Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પુનિતનગર વૃંદાવનનગર-૧૫માં ધર્મેન્‍દ્રસિંહ ઝાલાના દેશી દારૂના ‘મીની બાર' પર દરોડોઃ ૧૬ ઝડપાયા

દેશીમાં કોલ્‍ડ્રીંક્‍સ ભેળવી ઢીંચતા હતાં: પાંચ લિટર દારૂ પણ કબ્‍જેઃ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કારેણા, અલ્‍પાબેન સાંગાણી, જયદિપભાઇ દેવમુરારી અને ઇલેશભાઇ પરમારનો દરોડો

રાજકોટ તા. ૨૫: શહેરના થોરાળા વિસ્‍તારમાં અગાઉ બે વખત પોલીસે દેશી દારૂના મીનીબાર પકડી લઇ નશાખોરોની અને બાર ચલાવનારાઓની ધરપકડ કરી હતી. દરમિયાન તાલુકા પોલીસે બાતમી પરથી ૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાસે વૃંદાવનનગર-૧૫માં રહેતાં શખ્‍સના ઘરમાં દરોડો પાડી દેશી દારૂનો બાર ચલાવતાં પકડી લઇ રૂા. ૧૦૦નો પાંચ લિટર દારૂ કબ્‍જે કરી ૧૭ શખ્‍સોને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા હતાં.

તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ કે. એચ. કારેણા, એએસઆઇ અલ્‍પાબેન કે. સાંગાણી, કોન્‍સ. ઇલેશભાઇ પરમાર અને કોન્‍સ. જયદિપભાઇ દેવમુરારીને બાતમી મળી હતી કે પુનિતનગર-૧૫માં રહેતાં ધર્મેન્‍દ્રસિંહ મહિપતસિંહ ઝાલાના મકાનમાં અમુક શખ્‍સો દેશી દારૂની મહેફીલ માણી રહ્યા છે. આ માહિતીને આધારે સાંજે છએક વાગ્‍યે દરોડો પાડવામાં આવતાં લોખંડનો દરવાજો અધખુલ્લો હોઇ અંદર જઇ મકાન માલિકનું નામ પુછતાં ધર્મેન્‍દ્રસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.વ.૪૫) જણાવ્‍યું હતું. અંદર બીજા શખ્‍સો કુંડાળુ વળીને બેઠા હોઇ અને ગ્‍લાસમાં દેશી દારૂ જેવીુ પ્રવાહી હોઇ મોઢા સુંઘાતા ૧૬ શખ્‍સોના મોઢામાંથી ખાટી વાસ આવતી હોઇ દારૂ પીવાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ શખ્‍સો ગ્‍લાસમાં દેશી દારૂ સાથે કોલ્‍ડ્રીંક્‍સ ભેળવી પીતા હતાં. નમકીનના પડીકા પણ પોલીસને મળ્‍યા હતાં. પોલીસે ૧૬ શખ્‍સોને નશો કરેલા પકડયા હતાં. તેમાં વિક્રમ બટુકભાઇ પરમાર (ઉ.૫૧-રહે. લાભદીપ સોસાયટી-૧૨, મવડી ચોકડી), અરવિંદ જીવણભાઇ ચાંડપા (ઉ.૩૮-રહે. પાળ તા. લોધીકા), લાલુભા રાજેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.૩૯-રહે. પુનિતનગર-૯ પાણીના ટાંકા પાસે), રાજુ કાળુભાઇ ડાકી (ઉ.૩૫-રહે. પુનિતનગર મેઇન રોડ), જયસુખ માયાભાઇ રાઠોડ (ઉ.૫૧-રહે. ગોૈતમબુધ્‍ધનગર-૧ વાવડી), અતુલ બાબુભાઇ ભટ્ટી(ઉ.૪૧-રહે. જુનુ ગણેશ નગર-૬ કોઠારીયા રોડ), ભાવેશ નાગજીભાઇ કોરાટ (ઉ.૪૩-રહે. વાવડી પ્રાથમિક શાળા સામે), નવીન કિશોરભાઇ રાઠોડ (ઉ.૪૫-રહે. ગોૈતમબુધ્‍ધનગર-૪), શૈલેષ ભીખાભાઇ મકવાણા (ઉ.૪૩-રહે.પાળ ગામ), કાંતિલાલ મંગાભાઇ ચોૈહાણ (ઉ.૩૬-રહે. ચામુંડાનગર-૪), જયેશ જયશંકર પંડિત (ઉ.૪૮-રહે. ઉદયનગર-૧, શેરી-૨૩), કિરીટ પુનાભાઇ રાઠોડ (ઉ.૪૨-રહે. ગોૈતમબુધ્‍ધનગર-૫), કરીમ બાવદીનભાઇ સમા (ઉ.૪૬-રહે. જંગલેશ્વર-૩૩), હેમાંગ હરેશભાઇ દવે (ઉ.૪૯-રહે. જુની પપૈયાવાડી-૨ ગુરૂપ્રસાદ ચોક), લક્કીરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.૨૮-રહે. વિશ્વકર્મા સોસાયટી પાસે), રવિ વિનોદભાઇ વડાલીયા (ઉ.૩૪-રહે. સત્‍યમ હિલ્‍સ બ્‍લોક નં. ૧૦૦૧ મટુકી પાસે) જણાવ્‍યા હતાં. ઘરધણી સામે રૂા. ૧૦૦નો પાંચ લિટર દારૂનો અને બાકીના ૧૬ વિરૂધ્‍ધ મહેફીલ માણવાનો ગુનો નોંધાયો હતો.

 પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણા, અલ્‍પાબેન સાંગાણી સહિતે આ કાગમીરી કરી હતી. કેટલા સમયથી આ દેશીની મહેફીલ મંડાતી હતી? તે સહિતના મુદ્દે વધુ તપાસ થઇ રહી છે.

(4:32 pm IST)