Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

શિક્ષણ થકી બાળકોનો સર્વાંગી વિકાસ શાળામાં જ થવો જોઇએ : બ્રિજેશભાઇ મેરજા

પડધરી તાલુકાના ઉકરડા ગામમાં શાળા પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી : ધો. ૧માં ૧૩ અને આંગણવાડીમાં ૧૦ બાળકોને પ્રવેશ અપાયો

રાજકોટ તા. ૨૪ : રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પડધરી તાલુકાની ઉકરડા પ્રાથમિક શાળા ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ આ પ્રસંગે કહ્યું હતું કે, શિક્ષણ થકી બાળકોનો સર્વાંગી વિકાસ શાળામાં જ થાય તે માટે રાજય સરકાર શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમો કરી રહી છે. ક્ષિક્ષકો દ્વારા ઉતમ શિક્ષણ આપી ભૂલકાઓને શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં આવે છે. બાળકોમાં નિયમિતતા કેળવાય, રમતગમતમાં પણ બાળકો પાછળ ન રહે તે માટેની તકેદારી વાલીઓ અને શિક્ષકોએ રાખવી જોઇએ. આ શાળાના બાળકો ભવિષ્‍યમાં શાળાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પણ મંત્રીશ્રીએ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર, શાળા ગુણોત્‍સવ તેમજ શાળાના ઓરડા, કોમ્‍યુટર લેબ, શિક્ષકોની ભરતી વગેરે દ્વારા સરકારી શાળાઓને વધુને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો રાજય સરકાર દ્વારા થઈ રહયા છે. તેમજ ગામડાઓના પણ સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટીબદ્ધ છે

મંત્રીશ્રી મેરજાએ શાળાને બે રૂમનું દાન આપનારા ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખશ્રી વી.પી.વૈષ્‍ણવનો આભાર માન્‍યો હતો.

આ પ્રસંગે ધોરણ-૧માં ૧૩ બાળકોને તથા આંગણવાડીમાં ૧૦ બાળકોને  પ્રવેશ અપાયો હતો. બાળકોને ક્ષૈક્ષણિક કીટ આપીને પ્રોત્‍સાહિત કરાયા હતા. મહાનુભાવો દ્વારા ગત વર્ષના શ્રેષ્ઠ બાળકોનું સન્‍માન કરાયુ હતું.

કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. બાળકોએ પ્રાર્થના, યોગ નિદર્શન, સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. બાળકોએ વિવિધ વિષયો ઉપર વકત્‍વયો આપ્‍યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું

આ તકે આ તકે ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્‍ણવ, સરપંચ જયરાજભાઈ વૈષ્‍ણવ, આચાર્ય મીનાબેન કપુરીયા, સી.ડી.પી.ઓ. રેખાબેન બોરસણીયા, સી.આર.સી કોર્ડીનેટર અમિતસિંહ ડાભી, આગેવાનો સર્વશ્રી તુલસીભાઈ કાલપૂરા, પ્રવીણભાઈ હેરમા, હઠીસિંહ જાડેજા, મામલતદાર, ટી.ડી.ઓ., શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ આંગણવાડીના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:05 pm IST)