Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

એમપીની ‘ભુતિયાગેંગ'નો તસ્‍કર ઝડપાયોઃ સંજય વાટીકાની ૧૩.૨૫ લાખની ચોરી સહિત ૭ ભેદ ખુલ્‍યા

રાજકોટ સહિત રાજ્‍યભરમાં ખેત મજૂરના સ્‍વાંગમાં રહી સીસીટીવી ન હોય તેવા રહેણાંકની રેકી કરતાં, રાતે ત્રાટકતાં અને ચોરી કરી જ્‍યાં ખેતરમાં રહેતાં હોય ત્‍યાં જતાં રહેતાં: મોટી મત્તા મળે તો સાગ્રીતો વતન ભાગી જતાં :ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા, યુનિવર્સિટી પીએસઆઇ બી. આર. ભરવાડ, રાહુલભાઇ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા, જેન્‍તીગીરી, રઘુવીરસિંહ વાળા, દિવ્‍યરાજસિંહ ઝાલાની ટીમને સફળતા :રામુ પકડાતાં બીજા ત્રણ સાગ્રીતો રાજુ, મહેન્‍દ્ર, મડીયાના નામ ખુલ્‍યા

રાજકોટ તા. ૨૫: શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૭ ધરફોડ ચોરી કરનારા મધ્‍યપ્રદેશની કુખ્‍યાત ભુતીયા ગેંગના તસ્‍કરને ડીસીપી સુધીરકુમાર દેસાઇની એલસીબી ઝોન-૨ ટીમે દબોચી લીધો છે. આ શખ્‍સ ગુજરાતના  અલગ અલગ ગામોમાં ખેત મજૂરના સ્‍વાંગમાં રહેતો હતો અને રાજકોટ તથા આસપાસના ગામોમાં શહેરની બારોબાર રહેણાંક વિસ્‍તારોની રેકી કરી વતનમાંથી બીજા સાગ્રીતોને બોલાવી રાત્રીના સમયે ચોરીઓ કરતો હતો. મોટે ભાગે જ્‍યાં સીસીટીવી કેમેરા ન હોય તેવા વિસ્‍તારોમાં જ અલગ પહોંચી ચોરી કરી પોતે જ્‍યાં ખેત મજૂરી કરતાં હોય ત્‍યાં જતાં રહેતાં હતાં. આ ગેંગનો એક શખ્‍સ પકડાઇ ગયો છે અને બીજા ત્રણના નામ ખુલ્‍યા છે. ૧૪ દિવસ પહેલા સંજય વાટીકામાં શિતલબેન મનોજભાઇ સાણેથરાના બંધ મકાનમાં થયેલી ૧૩.૨૫ લાખની ચોરીનો ભેદ પણ ખુલી ગયો છે.

શહેરમાં નાગરિકોના જાનમાલની સુરક્ષા જળવાઇ રહે તેવી કામગીરી કરવા સુચના મળી હોઇ એલસીબી ઝોન-૨ ટીમ કાર્યરત હતી ત્‍યારે હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જયપાલસિંહ સરવૈયા અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામીને મળેલી બાતમી પરથી કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોળા નજીકથી રામસીંગ ઉર્ફ રામુ કાલુસીંગ અજનાર (ઉ.વ.૨૭-રહે. ખારાવડ વાડી વિસ્‍તાર ધુતારપર તા. કાલાવડ, મુળ રાતમાલીયા તા. જોબટ જી. અલીરાજપુર મધ્‍યપ્રદેશ)ને દબોચી લીધો હતો. આ શખ્‍સ એમપીની કુખ્‍યાત ભુતીયાગેંગનો તસ્‍કર હોવાની પાક્કી માહિતી હોઇ તેના આધારે તલાસી સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં તેણે રાજકોટ શહેર, જામનગર, મેટોડા, કોઠારીયામાં સાત સ્‍થળે ચોરીઓ કરી હોવાની અને પોતાની સાથે આ ગુનાઓમાં એમપી કદાવલના રાજુ કેકડીયાભાઇ બધેલ, ટાંડા ભુતીયાના મહેન્‍દ્ર કુવરસિંહ મેડા અને ધારના જામકા ગામના મડીયો લેપાભાઇ મેડા પણ સામેલ હોવાનું કબુલ્‍યું હતું.

પોલીસે રામુ પાસેથી રૂપિયા ૫૦૦ના દરની ૫૦ હજારની ૧૦૦ નોટો, ચાંદીનો જુડો રૂા. ૧૬૫૦૦નો, ચાંદીની બે વીંટી રૂા. ૧૪૦૦ની અને એક મોબાઇલ ફોન મળી રૂા. ૬૮૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. રામુ અને સાગ્રીતોએ ૧૪ દિવસ પહેલા સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સંજય વાટીકામાં શિતલબેન મનોજભાઇ સાણેથરાના મકાનમાં ૧૩ લાખ ૨૫ હજારની ચોરી કરી હતી. શિતલબેન અને પરિવારજનો દિકરાની સગાઇ કરવા એક દિવસ માટે પોરબંદર ગયા ત્‍યારે રેઢા મકાનમાં હાથફેરો થયો હતો.

આ ઉપરાંત દોઢ મહિના પહેલા ૧૫૦ રીંગ રોડ સોમેશ્વર મંદિર પાછળ પ્રશાંત એપાર્ટમેન્‍ટના સાતમા માળે ફલેટમાંથી રોકડ-દાગીના-લેપટોપની ચોરી, એક વર્ષ પહેલા જામનગરના સમાણા ગામે બજારમાં સોનીની દૂકાનમાંથી ચોરી, મેટોડા જીઆઇડીસીમાં રહેણાંક મકાનમાં દાગીના-રોકડની ચોરી, દોઢ વર્ષ પહેલા કોઠારીયાની સોસાયટીમાં સોનની દુકાનમાં ચોરી, માધાપર ચોકડીએ નવા બાંધકામની સાઇટ પર ઓફિસમાં ચોરીનો પ્રયાસ અને પાંચ મહિના પહેલા કાલાવડ રોડ એમટીવી સામે સોસાયટીમાં ખુણાના માકાનમાં તાળા તોડી ચોરી કર્યાની કબુલાત આપી છે.

ઝડપાયેલો રામસીંગ ઉર્ફ રામુ અને તેના સાગ્રીતો દસેક વર્ષથી ગુજરાતભરમાં અલગ અલગ ગામો શહેરોમાં રહી ખેત મજૂરી કરે છે. બાદમાં શહેરની બારોબારના અને સીસીટીવી કેમેરા ન હોય તેવા વિસ્‍તારોના મકાનોની રેકી કરી સાંજ પડયે જે તે રહેણાંક નજીક સંતાઇ જઇ રાત પડયે ચોરી કરી પોતે જે ખેતરમાં મજૂરી કરતાં હોય ત્‍યાં જતાં રહે છે. અમુક સાગ્રીત મોટી માલમત્તા મળી હોય તો તે લઇને વતન ભાગી જાય છે. થોડા દિવસ બાદ ફરી આવુ કરે છે.

ભુતીયાગેંગનો સાગ્રીત રામુ ઉર્ફ રામસીંગ ઝડપાઇ જતાં યુનિવર્સિટી પોલીસના ચોરીના બે ગુના, મેઘપર પડાણાના ચોરીના બે ગુના અને શેઠવડાળાનો ચોરીનો એક ગુનો ઉકેલાયો છે. રાજુ અગાઉ શેઠવડાળા પોલીસના હાથે ચોરીના એક ગુનામાં ૨૦૨૩માં પકડાયો હતો. સંજય વાટીકામાં ૧૩.૨૫ લાખની મત્તા મળી તેમાંથી મોટા ભાગનો માલ સાગ્રીતો વતનમાં લઇને ભાગી ગયાનું રટણ રામુએ કર્યુ છે. ત્રણ સાગ્રીતો રાજુ, મહેન્‍દ્ર અને મડીયાની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇની સુચના મુજબ પીએસઆઇ આર. એચ. ઝાલા, યુનિવર્સિટી પીએસઆઇ બી. આર. ભરવાડ, એલસબી હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, ધર્મરાજસિંહ ઝાલા, અમીનભાઇ ભલુર, યુનિવર્સિટી ડી. સ્‍ટાફના રઘુવીરસિંહ વાળા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(1:59 pm IST)