Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મવડીની કરોડોની ૧૯૦૦ ચો.મી. જમીન પરનું દબાણ હટાવી અરજદારને સોંપવા કલેકટરને સુપ્રીમ કોર્ટનો આદેશ

કબજા સમયે દબાણ હોય પાર્ટીએ દબાણ હટાવી જમીન આપવા માંગણી કરતા કલેકટર તંત્રે ના પાડેલઃ આખરે સુપ્રીમે હુકમ ફરમાવ્‍યો:અગાઉ ૧૯૮૭માં યુએલસી ફાજલ ગણી સરકારે કબજો લીધો હતોઃ બાદમાં ર૦૦પમાં સરકારે ખોટું થયું ગણાવી કબજો આપેલ

રાજકોટ તા. રપઃ મવડી સર્વે નાં. ૧રપની ૧૯૦૦ ચો.મી. જમીન રાજકોટના બે અરજદાર-નાથાલાલ જેઠાલાલ દામાણી અને ચંદ્રપ્રભા દામાણીને દબાણ હટાવી અરજદારને સોંપવા રાજકોટ કલેકટર તંત્રને સુપ્રીમ કોર્ટે આદેશો કરતા અને પાર્ટીની તરફેણમાં ચુકાદો આવતા કલેકટર તંત્રને દોડધામ થઇ પડી છે, કલેકટરે આ બાબતે દક્ષિણ મામલતદારને સુચના આપતા, દક્ષિણ મામલતદાર દ્વારા ઉપરોકત જમીનના ૪૧ પ્‍લોટ નંબર ૭/૧૧/ર૯/૩૧ ઉપર ઉભા થઇ ગયેલા પ થી ૬ જેટલા દબાણો દૂર કરવા નોટીસો સહિતની કાર્યવાહી હાથ ધરાનાર હોવાનું કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ જણાવ્‍યું હતું, તેમણે જણાવેલ કે આ જમીન ઉદયનગર પાસે આવેલી છે, અને કરોડોની કિંમત હાલ ગણાવાઇ રહી છે.

આ રસપ્રદ કેસની આછેરી વિગતો મુજબ કલેકટર તંત્રે ઉપરોકત મવડી સર્વે નં.૧રપ ની ૧૯૦૦ ચો.મી. જમીન ૧૯૮૭માં યુએલસી ફાજલ ગણી કબજો લીધો હતો, જમીનના માલિક નાથાલાલ જેઠાલાલ દામાણી અને ચંદ્રપ્રભા દામાણી છે, બાદમાં દાદ માંગતા અને ગાંધીનગર સુધી મામલો જતા ર૦૦પમાં સરકારને લાગ્‍યું હતું કે ખોટું થઇ ગયું છે, આ જમીનની માલિકી તો અરજદારોની ગણાય, પરીણામે કલેકટર તંત્રે પ્રોસેસ કરી જમીનનો કબજો સોંપ્‍યો, જયારે સોંપણી થઇ ત્‍યારે દબાણ હોય, પાર્ટીએ કલેકટર તંત્ર સમક્ષ માંગણી કરી હતી કે તમે જયારે કબજો લીધો ત્‍યારે જમીન ખાલી હતી, દબાણ નહોતું, તો હવે કબજો સોંપો છો, ત્‍યારે દબાણ દૂર કરી કબજો આપો, પરંતુ કલેકટર તંત્રે ના પાડી દેતા પાર્ટીએ હાઇકોર્ટમાં દાદ માંગી, જયાં હારી જતા, અરજદારો સુપ્રીમ કોર્ટમાં ગયા, આખરે સુપ્રીમ કોર્ટે ઠરાવ્‍યું અને આદેશ કર્યો કે કલેકટર તંત્ર જમીન ઉપરનું દબાણ હટાવી, જમીન ખુલ્લી કરાવી કબજો સોંપે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી કલેકટર તંત્રને હવે દોડધામ થઇ પડી છે, અને આ જમીન ખુલ્લી કરાવવા દક્ષિણ મામલતદાર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થઇ છે.

(4:45 pm IST)