Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ઇલેકશન મીટ વિથ ગ્રીટ : કલેકટર દ્વારા હેઝટેગ અને રીલ મેકિંગ સ્‍પર્ધાના વિજેતાઓનું સન્‍માન

રાજકોટ : આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભાની સીટો પર મતદાન થવા જઈ રહ્યું છે. ત્‍યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મહાદાન'ના મહામંત્રને સિદ્ધ કરવાના પ્રયત્‍નો કરાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે યુવા મતદારોને મતદાન માટે આકર્ષવાના હેતુસર નવતર અભિગમરૂપેઆયોજિત હેઝટેગ મેકિંગ સ્‍પર્ધા અને રીલ મેકિંગ સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું. જે અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીની અધ્‍યક્ષતામાં ઇલેકશન મીટ વિથ ગ્રીટ' પ્રોગ્રામ યોજાયો હતો.

કલેક્‍ટર પ્રભવ જોષીએ સાત સંદેશાઓ આપ્‍યા હતા, જેમાં મતદાનના દિવસે બાર અલગ અલગ દસ્‍તાવેજો લઈ જવાશે. તેમજ તા.૨૫ એપ્રિલથી હોમ વોટિંગ એટલે કે પોસ્‍ટલ બેલેટથી મતદાન શરૂ કરવામાં આવશે. તેમજ મહિલા,યુવા અને દિવ્‍યાંગ કર્મયોગી દ્વારા બુથ સંચાલન કરવામાં આવશે. અને બુથ  પર વિવિધ થીમનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં કલેક્‍ટરશ્રીએ સોશિયલ મીડિયા ઇન્‍ફલુએન્‍ઝર્સની સાથે વધુને વધુ મતદાન થઈ શકે તે માટેના સૂચનો આવકાર્યા હતા.અને પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાતાઓ મતદાન કરીને સોશિયલ મીડિયા પર પોતાને મળેલા અનુભવો લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

રાજકોટ સંસદીય મત વિસ્‍તારમાં ચૂંટણી મતદાન જાગૃતિ અર્થે સ્‍વીપ પ્રોગ્રામ અને સોશિયલ મીડિયા કેમ્‍પેઇન અંતર્ગત આયોજિત આ સ્‍પર્ધાઓમાં કુલ ૧૦૭ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. હેઝટેગ મેકિંગ સ્‍પર્ધામાં ૮૨ સ્‍પર્ધકોમાંથી ૩ તેમજ રીલ મેકિંગ સ્‍પર્ધામાં કુલ ૨૫ સ્‍પર્ધકોમાંથી ૩ અને ૧ પ્રોત્‍સાહક ઇનામ મળી કુલ ૭ સ્‍પર્ધકોને મોમેન્‍ટો અને સર્ટિફીકેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતાં. વિજેતાઓમાં યુવા પ્રતિભાઓશ્રી રિધ્‍ધિબેન ત્રિવેદી, આર.જે. હીરવા, કપલ શિવાની શુક્‍લા અને જય શુક્‍લા, છ.શા. વિરાણી મૂક અને બધિર શાળાના દિવ્‍યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં દસ મિનિટ દેશ માટે, દસ મિનિટ લોકશાહી માટે' ટંગ ટવીસ્‍ટર ગેમ અને ઈલેકશનની મીની ક્‍વિઝ રમાડવામાં આવી હતી. આ તકે દિવ્‍યાંગ બાળકો દ્વારા વોટિંગ અવેરનેસ ફલેગથી મહાનુભાવોનું સ્‍વાગત કરાયું હતું.  મીડીયા કમિટીના મોડલ ઓફિસરશ્રી સોનલ બેન જોષીપુરા સહિતના અધિકારીઓએ નિર્ણાયકો તરીકે  સેવાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન આઇ.સી.ટી. ઓફિસરશ્રી નમ્રતાબેન નથવાણી અને આર.જે. હીરવાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં સ્‍વીપના નોડલ ઓફિસર જીજ્ઞાસા ગઢવી, સોશિયલ મીડિયા કમિટીના નોડલ ઓફિસરશ્રી મનોજ વર્મા, જિલ્લા  વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્‍હાણે, ડિસ્‍ટ્રિક્‍ટ ઈન્‍ફોમેટીકસ ઓફિસરશ્રી પલ્લવ કેંડુરકર, નાયબ મામલતદાર શ્રી પ્રીતિ વ્‍યાસ, રેડિયો એફ.એમ.૮૯.૬ સ્‍ટેશનના ડિરેક્‍ટરશ્રી સંજય મહેતા તથા સોશિયલ મીડિયાના ઈન્‍ફલુએન્‍સર્સ ઉપસ્‍થિત રહ્યાં હતાં

(2:37 pm IST)