતા પ્રદેશ પ્રમુખ : ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પાંચ લાખથી વધુ સરસાઇથી જીતવા ભાજપના આગેકદમ : મોદી વડાપ્રધાન બનવાની હેટ્રીક કરશે

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હોટલ ઇમ્‍પીરીયલ પેલેસ ખાતે પત્રકાર મિલનમાં વાતચીત કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં મીડિયા સેલના પ્રદેશ સંયોજક યજ્ઞેશ દવે, પાર્ટીના સ્‍થાનિક અગ્રણીઓ ડો. ભરત બોઘરા, મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, મુકેશ દોશી, રમેશ ટીલાળા, ભાનુબેન બાબરિયા, ડો. દર્શિતા શાહ, ઉદય કાનગડ, કેસરીસિંહ ઝાલા, જૈમિન ઠાકર, માધવ દવે, અશ્વિન મોલિયા, જીતુ મહેતા, કિશોર રાઠોડ વગેરે ઉપસ્‍થિત છે. સ્‍વાગત પ્રવચન પ્રવકતા રાજુ ધ્રુવે કર્યુ હતું. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૨૮ : ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે આજે રાજકોટની મુલાકાત વખતે શકિત કેન્‍દ્રના કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યા બાદ પત્રકારો સાથે મિલન કાર્યક્રમ યોજયો હતો. જેમાં તેમણે કેન્‍દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રીય સમાજને લાગુ પડતા વિવાદાસ્‍પદ વિધાન અંગે ઘીના ઠામમાં ઘી પડી જવાનો સંકેત કર્યો હતો. તેમણે લોકસભાની ચૂંટણી વિકાસ, ભાજપમાં ભરતી મેળો વગેરે મુદ્દે પણ વાત કરી હતી.

શ્રી પાટીલે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જણાવેલ કે, લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દેશમાં ૪૦૦થી વધુ બેઠક મેળવવાનો લક્ષ્યાંક છે. ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પાર્ટી પાંચ લાખથી વધુ સરસાઇથી જીતવા આગળ વધી રહી છે. વિકાસનું વાતાવરણ બન્‍યું છે. નરેન્‍દ્રભાઇ મોદી વડાપ્રધાન બનવાની હેટ્રીક સર્જશે. અમારો લક્ષ્યાંક સિધ્‍ધ કરવા સૌના સહકારની જરૂર છે.

શ્રી પરસોતમ રૂપાલાના વિવાદાસ્‍પદ વિધાન અંગે ક્ષત્રીય - રાજપૂત સમાજમાં વ્‍યાપેલા રોષ બાબતે પત્રકારોના પ્રશ્નના જવાબમાં પ્રદેશ પ્રમુખે જણાવેલ કે, રૂપાલાએ ભૂલ સ્‍વીકારી લીધેલ છે, માફી પણ માગી લીધી છે. આ મુદ્દે ક્ષત્રીય આગેવાનો સાથે વાત કરી છે. એકાદ દિવસમાં નિવેડો આવી શકે તેવી અમને આશા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ કોંગ્રેસની તાકાત તોડવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને લાયકાતના ધોરણે ભાજપમાં સમાવાતા હોવાનું નિર્દેષ કર્યો હતો.

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ન યોજાતા તે બાબતે શ્રી પાટીલે જણાવેલ કે, તેમાં કાયદાકીય પ્રશ્ન છે. અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. કાયદાકીય સલાહ લઇને ફરી ચૂંટણીપંચમાં રજૂઆત કરી ફરી વિસાવદરમાં ચૂંટણી યોજાય તેવો પ્રયત્‍ન કરશું.

પત્રકારોએ રાજકોટમાં સૌરાષ્‍ટ્ર કક્ષાનું મિડીયા સેન્‍ટર બનાવવાનું સૂચન કરતા તેમણે સ્‍વીકાર કરી ખાસ મિડીયા સેન્‍ટર કાર્યરત થશે તેમ તેમણે જણાવ્‍યું હતું.

ભાજપના ધારાસભ્‍ય દ્વારા મહિલાના અપમાન અંગેના સવાલના જવાબમાં શ્રી પાટીલે કહેલ કે જેની સામે ફરિયાદ છે તે ધારાસભ્‍યને ખુલાસો પૂછશું. કોઇ પણ મહિલા સાથે અણછાજતું વર્તન થાય તે ભાજપમાં ચલાવા પાત્ર નથી.

(3:33 pm IST)