Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

કાલથી જન્માષ્ટમી પર્વનો પ્રારંભઃ સોમવારે કૃષ્ણ જન્મોત્સવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાશે

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા થનગનાટ છવાયો છે. કાલે બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થશે અને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

તા. ૨૬ના બોળચોથ, તા. ૨૭ના નાગપાંચમ, તા. ૨૮ના રાંધણ છઠ્ઠ, તા. ૨૯ના શીતળા સાતમ અને તા. ૩૦ના જન્માષ્ટમી પર્વ ઉજવાશે.

કોરોના ગાઈડલાઈન મુજબ તહેવારો ઉજવવામાં આવશે અને ભીડ ન થાય તેનુ ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવશે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ ગુજરાતમાં આગામી જન્માષ્ટમી તથા ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ જન્માષ્ટમીના એક વાગ્યા સુધી છૂટ તથા ગણેશ ઉત્સવ માટે પણ પરવાનગી આપવામાં આવતા દ્વારકા જિલ્લામાં આનંદ સાથે આવકારની લાગણી ફેલાય છે. દ્વારકા જિલ્લો એકાદ મહિનાથી કોરોના મુકત થઈ ગયો છે તથા લાંબા સમયથી એકટીવ કેસ પણ નથી ત્યારે આ છૂટછાટ તો નિયમોના પાલન સાથે ઉપયોગની અપીલ પણ નાગરીકો દ્વારા કરવામાં આવી છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ 'શિસ્ત, સેવા અને પ્રગતિના' સૂત્ર સાથે કાર્યરત અને જૂનાગઢમા જન્માષ્ટમીના પાવન તહેવાર નિમિતે શહેર સુશોભનમાં દર વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ સાતમ આઠમ (જન્માષ્ટમી)ના તહેવાર નિમિતે ગંધ્રપવાડા હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી દર્શાવતા ભવ્ય ફલોટ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે જેને લઈ હાટકેશ્વર યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

(11:45 am IST)