Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

દંડથી બચવા ખોટી નંબર પ્‍લેટો લગાવીઃ ૧૦ સામે ફોજદારી

શહેરના પંચાયત ચોકમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવીઃ સીસીટીવી કેમેરાના ઇ-ચલણથી બચવા માટે ગતકડા કરનારા વાહનચાલકોમાં ફફડાટ :એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ એન.આઇ. રાઠોડની રાહબરીમાં કામગીરીઃ હાલ વાહનો ડિટેઇન કરી ચાલકોને નોટીસ અપાઇઃ પોલીસ કમિશનર, ડીસીપીની સુચનાથી ખાસ ડ્રાઇવઃ પીએસઆઇ વી.એન. બોદર, પીએસઆઇ વી. જી. ડોડીયા, પીએસઆઇ ડી.બી. કારેથા, પીએસઆઇ એન. કે. પંડયા અને ટીમોએ હેલ્‍મેટ નહિ પહેરવા અંગે પણ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૮: શહેરમાં અમુક વાહનચાલકો સીસીટીવી કેમેરા દ્વારા આપાવમાં આવતાં દડ ઇ-ચલણથી બચવા માટે પોતાના વાહનની નંબર પ્‍લેટ છુપાવી તેમાં નંબર પ્‍લેટમાં ચેડા કરી અથવા ખોટા નંબર લગાવી વાહન હંકારતા હોય છે. આવા વાહન ચાલકોને શોધી કાઢવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ખાસ ડ્રાઇવ યોજવાની સુચના આપી હોઇ ગત સાંજે યુનિવર્સિટી પોલીસે પંચાયત ચોક ખાતે સ્‍પેશીયલ વાહન ચેકીંગ ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવમાં દસ વાહન ચાલકો સામે આરટીઓની રજીસ્‍ટ્રેશન નંબર પ્‍લેટ લગાડવાને બદલે જાણી જોઇને ખોટી નંબર પ્‍લેટ લગાડવાના ગુનો દાખલ કરાયા છે.  દંડથી બચવા આવુ કરનારા દસ વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી થતાં આવુ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં અને સમગ્ર રાજ્‍યમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન  કરનારા વાહન ચાલકોને સીસીટીવી કેમેરા દ્વારા ઇ-ચલણ આપવામાં આવે છે. જેમાં દંડથી બચવા અમુક વાહન ચાલકો પોતાના વાહનના અસલ નંબર છુપાવી આગળના ભાગે ખોટી નંબરવાળી પ્‍લેટ લગાવતાં હોય છે, ચેડા કરેલી પ્‍લેટનો ખરા નંબર તરીકે ઉપયોગ કરતાં હોય છે. તેમજ હેલ્‍મેટ પણ પહેરેલા ન હોઇ આવા વાહન ચાલકો વિરૂધ્‍ધ યુનિવર્સ્‍ટિી પોલીસ દ્વારા ગત સાંજે છ વાગ્‍યાથી યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

આ ડ્રાઇવ દરમિયાન દસ વાહનચાલકો એવા મળ્‍યા હતાં જેના વાહનમાં ખોટી, ચેડા કરેલી, નંબર કટ કરેલી પ્‍લેટ હતી. તેણે જાણી જોઇને દંડથી બચવા માટે આરટીઓના રજીસ્‍ટ્રેશન મુજબના અસલી નંબર લગાડવાને બદલે ખોટા નંબર લગાડયા હતાં. આવા તમામ વાહનચાલકો સામે આઇપીસી ૪૬૫, ૪૭૧, એમવી એક્‍ટ ૧૨૯, ૧૭૭ મુજબ ગુના નોંધી તેના વાહનો પણ જપ્‍ત કરાયા હતાં.

પોલીસે હિરેન ચંદુભાઇ પાથર (ઉ.૨૫-રહે. જલારામ ચોક ભક્‍તિનગર સર્કલ વાણીવાયાડી રોડ)ને અટકાવ્‍યો હતો. તેના વાહનમાં માત્ર ૧૮ડીએફ નંબરની પ્‍લેટ હતી. ખરેખર તેના નંબર જીજે૧૮ડીએફ-૭૨૦૧ હતાં. તેની સામે ગુનો નોંધી ૪૦ હજારનું વાહન કબ્‍જે કરાયું હતું. ઉપરાંત હર્ષ નિતીનભાઇ વાછાણી (ઉ.૨૬-રહે. શિલ્‍પન ઓનેક્‍સ સામે અનંતા વિવંતા-૮૦૯) સામે ગુનો નોંધી જીજે૦૩એફઅચ-૪૧૪૫ રૂા. ૩૦ હજારનું કબ્‍જે કરાયું હતું. તેણે નંબર ૦૩એફએચ-૪૧ એટલા જ લગાવ્‍યા હતાં.

તેમજ રાજેશ બાલુભાઇ ચોૈહાણ (ઉ.૪૨-રહે. સંજય વાટીકા નીલ સીટી પ્‍લોટ-૨૦૧)એ જીજે૦૩જેક્‍યુ-૩૪૦ને બદલે ૦૩જેક્‍યુ-૩૪૦ નંબર લગાડયા હોઇ ૧ લાખનું તેનુ બૂલેટ કબ્‍જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્‍સવ પિયુષભાઇ નિમાવત (ઉ.૨૮-રહે. ભક્‍તિનગર સર્કલ જયનાથ હોસ્‍પિટલ પાસે યુગધર્મ એપાર્ટમેન્‍ટ બી-૯)એ હેલ્‍મેટ પહેર્યુ નહોતું અને આગળની નંબર પ્‍લેટ જોતાં ૦૩એનસી-૦૨૯૯ હતી, તેની સાચા નંબર જીજે૦૩એનસી-૦૨૯૯ હોઇ ઇ-ચલણથી બચવા આવુ કર્યાનું જણાતાં ગુનો નોંધી ૫૦ હજારનું વાહન કબ્‍જે કરાયું હતું. અભી જીતેન્‍દ્રભાઇ ડઢાણીયા (ઉ.૨૧-રહે. યુનિવર્સિટી રોડ યોગીનગર-૪)એ બાઇકમાં જીજે૧૦ડીએમ-૨૦૬૬માંથી આગળનો જી કાઢી નાખી નંબર લગાવ્‍યા હતાં, ગુનો નોંધી ૩૫ હજારનું વાહન જપ્‍ત કરાયું હતું.

જ્‍યારે શૈલેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહ જાડજા (ઉ.૪૮-રહે. કોટડા નાયાણી તા. વાંકાનેર)  એ પોતાના  બાઇકમાં જીજે૧૧બીપી-૮૫૮૦ નંબર પ્‍લેટ લગાવવાને બદલે માત્ર ૧૧બીપી-૮૫૮૦ નંબર લગાવી ગુનો કર્યો હોઇ આઇપીસી ૪૬૫, ૪૭૧, એમવી એક્‍ટ ૧૨૯, ૧૭૭ મુજબ ગુનો નોંધી રૂા. ૪૦ હજારનું વાહન કબ્‍જે કરાયું હતું.  જ્‍યારે પ્રભાત કાનજીભાઇ પરમાર (ઉ.૫૪-રહે. કોઠારીયા સોલવન્‍ટ હા. બોર્ડ પાછળ)એબાઇકમાં સાચા નંબર જીજે૦૩એચએસ-૫૦૩૭ લગાવવાને બદલે દંડથી બચવા માત્ર ૦૩એચએસ-૫૦૩૭ નંબર લગાડયા હોઇ તેનું પણ ૪૦ હજારનું વાહન જપ્‍ત કરી ગુનો નોંધાયો હતો. આ રીતે વિશ્વજીતસિંહ ભીખુભા સોલંકી (ઉ.૧૮-રહે. વાજડી ગામ રામ મંદિર પાસે)એ પોતાના બાઇકમાં જીજે૦૩એમજે-૭૪૪૪ નંબરને બદલે માત્ર ૦૩એમજે એટલા જ નંબર રાખ્‍યા હોઇ ગુનો નોંધી રૂા. ૪૦ હજારનું વાહન કબ્‍જે કરાયું હતું.

તેમજ ભાવીન રસિકભાઇ વેગડ (ઉ.૩૨-રહે. જીવરાજ પાર્ક નચીકેતા સ્‍કૂલ પાસે) પોતાના બાઇકમાં જીજે૦૩એચજી-૯૯૦૬ નંબરની કાયદેસરની નંબર પ્‍લેટ રાખવાને બદલે દંડથી બચવા એચજી-૯ નંબર લખેલી પ્‍લેટ લગાડીને નીકળ્‍યો હોઇ ગુનો નોંધી ૩૦ હજારનું વાહન કબ્‍જે કરાયુ હતું. આ રીતે દુષ્‍યંત ગોવિંદભાઇ કાલરીયા (ઉ.૩૦-રહે. રવિરત્‍ના પાર્ક મેઇન રોડ સારસ એપાર્ટમેન્‍ટ-૪૦૪) પોતાના બાઇકમાં જીજે૦૩જેડી-૦૮૬૪ને બદલે ૦૩જેડી-૦૮૬૪ લગાડીને નીકળતાં પકડી લઇ ગુનો નોંધી રૂપિયા ૫૦ હજારનું વાહન કબ્‍જે કરાયું હતું.

શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધિકા ભારાઇ, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની સુચનાથી યુનિવર્સિટી પીઆઇ એન. આઇ. રાઠોડની રાહબરીમાં  પીએસઆઇ વી. એન. બોદર, પીએસઆઇ વી. જી. ડોડીયા, પીએસઆઇ એન. કે. પંડયા, ડી. બી. કારેથા, એએસઆઇ જયસિંહ ઇન્‍દ્રસિંહ, હેડકોનસ. વિજુભા જાડેજા, કોન્‍સ. ટમુબેન પરબતભાઇ, હરેશ્વરીબા કિરીટસિંહ, અનિતાબેન ઇશ્વરભાઇ, સાવનભાઇ નરોત્તમભાઇ સહિતના સ્‍ટાફે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા દસેય વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા ફાળવાયેલા નંબરને બદલે ખોટી નંબર પ્‍લેટો લગાડવા બદલ ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરી વાહનો કબ્‍જે કરવામાં આવતાં આ પ્રકારે  નંબર પ્‍લેટ સાથે ચેડા કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. શહેરમાં કદાચ પહેલી જ વખત આ પ્રકારે ગુના નોંધવાની કાર્યવાહી થઇ છે.

નંબર પ્‍લેટ સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી થશેઃ પીઆઇ આઇ. અને. રાઠોડ

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, આરટીઓ દ્વારા ફાળવાયેલી માન્‍ય રજીસ્‍ટ્રેશન નંબર પ્‍લેટ જ રાખવી, દંડથી બચવા પ્‍લેટ તોડવી કે નંબરો સાથે છેડછાડ કરવી નહિ, નંબર ઉપર સ્‍ટીકર-કલર લગાવવા નહિ.  જો નંબર પ્‍લેટ સાથે કોઇ છેડછાડ કરશે તો કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ કરવામાં આવશે. તેમ વધુમાં પીઆઇ એન.આઇ. રાઠોડે જણાવ્‍યું હતું.

(3:32 pm IST)