Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ચેક રિટર્ન કેસ : સમન્‍સ બાદ ફર્નિચરના ધંધાર્થીએ રકમ ભરી દીધી

રાજકોટ તા. ૨૮ : કામગીરી નહીં કરવાને કારણે લીધેલી એડવાન્‍સ રકમ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતના પ્રથમ સમન્‍સથી હાજર થઇ ફર્નિચર ધંધાર્થીએ તમામ રકમ ભરપાઈ કરી દીધી હતી.

આ અંગેની હકીકત મુજબ,  શિવાજ્ઞા ટ્રેડલિંકનાં માલિક દિવ્‍યરાજસિંહ નરેન્‍દ્રસિંહ વાઘેલાએ તેની ઓફીસના ફર્નિચર કામ માટે એ.એમ. ગ્‍લાસનાં માલિક અલીઅસગર અબ્‍બાસઅલી ત્રિવેદીને  એડવાન્‍સ રકમ આપી હતી. પરંતુ અલીઅસગર ત્રિવેદીએ ઓફિસનું ફર્નિચર કામ કરી આપેલ નહિ, અને એડવાન્‍સ રકમ પરત  ચુકવવા તેના પોતાના નામવાળો ચેક આપી જણાવેલ કે આ ચેક વટાવી તમને તમારી રકમ મળી જશે. પરંતુ વેપારીએ તે ચેક તેના બેંકમાં વટાવવા રજુ કરતા આરોપીએ આપેલ ચેક ફંડ્‍સ ઇન્‍સફિસિયન્‍ટનાં શેરા સાથે પરત ફર્યો હતો. તેથી વેપારી દિવ્‍યરાજસિંહ વાઘેલાએ તેના વકીલ મારફત આરોપીને નેગો. ઇસ્‍ટ્રુ. એક્‍ટ હેઠળ નોટિસ પાઠવી અને ત્‍યારબાદ  નેગો. ઇસ્‍ટ્રુ. એક્‍ટ હેઠળ આરોપી અલીઅસગર અબ્‍બાસઅલી ત્રિવેદી વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં કેસ કરેલ. જે અંગે કોર્ટે આરોપીને નોટીસ કાઢેલ તે નોટીસ આરોપીને બજતા આરોપીએ કોર્ટ સમક્ષ હાજર થઇ ફરિયાદીની લેણી તથા ચેક મુજબની રકમ કોર્ટમાં જમા કરાવી દીધી હતી.

આ કામમાં ફરિયાદી પેઢી તરફે બુદ્ધદેવ એસોસિએટ્‍સના સિનિયર એડવોકેટ નરેન્‍દ્ર ડી. બુધ્‍ધદેવ, ડોલી બુધ્‍ધદેવ વિષ્‍ણુ બુધ્‍ધદેવ, મદદનીશ  શ્રેયા બુધ્‍ધદેવ રોકાયા હતા.

(5:04 pm IST)