Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કાલે વર્લ્‍ડ ફાર્માસિસ્‍ટ ડે : રેસકોર્ષ ખાતે બ્‍લડ ડોનેશન, હેલ્‍થ અવેરનેશ રેલી, ચેક-અપ કેમ્‍પ સહીતના આયોજનો

બાલભવન પાસે સવારે ૬ થી ૯.૩૦ વિવિધ કેમ્‍પ અને ૧૦ વાગ્‍યે કિસાનપરાથી આત્‍મિય કોલેજ સુધી રેલી

રાજકોટ તા. ૨૪ : કાલે તા. ૨૫ ના દેશભરમાં ‘વર્લ્‍ડ ફાર્માસિસ્‍ટ ડે' તરીકે ઉજવાશે. આ અંતર્ગત રાજકોટ ફાર્માસીસ્‍ટ એસોસીએશન અને ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્‍ટ ફાર્માસિસ્‍ટ એસોસીએશન તેમજ ફાર્મસી કોલેજોના સંયુકત ઉપક્રમે કાલે રેસકોર્ષ ખાતે શ્રેણીબધ્‍ધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

ફાર્માસીસ્‍ટ એસો. દ્વારા વજન, ઉંચાઇ, બીએમઆઇ મેજરમેન્‍ટ કરી અપાશે. ફાર્માસિસ્‍ટ એસો. દ્વારા વિનામુલ્‍યે ડાયાબીટીસ અને બી.પી. ચેક કરી અપાશે. મહાનગરપાલિકા આરોગ્‍ય વિભાગ કોવિડ-૧૯ ના બુસ્‍ટર ડોઝ આપશે. બી. કે. મોદી ફાર્મસી કોલેજ દ્વારા ટી.બી. વિષે જાગૃતિના પ્રયાસો કરાશે.

સ્‍કુલ ઓફ ફાર્મસી અને આર.કે. યુનિવર્સિટી દ્વારા જનરલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ અને ન્‍યુઝ લેટરનું વિતરણ, આર.ડી. ગારડી કોલેજ દ્વારા હર્બલમાં એડલ્‍ટન દવાઓની જાગૃતિ અંગે સ્‍ટોલ ઉભો કરાશે. સૌ.યુનિ. ફાર્મસી વિભાગ દ્વારા મેન્‍ટલ હેલ્‍થ અને ઓષ્‍ટીયોપોરોસીસ અંગે જાગૃતિ અભિયાન, મારવાડી યુનિ. ફાર્મસી ફેકલ્‍ટી દ્વારા એન્‍ટીબાયોટીકસની અનુકુળતા પ્રતિકુળતા અંગે જાગૃતિ સંદેશો અપાશે. આત્‍મિય કોલેજ દ્વારા દવાના લાભ અને નુકશાન અંગે તેમજ કુમકુમ ગ્રુપ દ્વારા વિનામુલ્‍યે તુલસીના રોપાનું વિતરણ કરાશે.

રેસકોર્ષ રીંગ રોડ, બાલભવન પાસે સવારે ૬ થી ૯.૩૦ સુધી વિવિધ કેમ્‍પ સહીતના કાર્યક્રમો અને બાદમાં ૧૦ વાગ્‍યે કિસાનપરાથી રેલીનો પ્રારંભ થશે. જે મોટીટાંકી ચોક, યાજ્ઞીક રોડ, એસ્‍ટ્રોન ચોક, કોટેચા ચોક થઇ આત્‍મિય કોલેજ ખાતે સમાપન થશે.

આ કાર્યક્રમોને સફળ બનાવવા ફાર્મસી પ્રોફેશન સાથે સંકળાયેલ તમામ સંસ્‍થાઓ જહેમત ઉઠાવી રહી હોવાનું પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર એમ. એસ. બંસલ (મો.૯૪૨૮૭ ૨૪૩૪૭) ની યાદીમાં જણાવાયુ છે. 

(3:25 pm IST)