Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સાધુના વેશમાં વિધીના નામે મહિલાને છેતરી ૬.૬૭ લાખના દાગીના ઉસેડી જનાર ગઠીયાને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો

મવડીના રામનગરના હેતલબેન લાઠીયાને અઠવાડીયા પહેલા છેતરી લીધા'તા : મુળ લોધીકા હરિપરના વીહા પરમારને મોટા મવા પુલ પાસેથી પકડી દાગીના, રોકડ, વાહન મળી રૂ. ૬.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : સિધ્ધરાજસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમિતભાઇ અગ્રાવતની બાતમીઃ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૫:  સાધુનો વેશ ધારણ કરી મવડીના રામનગરમાં એકલા ઘરે રહેલા મહિલાના ઘરે જઇ પાણી પીવા માંગી બાદમાં તેણીને 'તું બિમાર છે, શારીરિક રીતે પીડાઇ રહી છે' તેવી વાતો કરી પાણીના ગ્લાસમાં સાકર ભેળવીને પ્રસાદીના નામે પીવડાવ્યા બાદ આ મહિલાને તકલીફો દૂર કરવા વિધી કરવી પડશે તેમ કહી છેતરીને સોના ચાંદીના દાગીના લઇ ભાગી ગયેલા ગઠીયાને ક્રાઇમ બ્રાંચે મોટા મવા પુલ પાસેથી રૂ.૬,૫૭,૫૦૦ના સોના ચાંદીના દાગીના, રૂ. ૪૦૦ રોકડા અને ૩૦ હજારના બાઇક સાથે પકડી લીધો છે. આ ઠગનું નામ વીહા બેચર પરમાર (દેવીપૂજક) (ઉ.વ.૪૭) છે અને તે મુળ લોધીકાના હરિપર પાળનો વતની છે. તેમજ હાલમાં પોપટપરા ૫૩ કવાર્ટર પાછળ વિવેકાનંદ નગર-૫માં રહે છે.

વિગત એવી છે કે મવડી ગામ બાપા સિતારામ ચોક નજીક રામનગર-૧માં રહેતાં હેતલબેન નિલેષભાઇ લાઠીયા તા. ૧૮/૮ના ઘરે એકલા હતાં ત્યારે એક સાધુ આવ્યો હતો અને પીવાનું પાણી માંગતા હેતલબેને એક ગ્લાસ પાણી આપ્યું હતું. એ પછી તેણે બીજો ગ્લાસ માંગ્યો હતો અને તક જોઇ પાણીમાં સાકર ભેળવી હેતલબેનને 'આ પ્રસાદી છે પી લે તો તારી બિમારી, શારીરિક પીડાઓ દૂર થઇ જશે' તેવી વાતો કરી હતી. હેતલબેને પાણી જોતાં તેમાં સાકર હોઇ શ્વાદ અલગ લાગતાં પોતાના જ ઘરનું પાણી અલગ શ્વાદનું કઇ રીતે થઇ ગયું? એમ વિચારતાં હતાં ત્યાં જ એ સાધુએ તકલીફો દૂર કરવા તારા ઘરમાં સોના ચાંદીના દાગીના પડ્યા હોય તો તેની વિધી કરવી પડે તેમ કહ્યું હતું.

સાધુની વાતમાં આવી ગયેલા હેતલબેને ઘરમાંથી દાગીનાની થેલી કાઢીને આપી દીધી હતી. એ પછી સાધુએ 'હવે મારે ચા પીવી છે' તેમ કહેતાં હેતલબેન ચા બનાવવા ગયા ત્યાં સુધીમાં એ સાધુ દાગીના સાથે ભાગી ગયો હતો. તાલુકા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. સાધુ વેશે ફરતો આ ગઠીયો મોટા મવા પુલ પાસે આવ્યાની પાક્કી બાતમી ડીસીબીના સિધ્ધરાજસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમિતભાઇ અગ્રાવતને મળતાં તેને પકડી લઇ રૂ. ૬,૬૭,૫૦૦ના સોના ચાંદીના દાગીના તેની પાસેથી કબ્જે કર્યા છે. જે તે હેતલબેનને છેતરીને લઇ ગયો હતો.

તેણે આવા બીજા કોઇ ગુના આચર્યા છે કે કેમ? તે અંગે વધુ તપાસ તાલુકા પોલીસ કરશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

  • સાધુ-ભીક્ષુકના વેશે આવતાં શકમંદો પાસેથી પ્રસાદ લેવો નહિ
  • વિધીના નામે ઘરમાંથી સોનાના દાગીના આપવા નહિઃ કોઇ છેતરાયા હોય તો પોલીસનો સંપર્ક કરો

.પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે આવા કોઇ સાધુ,ભીક્ષુક,માંગણના વેશમાં આવી કોઇપણ પ્રસાદના નામે ખાદ્ય પદાર્થ, કે કોઇ પ્રવાહી આપે તો પીવુ નહી અને કોઇપણ બહાને કિંમતી ઘરેણા કે રોકડ રકમની માંગણી કરેતો આપવા નહી તેમજ કોઇપણ જાતની શંકાસ્પદ પ્રવૃતી જણાય તો તુરત જ પોલીસને જાણ કરવી. આ પ્રકારે અન્ય કોઇ છેતરાયું હોય તો  નજીકના પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો.

(3:53 pm IST)