Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

રાજકોટની વિદેશી વ્‍યાપાર કચેરીમાં ૫ લાખની લાંચમાં ઝડપાયેલા અધિકારીની ચોથા માળેથી મોતની છલાંગ

ગિરનાર સિનેમા પાસે આવેલી કચેરીના એડીજી જાવરીમલ બિસ્‍નોઇને ગત સાંજે જ સીબીઆઇએ લાંચમાં પકડયા બાદ આજે સવારે પણ કચેરીમાં કાર્યવાહી ચાલુ હતી તે વખતે જ ઠેંકડો માર્યોઃ હોસ્‍પિટલમાં મૃત્‍યુ : રૈયા ચોકડી પાસે રહેણાંક ખાતેના સર્ચ વખતે પણ મોટી રકમ મળ્‍યાની ચર્ચાઃ ઘટનાને પગલે શહેરભરમાં ચકચાર સાથે પરિવારજનો, સાથી અધિકારીઓ, કર્મચારીઓમાં શોક

આજે બનેલી દુઃખદ ઘટનામાં એડિશનલ ડાયરેક્‍ટર જનરલ ફોરેન ટ્રેડ જવારીમલ બિશ્નોઇએ તેમની સામે સીબીઆઇએ કરેલી લાંચની કાર્યવાહી દરમિયાન ગિરનાર ટોકીઝ પાસે આવેલી તેમની કચરેીના ચોથા માળેથી જ ઝંપલાવી આત્‍મહત્‍યા કરી લેતાં સીબીઆઇના અધિકારીઓના હોંશકોશ ઉડી ગયા હતાં. તસ્‍વીરમાં ગિરનાર ટોકિઝ નજીક આવેલું જસાણી બિલ્‍ડીંગ નજરે પડે છે જેના ચોથા માળેથી સાઇડની લોબીમાં બિશ્નોઇએ ઝંપલાવી આત્‍મહત્‍યા કરી હતી તે જગ્‍યા અને લોહીનું ખાબોચીયું જોઇ શકાય છે. બનાવની જાણ થતાં દોડી આવેલા બિશ્નોઇના પરિવારજનોએ અત્‍યંત શોક અને ઉશ્‍કેરાટના માહોલમાં સીબીઆઇ ટૂકડી પર હુમલો કરવાની કોશિષ કરતાં દોડધામ મચી ગઇ હતી તે જોઇ શકાય છે.  અન્‍ય તસ્‍વીરમાં અધિકારીનો નિષ્‍પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો તથા હોસ્‍પિટલ ખાતેની તસ્‍વીરો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરની ગીરનાર સિનેમા નજીક આવેલી ડાયરેક્‍ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ગઇકાલે સીબીઆઇએ બપોર બાદ લાંચ માંગવાના મુદ્દે અત્‍યંત ગુપ્‍ત રાહે આદરેલી કાર્યવાહી દરમિયાન કચેરીના એડિશનલ ડાયરેક્‍ટર જનરલ ફોરેન ટ્રેડ (વિદેશ વ્‍યાપાર)ના અધિકારી જાવરીમલ એમ. બિશ્નોઇને ફરિયાદી વેપારી પાસેથી રૂા. પાંચ લાખની લાંચ સ્‍વીકારવાના મામલે રંગેહાથ ઝડપી લીધા હતાં. આ બારામાં મોડી સાંજે સીબીઆઇ દ્વારા ઓફિશિયલ પ્રેસનોટ રિલીઝ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે સીબીઆઇ કસ્‍ટડીમાં રહેલા કરપ્‍શનના આરોપી એવા આ અધિકારી બિશ્નોઇ સાથે તેમની ઓફિસમાં જ ચોથા માળે કાર્યવાહી ચાલી રહી હતી ત્‍યારે તક જોઇ બિશ્નોઇએ ચોથા માળેથી ઝંપલાવી દેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યાનું જાહેર થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

દરમિયાન આ દુઃખદ ઘટનાના સમાચાર બિશ્નોઇના પરિવારને મળતાં ભારે ઉશ્‍કેરાટ સાથે તેમણે ટ્રેપિંગ ટુકડી સાથે ઝપાઝપી કરી હતી. સીબીઆઇની ટૂકડી ઉપર પરિવાર દ્વારા ખોટી કાર્યવાહીના આક્ષેપો પણ કરવામાં આવ્‍યા હતાં. ભારે ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.

દરોડોની વિગતો આ મુજબ છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટીગેશન (સીબીઆઈ) દ્વારા રાજકોટમાં આવેલી ડાયેક્‍ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ટ્રેપ ગોઠવીને જોઇન્‍ટ ડાયરેક્‍ટર જનરલ જાવરી બિતાોઇને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્‍યા છે. ફરિયાદીએ ફુડ કેન્‍સને વિદેશમાં એક્‍સપોર્ટ કરવા માટે વિવિધ ફાઇલ સબમીટ કરીને એનઓસીની માંગણી કરી હતી. જેથી ૫૦ લાખની બેંક ગૅરટી મેળવી શકે. જો કે આ એનઓસીના બદલામાં નવ લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ હપતાની પાંચ લાખની રકમ લેતા જાવરી બિશ્નોઇને ઝડપી લેવાતાં કચેરીમાં ચકચાર મચી ગઇ હતી.

ગિરનાર સિનેમાની બાજુમાં આવેલી જસાણી બિલ્‍ડીંગના ચોથા માળે જોઇન્‍ટ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફોરેન ટ્રેડ અંગેની કામગીરી કરવામાં આવે છે. રાજકોટમાં રહેતા અને ફુડ કેન્‍સ તૈયાર કરવાનો વ્‍યવસાય કરતા એક વેપારીએ ફુડ કેન્‍સની વિદેશમાં નિકાસ કરવા માટે જરૂરી દસ્‍તાવેજો સાથેની છ ફાઇલ સબમીટ કરી હતી, જેમાં જોઇન્‍ટ ડાયરેક્‍ટર જનરલ જાવ૨ી બિતાોઇ દ્વારા એનઓસી મળે તો તેમને વેપાર માટે બેંકની ૫૦ લાખની બેંક ગૈરટી મળી શકે તેમ હતી. પરંતુ, જાવરી બિતાોઇએ એનઓસી પર સહી કરવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા નવ લાખની માંગણી કરી હતી. જેમાં પાંચ લાખનો પ્રથમ હપ્‍તોં શુક્રવારે આપવાનું નક્કી કરાયું હતું.

જેના આધારે ફરિયાદીએ સીબીઆઇમાં આ અંગે જાણ કરી હતી. જેના આધારે જોઇન્‍ટ ડાયરેક્‍ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્‍યું હતું અને જાવરી બિશ્નોઇને પાચ લાખની રોકડ લેતા રંગે હાથે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેમના રૈયા રોડ પર આવેલા નિવાસ સ્‍થાને પણ સીબીઆઇની ટીમે સર્ચ કરી મોટી રકમ શોધી કાઢયાની ચર્ચા છે. તો મુળ રાજસ્‍થાનના આ અધિકારીના વતનના નિવાસે પણ એક ટુકડી તપાસાર્થે પહોંચી હોવાનું કહેવાતું હતું. સવારે તપાસ ચાલુ હતી ત્‍યારે જ અધિકારીએ મોતની છલાંગ લગાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

 

(11:38 am IST)