Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

અમીન માર્ગ પર વેપારી જીતેન્દ્રભાઈ દુધાત્રાની આંખમાં મરચાની ભૂકી છાંટી બે લાખની રોકડ સાથેના એક્ટિવાની લૂંટ: બે લૂંટારા વોકહાર્ટ હોસ્પિટલ તરફ ભાગ્યા વેપારીએ ઉભા થઇ પીછો કર્યો પણ લૂંટારૂ ભાગી ગયા: માલવીયાનગર પોલીસે તપાસ આદરી

રાજકોટ : શહેરમાં રાત્રે અમીન માર્ગ ન્યુ સર્વોદય સોસાયટીમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી બે લાખની રોકડ સાથેના એક્ટિવાની લૂંટ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી.  મળતી માહિતી મુજબ અમીન માર્ગ નજીક ન્યુ સુર્યોદય સોસાયટીમાં રહેતા અને લાખાજીરાજ રોડ પર રણછોડરાયજી કટલેરી નામે દુકાન ધરાવી કટલેરીનો હોલસેલનો વેપાર કરતા જીતેન્દ્રભાઈ રણછોડભાઈ દુધાત્રા (ઉં.વ.૪૫) દુકાનેથી વેપારના આશરે બે લાખ એક બેગમાં નાખી બેગ તેના એક્ટિવાની ડેકીમાં નાખી ઘરે જવા રવાના થયા હતા. તે તેના ઘર નજીક ન્યુ સૂર્યોદય સોસાયટી મેઈન રોડ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા ઉપર ઉભેલા બે અજાણ્યા લૂંટારૂઓએ તેને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી દેતા તે એક્ટિવા પરથી નીચે પડી ગયા હતા.

આ સમયે તે કાંઈ સમજે તે પહેલા બંને તેનું એક્ટિવા કે જેમાં વેપારનાબે લાખ રોકડ હતી તે લઈ ફરાર થઈ ગયા હતા. 

બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસના પી.આઈ. આઇ. એન.સાવલીયા ઉપરાંત ક્રાઈમ બ્રાંચ અને પોલીસ અધિકા૨ીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં જીતેન્દ્રભાઈની પુછપરછ કર્યા બાદ પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું. 

આ બનાવમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે  રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ હું મારી દકાનેથી વેપારનો હિસાબના રોકડા રૂપીયા આશરે ૨,૦૦,૦૦૦ જેટલા હતા જે રૂપીયા થેલામાં મુકી અને તે થેલાને મારા સિલ્વર કલરના એક્ટિવા GJ-03-KB-41457ની ડેકીમાં મુકી  ઘરે જવા નીકળેલ. તે વખતે આશરે પોણા દશેક વાગ્યાની આસપાસ અમીનમાર્ગ ઉપરથી ન્યુ સર્વોદય સોસાયટી તરફના રોડે વળાકે લઇ થોડે આગળ વિવેક મકાન સામે પહોંચતા રોડ ઉપર અજાણ્યા બે વ્યક્તિઓ ઉભેલ હતા તે મારા એકિટવાની આડા ઉભી રહી ગયેલ અને મારૂ એક્ટિવા રોકાવેલ અને મે એક્ટીવા ઉભું રાખતા તેમાથી એક વ્યક્તિએ મારા આંખમાં મરચાની ભૂકી છાટેલ જેથી મારી આંખ મળવા લાગેલ અને હું એક્ટિવા પરથી પડી ગયેલ. તે દરમ્યાન આ બંને અજાણ્યા વ્યક્તિઓ મારૂ એક્ટિવા લઇને વોકહાર્ટ હોસ્પિટલ કાલાવાડ રોડ તરફ ભાગી ગયેલ અને મે તેમની પાછળ દોડી તેમને પકડવા પ્રયાસ કર્યો હતો. પણ તે ભાગી ગયા હતાં. હેડકોન્સ. આર.એલ.વાઘેલાએ ગુનો દાખલ કરાવતા વિશેષ તપાસ શરૂ થઈ છે.

 

(10:36 am IST)