Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાજકોટની કાલાવડ રોડ ઉપરની કણસાગરા કોલેજ દ્વારા વાલીઓની ચિંતા ઓછી કરવા સોફટવેર આધારીત સિસ્‍ટમ વિકસાવીઃ પંચ કરતા જ કોલેજમાંથી છૂટવાનો મેસેજ વાલીને મળી જાય છે

વિદ્યાર્થીની કોલેજ બંક કરી હશે તો વાલીને ગેરહાજર રહ્યાનો મેસેજ મળશે

રાજકોટ: કોલેજમાં અભ્યાસ કરતી દીકરીની દરેક વાલીને ચિંતા રહેતી હોય છે. તે કોલેજમાં પહોંચી કે કેમ, કોલેજથી કેટલા વાગ્યે છૂટી વગેરે…શહેરની કણસાગરા મહિલા કોલેજ દ્વારા વાલીઓની ચિંતા ઓછી કરવા એક ખાસ સોફ્ટવેર આધારિત સિસ્ટમ વિકસાવી છે જેમાં વિદ્યાર્થિની જ્યારે કોલેજમાં પ્રવેશે ત્યારે અને કોલેજમાંથી છૂટે ત્યારે સિસ્ટમમાં પંચ કરે છે જેથી દીકરી ક્યારે કોલેજમાં પહોંચી અને ક્યારે કોલેજથી છૂટી તેનો મેસેજ સીધો વાલીને મોબાઈલમાં ઓટોમેટિક મોકલાય જાય છે.

વિદ્યાર્થિની કોલેજ બંક કરે તો વાલીને ગેરહાજરનો મેસેજ જશે

કોલેજમાં આવી ચાર સિસ્ટમ છે અને કોલેજની કુલ 2800 વિદ્યાર્થિનીને આ સિસ્ટમમાં હજારી પૂરવાના કાર્ડ અપાયા છે જેનાથી તેઓ કોલેજમાં આવતી અને જતી વખતે પંચિંગ કરે છે. પંચિંગ કર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવવા-જવા અંગેની મેસેજ મોકલી દેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થિની કોલેજ બંક કરી હશે તો વાલીને ગેરહાજર રહ્યાનો મેસેજ જશે. કણસાગરા મહિલા કોલેજે આ પ્રકારની સિસ્ટમ વિકસાવીને વાલીઓની ચિંતા ઓછી કરી છે. હાલ દરેક વાલીઓને દીકરીઓને કોલેજ પહોંચ્યાનો અને કોલેજથી છૂટ્યા સમય-તારીખ સાથેનો મેસેજ પહોંચી જાય છે. વાલીઓએ પણ આ સિસ્ટમને આવકારતા કહ્યું છે કે, દરેક યુનિવર્સિટી, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ.

આ રીતે કામ કરે છે સિસ્ટમ વિદ્યાર્થિનીની હાજરીનો રેકર્ડ સ્ટોર કરે છે

1. કોલેજમાં વિદ્યાર્થિનીઓની હાજરી માટે સોફ્ટવેરની ચાર સિસ્ટમ મુકાઇ છે.

2. સિસ્ટમમાં એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થિનીને પોતાના નામ કોડ સાથેના કાર્ડ અપાય છે.

3. વિદ્યાર્થિની કોલેજમાં પ્રવેશે ત્યારે આ કાર્ડ સિસ્ટમમાં સ્કેન થાય છે અને હાજરી સાથે તારીખ-સમય નોંધે છે.

4. દરેક વિદ્યાર્થિનીને સિસ્ટમમાં હાજરી પૂર્યા પછી જ ક્લાસ રૂમમાં પ્રવેશ મળે છે.

5. વિદ્યાર્થિની એ સમયે કોલેજમાંથી નીકળે ત્યારે પણ કાર્ડ સ્કેન કરીને જ જવાનું હોય છે.

6. સિસ્ટમ દરેક વિદ્યાર્થિનીનો આવવા-જવાનો રેકર્ડ સંગ્રહિત કરશે.

7. સિસ્ટમમાં દરેક વિદ્યાર્થિનીના વાલીના મોબાઈલ નંબર સ્ટોર કરેલા હોય છે.

8. દરેક વાલીને તેમનું સંતાન કેટલા વાગ્યે કોલેજમાં પ્રવેશ્યા અને કેટલા વાગ્યે છૂટ્યા તેનો મેસેજ મોકલાશે.

9. વિદ્યાર્થિની કોલેજમાંથી બંક કરે, ગેરહાજર રહે તો વાલીઓને મેસેજ કરાય છે.

માતાપિતા આજના સમયમાં ખૂબજ અસંમજસ અને દ્વિધામાં છે. દીકરી ભણે તેવું તેઓ જરૂર ઈચ્છે છે પરંતુ જુવાન દીકરી કોલેજે જાય ત્યારે તે સમયસર કોલેજે પહોંચી તો હશેને? પૂરો સમય કોલેજ પર જ હશેને? આવા સવાલો અને ચિંતા તેમને રહેતી હોય છે. આવી સ્વાભાવિક ચિંતાનો ઉકેલ આ પદ્ધતિમાં સાંપડ્યો છે. – ડો.રાજેશ કાલરિયા, પ્રિન્સિપાલ, કણસાગરા મહિલા કોલેજ

આ પદ્ધતિથી મારા મમ્મી-પપ્પા ગામડે રહીને મારી નિયમિતતા વિશે જાણકારી મેળવી શકે છે. ક્યારેક કોલેજે મોડી પડું તો તેઓ ફોન કરીને તુરંત કારણ જાણે છે. મારી મમ્મી તો કહે કે, “આ સગવડ છે એટલે અમને ચિંતા ઓછી થાય છે.’ મારી બહેનપણીના પપ્પા તો એવું કહે છે કે, “આવી પદ્ધતિ ન હોય તો અમે તમને કદાચ ભણાવીએ જ નહીં.’ – ચન્દ્રા કોરડિયા, જામનગર

(5:43 pm IST)