Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રૃપાલાના વિવાદાસ્પદ નિવેદન અંગે ચૂંટણી પંચ દ્વારા તપાસનો ધમધમાટ

ડે. મ્યુ. કમિશનર તપાસનો અહેવાલ કલેકટરને આપશે

રાજકોટ તા. ર૮: કેન્દ્રીય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૃપાલાએ ક્ષત્રીય સમાજ વિષે કરેલા વિધાનથી વિવાદ જાગ્યો છે. તેમણે પોતાના નિવેદન બદલ જાહેર માફી માંગી લીધી છે પણ ચૂંટણી પંચમાં ફરીયાદ થતા ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આચાર સંહિતાના નોડલ ઓફીસર ડે. મ્યુ. કમિશનર સ્વપ્નનીલ ખરેને તપાસ સોંપી છે. તેમણે તપાસ શરૃ કરી દીધી છે. જરૃર પડયે આ બાબતે શ્રી રૃપાલાનું નિવેદન પણ લેવામાં આવશે. તપાસના અહેવાલના આધારે આગળની કાર્યવાહીનો નિર્ણય થશે.

રાજકોટના કોઇ નાગરીકે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૃપાલા સામે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ આ મામલે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને એક ઇ-મેઇલથી તપાસ કરવાની સુચના આપી છે. આ મામલાની તપાસ કરવા માટે બનાવવામાં આવેલ મોડલ કોડ ઓફ કન્ડકટ (આચારસંહિતા ભંગ) ની કમીટીને સોંપવામાં આવી છે. આ કમીટીના નોડલ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના ડે. કમિશનર તપાસ કરી જિલ્લા કલેકટરને અહેવાલ આપશે.

ડે. મ્યુ. કમિશનર સ્વપ્નનીલ ખરેએ જણાવેલ કે ફરીયાદની તપાસ શરૃ કરી દેવામાં આવી છે. ટુંક સમયમાં તપાસનો અહેવાલ કલેકટરને સુપ્રત કરવામાં આવશે.

(3:00 pm IST)