Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રાજકોટ લોકસભા બેઠકઃ રૂપાલાએ આજે ખર્ચ તપાસણીમાં પ લાખ ૪૧ હજારનો ખર્ચ દેખાડયોઃ કોંગ્રેસ હવે રજૂ કરશે

કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધી પંકજ કાનાબાર બેન્‍ક સ્‍ટેટમેન્‍ટ મળ્‍યા બાદ ખર્ચ રજૂ કરશે... ખર્ચના નોડલ ઓફીસર તથા DDO અને તેમની ટીમ દ્વારા ઉમેદવારોના ખર્ચની તપાસણી ચાલુ...

રાજકોટ તા. ર૪: રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૯ ઉમેદવારો મેદાનમાં છે, ઉમેદવારોને ૯પ લાખના ખર્ચની મર્યાદા છે. ખર્ચની હિસાબો રજૂ કરવાની આજે પ્રથમ તારીખ હતી.

આજે કલેકટર કચેરીના ત્રીજા માળે ખર્ચના નોડલ ઓફીસર અને DDO શ્રી નવનાથ ગ્‍વહાણે અને તેમની ટીમ દ્વારા ખર્ચના ઓબઝર્વર અને દરેક વિધાનસભા બેઠકના આસિસ્‍ટન્‍ટ ઓબઝર્વરની ઉપસ્‍થિતિમાં ઉમેદવારો પાસેથી કરાયેલ ખર્ચના હિસાબો-પૂરાવા સહિત મેળવી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર શ્રી પરષોતમભાઇ રૂપાલાના પ્રતિનિધી શ્રી ભરતભાઇ સોલંકીએ મીટીંગ, સભા-પ્રચાર-પ્રસાર-બેનર્સ-ચા-પાણી-નાસ્‍તા-ભોજન-મંડપ-ખુરશી વિગેરે મળી પ્રથમ ખર્ચ તા. ર૩-૪-ર૦ર૪ સુધીમાં પ લાખ ૪૧ હજારનો ખર્ચ દેખાડયો છે, તેમાં નાની-મોટી ગાડીઓ-વાહનો ભાડે અંગે પણ ખર્ચમાં આવરી લેવાયા છે.

કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશભાઇ ધાનાણીના પ્રતિનિધિ શ્રી પંકજ કાનાબાર ખર્ચના હિસાબો રજૂ કરશે, તેઓ બેંકમાં સ્‍ટેટમેન્‍ટ કઢાવવા ગયા છે, એ પછી ખર્ચ અને સ્‍ટેટમેન્‍ટ મેળવી-બીલો-વાઉચર સાથે સંભવતઃ બપોર બાદ ખર્ચના હિસાબો નોડલ ઓફીસર સમક્ષ રજૂ કરશે.

દરમિયાન ખર્ચના નોડલ ઓફીસર શ્રી નવનાથ ગ્‍વહાણેએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે હાલ ખર્ચના હિસાબો અંગે તપાસણી ચાલુ છે, બધી ફાઇનલ વિગતો બપોરે ૩ાા થી ૪ વાગ્‍યા બાદ જાણી શકાશે.

(9:28 am IST)